Get The App

બેન્કોની થાપણમાં રૃ. ૪૫૦૦૦ કરોડનો વધારો થવાની આશા

રૃ.૧૨ લાખ સુધીની વાર્ષિક આવક વેરામુક્ત કરવામાં આવી

મધ્યમ વર્ગના ડિપોઝિટર્સની થાપણમાં રૃ. ૨૦,૦૦૦ કરોડ ને સિનિયર સિટીઝન્સની થાપણોમાં રૃ.૧૫૦૦૦ કરોડનો વધારો થવાની આશા

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News



બેન્કોની થાપણમાં રૃ. ૪૫૦૦૦ કરોડનો વધારો થવાની આશા 1 - image

(પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, મંગળવાર

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૃ. ૧૨ લાખ સુધીની વાર્ષિક આવકને વેરા મુક્ત કરી દેવાની જાહેરાત કરતાં બેન્કોમાં જમા થનારી થાપણોમાં અંદાજે રૃ. ૪૫,૦૦૦ કરોડનો વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે. બેન્કોની થાપણમાં વધતા બેન્કોનું ધિરાણ વધશે અને આવકમાં ને નફામાં વધારો કરી શકશે.

અત્યારે બેન્કોમાં જમા થતી થાપણોની વૃદ્ધિનો દર ૧૫ ટકાની આસપાસનો છે. બેન્કના કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં પડી રહેતી થાપણોનું પ્રમાણ ૪૦ ટકા જેટલું છે. આ ડિપોઝિટને 'કાસા' ડિપોઝિટ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તેના પર બેન્કોએ માંડ વર્ષે ત્રણ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. તેથી તે લૉ કોસ્ટ ડિપોઝિટ ગણાય છે. લૉ કોસ્ટ ડિપોઝિટના વધતા બેન્કના નફાનું માર્જિન વધે છે.

બીજીતરફ સાઠ વર્ષથી ઓછી વયના નાગરિકોએ બેન્કમાં મૂકેલી થાપણો પર થતી વ્યાજની ચૂકવણી રૃ. ૫૦,૦૦૦થી વધુ થઈ જાય તો જ તે વ્યાજની ચૂકવણીની રકમમાંથી ટીડીએસ-કરકપાત કરવાની નવી જોગવાઈ બજેટમાં આવી છે. અગાઉ આ મર્યાદા રૃ. ૪૦,૦૦૦ હતી. બીજીતરફ સિનિયર સિટીઝન માટે વાર્ષિક વ્યાજની ચૂકવણી રૃ. ૫૦,૦૦૦થી વધુ થાય તો તેના પર કરકપાત કરવી પડતી હતી. ૨૦૨૫-૨૬ના બજેટમાં આ મર્યાદા વધારીને રૃ. ૧ લાખ કરી દેવામાં આવી છે. રૃ. ૫૦,૦૦૦ની મર્યાદા હતી ત્યારે કરકપાત થયેલા નાણાંનું રિફંડ મેળવવાની જફા કરવી પડતી હતી. રિફંડની રકમ લેવા માટે રિટર્ન ફાઈલ કરવાનો કેટલાક સિનિયર સિટીઝન્સને વધુ ખર્ચ કરવો પડતો હતો. તેથી તે સિનિયર સિટીઝન્સ બેન્કોમાં થાપણો મૂકવાનું પસંદ જ કરતાં નહોતા.

હવે ૨૦૨૫-૨૬ના બજેટ પછી સિનિયર સિટીઝનને વ્યાજની વાર્ષિક આવક રૃ. ૧ લાખથી વધે તો જ તેને ચૂકવવામાં આવતા વ્યાજની રકમમાંથી ટીડીએસ-કરકપાત કરવાની આવશે. પરિણામે સિનિયર સિટીઝન બેન્કોમાં વધુ થાપણો મૂકતા થશે. તેના થકી બેન્કોની થાપણમાં રૃ. ૧૫૦૦૦ કરોડનો વધારો થવાનો અંદાજ છે. એક અંદાજ મુજબ અત્યારે બેન્કમાં જમા પડેલી કુલ થાપણોમાંથી ૩૪.૫ લાખ કરોડની થાપણ સિનિયર સિટીઝન્સ દ્વારા મૂકવામાં આવેલી થાપણો છે. બેન્કનુ કુલ થાપણોમાં સિનિયર સિટીઝન્સની થાપણનું પ્રમાણ ખાસ્સુ મોટું છે. ત્રીજું, સરકારે વાર્ષિક આવક રૃ. ૧૨ લાખ સુધીની હોય તો તેના પર મળતા કલમ ૮૭-એ હેઠળના રિબેટને કારણે કોઈ જ ટેક્સ ભરવાનો આવશે નહિ. તેથી પણ સિનિયર સિટીઝન્સ વધુ સલામત બેન્કમાં થાપણો મૂકવાનું પસંદ કરતાં થશે.

માત્ર સિનિયર સિટીઝન્સની થાપણોમાં જ નહિ, નોન સિનિયર સિટીઝન્સની થાપણોમાં પણ અંદાજે રૃ. ૭૦૦૦ કરોડનો વધારો થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. રૃ. ૧૨ લાખ સુધીની આવક રિબેટને કારણે વેરામુક્ત બનતી હોવાથી યુવાનો તરફથી બેન્કમાં મૂકવામાં આવતી થાપણોમાં રૃ.૨૦,૦૦૦ કરોડનો વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. સાઠ વર્ષથી નીચેની વયના યુવાનો અને પુખ્તોના હાથમાં વધારાના પૈસા આવશે. જોકે સાવ જ યુવા પેઢી એટલે કે ૨૦થી ૩૫ વર્ષની વયના યુવાનોમાં બચત કરવાની માનસિકતા ખાસ્સી ઓછી છે. તેથી તેમના તરફથી બચતમાં વધારો થવા કરતાં ૩૫થી ૫૯ની વય જૂથના નાગરિકો વેરારાહતના નાણાં બચત તરફ ડાયવર્ટ કરે તેવી સંભાવના વધુ રહેલી છે.  


bank-s

Google NewsGoogle News