Business

શેરબજારમાં 'Pump & Dump' નો ખેલ કરતી 221 સંસ્થાઓ સામે પ્રતિબંધ, માસ્ટર માઈન્ડને 10 કરોડનો દંડ

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
સેબીએ શેરબજારમાં 'પંપ એન્ડ ડમ્પ' કૌભાંડ આચરનાર 221 સંસ્થાઓ પર 7 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. માસ્ટરમાઇન્ડ હનીફ શેખ પર 10 કરોડનો દંડ ફટકાર્યો છે. આ કૌભાંડીઓએ 5 કંપનીઓના શેરમાં હેરાફેરી કરી આશરે 143.79 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર નફો મેળવ્યો હતો. 2017થી 2020 વચ્ચે થયેલા આ ષડયંત્રમાં 200થી વધુ સંસ્થાઓ સામેલ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં  'Pump & Dump' નો ખેલ કરતી 221 સંસ્થાઓ સામે પ્રતિબંધ, માસ્ટર માઈન્ડને 10 કરોડનો દંડ
IMAGE - IANS

Pump and dump scam: માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ શેરબજારમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. સેબીએ 'પંપ એન્ડ ડમ્પ' (શેરોના ભાવ આર્ટિફિશિયલી વધારીને વેચી દેવા)ના કૌભાંડમાં સંડોવાયેલી 221 સંસ્થાઓ પર સકંજો કસ્યો છે અને તેમના પર આગામી 7 વર્ષ માટે શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા એક રોકાણકાર પર 10 કરોડ રૂપિયાનો તગડો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેબીના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધિત સંસ્થાઓએ માર્કેટમાં ખોટી રીતે પ્રાઈઝ મેનીપ્યુલેશન કરીને અંદાજે 143.79 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર નફો કમાયો હતો.

કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હનીફ શેખ અને 5 કંપનીઓના શેરમાં હેરાફેરી

SEBIએ પોતાના 394 પાનાના વિગતવાર આદેશમાં જણાવ્યું છે કે, આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર હનીફ શેખ નામનો રોકાણકાર છે. હનીફ શેખ અને તેની સહયોગી સંસ્થાઓએ મળીને મૌર્ય ઉદ્યોગ લિમિટેડ, 7NR રિટેલ, દાર્જીલિંગ રોપવે કંપની, GBL ઇન્ડસ્ટ્રીઝ અને વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ જેવી 5 કંપનીઓના શેરોમાં મોટા પાયે હેરાફેરી કરી હતી. આ ગુના બદલ સેબીએ હનીફ શેખ પર 10 કરોડ રૂપિયાનો ભારે દંડ લગાવ્યો છે. આ યોજના હેઠળ 200થી વધુ સંસ્થાઓએ 'પીવી ઇન્ફ્લુએન્સર્સ' અને 'ઓફલોડર્સ' તરીકે કામ કર્યું હતું, જેથી ગેરકાયદેસર કમાણી આસાનીથી પ્રમોટરો સુધી ટ્રાન્સફર કરી શકાય.

વર્ષ 2017થી 2020 વચ્ચે રચાયું આખું ષડયંત્ર

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, આ પાંચ કંપનીઓના શેરમાં પંપ એન્ડ ડમ્પનો આ મોટો ખેલ વર્ષ 2017થી વર્ષ 2020 દરમિયાન ખેલવામાં આવ્યો હતો. સેબીની તપાસમાં સામે આવ્યું છે કે, પૈસાના અસલી માલિકો (લાભાર્થીઓ)ની ઓળખ છુપાવવા માટે આ રકમને અસંખ્ય વચેટિયાઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સેબીના સભ્ય અમરજીત સિંહે જણાવ્યું કે, છેતરપિંડીની આ વ્યૂહનીતિ ભલે નવી ન હોય, પરંતુ તેને ખૂબ જ શાતિર અને આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં 226થી વધુ સંસ્થાઓ 5 અલગ-અલગ સ્કીમમાં પોતપોતાની ભૂમિકા ભજવવા માટે એકસાથે જોડાઈ હતી. આ મામલામાં અન્ય 5 સંસ્થાઓ પર પણ 6 વર્ષનો પ્રતિબંધ મૂકીને પ્રત્યેક પર 2-2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું છે આ 'પંપ એન્ડ ડમ્પ' ટેક્નોલોજી અને તેની વ્યૂહનીતિ?

શેરબજારમાં સામાન્ય અને ભોળા રોકાણકારોને ફસાવવા માટે 'પંપ એન્ડ ડમ્પ' એ છેતરપિંડીની એક જાણીતી સ્ટ્રેટેજી છે. આ ખેલમાં કૌભાંડીઓ પહેલા કોઈ ચોક્કસ શેર વિશે સોશિયલ મીડિયા કે પ્રભાવશાળી લોકો દ્વારા ખોટી, ભ્રામક અને અતિશયોક્તિભરી અફવાઓ ફેલાવે છે. જેને જોઈને સામાન્ય રોકાણકારો આકર્ષાય છે અને મોટા પાયે ખરીદી શરૂ કરે છે.

ખરીદી વધવાને કારણે શેરનો ભાવ આકાશે આંબવા લાગે છે (જેને પંપ કહેવાય છે). જ્યારે શેરનો ભાવ ખૂબ ઊંચો થઈ જાય, ત્યારે કૌભાંડીઓ પોતાની પાસે રહેલા લાખો શેર ઊંચા ભાવે વેચીને (જેને ડમ્પ કહેવાય છે) રાતોરાત મોટો નફો બુક કરીને બહાર નીકળી જાય છે. ત્યારબાદ અચાનક આવેલી વેચવાલીને કારણે શેરનો ભાવ ધડામ દઈને નીચે પડે છે અને છેલ્લે ઊંચા ભાવે શેર ખરીદનારા સામાન્ય રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી જાય છે.

નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં હંમેશાં તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.