જો હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઇલ-લેપટોપ લોક કરી શકશે, જાણો RBIના નવા નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI New Rules For EMI Defaulter : હપ્તા (EMI) પર સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ ખરીદનારા ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન રિકવરી અને ડિવાઈસ લોકિંગ અંગે નવા સુધારેલા નિયમો જાહેર કર્યા છે. અગાઉ હપ્તો ભરવામાં પ્રસ્તાવિત 90 દિવસની મર્યાદામાં ફેરફાર કરીને હવે 60 દિવસ કરતાં વધુ વિલંબ થાય તો જ બેંક કે ફાઈનાન્સ કંપની ડિવાઈસને સંપૂર્ણપણે લોક કરી શકશે.
RBI ના આ નવા નિયમો 1 જાન્યુઆરી 2027 થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો પોતાની બાકી રકમ વસૂલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેનાથી ગ્રાહકોને બિનજરૂરી રીતે હેરાન કે આર્થિક રીતે લાચાર બનાવી શકાય નહીં.
RBI ના નવા નિયમો અને તબક્કાવાર કાર્યવાહી
30 દિવસ સુધી કોઈ ત્વરિત લોકિંગ નહીં: માત્ર એક EMI ચુકી જવા પર બેંક તરત જ ડિવાઈસ લોક કરી શકશે નહીં. લોન ખાતું ઓછામાં ઓછું 30 દિવસ ઓવરડ્યુ રહે તે પછી જ ઔપચારિક નોટિસ મોકલીને આગળની પ્રક્રિયા શરૂ કરી શકાશે.
30 થી 60 દિવસ દરમિયાન ધીમે ધીમે પ્રતિબંધ
30 થી 60 દિવસના વિલંબ પર બેંક ડિવાઈસ પર તબક્કાવાર મર્યાદિત પ્રતિબંધો લગાવી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન આઉટગોઇંગ કોલ બંધ કરી શકાશે નહીં.
60 દિવસ પછી જ સંપૂર્ણ લોકિંગ
60 દિવસથી વધુ સમય સુધી હપ્તો ન ભરાય તો જ કોન્ટ્રાક્ટ મુજબ ડિવાઈસને સંપૂર્ણપણે લોક કરી શકાશે.
ગ્રાહકોની સુવિધા અને પ્રાઈવસી સંબંધિત મુખ્ય જોગવાઈઓ
ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે: ફોન લોક થયા પછી પણ બેંકો ઈનકમિંગ કોલ, SMS, SOS, ઈમરજન્સી કમ્યુનિકેશન અને રોજગાર-કામકાજ સાથે જોડાયેલી સુવિધાઓ બંધ કરી શકશે નહીં.
પર્સનલ ડેટાની સુરક્ષા
ડિવાઈસ લોક કરતી વખતે બેંક કે ફાઈનાન્સ કંપની ગ્રાહકના પર્સનલ કોન્ટેક્ટ્સ, કોલ લોગ્સ, ફોટો, લોકેશન હિસ્ટ્રી કે પ્રાઈવેટ મેસેજ જેવો કોઈ પણ અંગત ડેટા એક્સેસ કરી શકશે નહીં.
એક કલાકમાં અનલોક કરવું ફરજિયાત
ગ્રાહક બાકી રકમ ચૂકવે તેના 1 કલાકની અંદર ડિવાઈસ અનલોક કરવું પડશે. જો અનલોક કરવામાં વિલંબ થશે, તો બેંકે ગ્રાહકને પ્રતિ કલાક ₹250 લેખે વળતર ચૂકવવું પડશે.
ફક્ત ખરીદેલા ડિવાઈસ પર જ લાગુ: આ નિયમ ફક્ત એ જ સ્માર્ટફોન કે લેપટોપ પર લાગુ થશે જે લોન પર ખરીદવામાં આવ્યો હોય. પર્સનલ કે કન્ઝ્યુમર લોનના ડિફોલ્ટ પર ગ્રાહકના બીજા પર્સનલ ફોનને લોક કરી શકાશે નહીં.
આ સિવાય, RBI એ રિકવરી એજન્ટ્સ માટે વેબસાઈટ પર વ્યક્તિગત વિગતો જાહેર કરવાની શરતમાં પણ ફેરફાર કરીને ધિરાણ આપતી સંસ્થાઓને મોટી રાહત આપી છે.









