નિકાસ પ્રતિબંધ ઉઠાવ્યા બાદ બાંગ્લાદેશ દ્વારા ભારતના બે લાખ ટન ઘઉંની ખરીદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતના ઘઉંની ઊંચી માગ
મુંબઈ : વૈશ્વિક સ્તરે ઘઉંના ઊંચા ભાવ તથા ઘરઆંગણે ઘઉંના વિપુલ પૂરવઠાને ધ્યાનમાં રાખી ભારતે ઘઉંની નિકાસ પરના પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ બાંગલાદેશે ભારત ખાતેથી ઘઉંની ખરીદી ફરી શરૂ કરી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કાળા સમુદ્ર મારફત ઘઉંની હેરફેર પર ખલેલ પડતા તેના વૈશ્વિક ભાવ ઊંચકાયા છે. સ્થાનિક બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશે બે લાખ ટન ઘઉં ખરીદીના કરાર કર્યા છે.
બાંગ્લાદેશ દ્વારા ૨૦૨૨ બાદ પ્રથમ જ વખત ઘઉંની આટલી મોટી ખરીદી કરવામાં આવી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંના વેૈશ્વિક વેપારના ગણિતો બદલાયા છે. રશિયા-યુક્રેન વિસ્તારોના બંદરો પર વારંવાર થઈ રહેલા હવાઈ હુમલાને કારણે આ વિસ્તારમાંથી ઘઉંનો પૂરવઠો ખોરવાઈ ગયો છે. વિશ્વમાં આ ક્ષેત્ર ઘઉંનું મોટું ઉત્પાદક ક્ષેત્ર છે.
આ હકીકતને ધ્યાનમાં રાખી એશિયા, આફ્રિકા તથા યુરોપના દેશોએ પોતાના ઘઉંની જરૂરિયાત માટે અન્ય પૂરવઠેદારો તરફ નજર દોડાવવાની ફરજ પડી છે.
જે દેશો નાણાંભીડ અનુભવી રહ્યા છે તેમની માટે ઊંચા ભાવના ઘઉં ખરીદવાનું મુશકેલ બની ગયું હોવાનું પણ સ્થાનિક સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
એશિયામાં બાંગલાદેશ પર દબાણ વધી ગયું છે. બાંગલાદેશે વર્ષે ૭૦ લાખ ટન ઘઉંની આયાત કરવી પડે છે. મે ૨૦૨૨ના નિકાસ પર પ્રતિબંધ મુકાયો તે પહેલા બાંગલાદેશ દ્વારા ઘઉંની ૭૦ ટકા ખરીદી ભારત ખાતેથી થતી હતી.
ભારત ખાતેથી ઘઉં ખરીદવાનું બાંગલાદેશને સસ્તુ પડે છે. રશિયા-યુક્રેન કટોકટીનો અંત નહીં આવે ત્યાંસુધી ઘઉંની પૂરવઠા ખેંચ ચાલુ રહેશે તેવો પણ સ્થાનિક ટ્રેડરો મત ધરાવી રહ્યા છે.




