ઓટોમોબાઈલ ઉત્પાદકોનો સ્ટીલની આયાત પર સેફગાર્ડ ડયુટી લાદવા સામે વિરોધ
- બજેટ અગાઉ સિયામે ડયુટી લાદવાનો વિરોધ કર્યો હતો
નવી દિલ્હી : ભારતીય ઓટોમોબાઈલ ઉત્પાદકોએ ચોક્કસ ગ્રેડના સ્ટીલની આયાત પર સેફગાર્ડ ડયુટી લાદવા સામે સખત વિરોધ કર્યો છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ સ્થાનિક રીતે ઉત્પાદિત કરી શકાય તેવા અને કડક ઉત્સર્જન અને સલામતી ધોરણોને પૂર્ણ કરી શકાય તેવા સક્ષમ વિકલ્પોની ગેરહાજરીમાં તેમને આયાત કરવાની ફરજ પડી છે.
ઇન્ડિયન સ્ટીલ એસોસિએશને તેના સભ્યો વતી સરકારને નોન-એલોય અને એલોય સ્ટીલના ફ્લેટ ઉત્પાદનો પર સેફગાર્ડ ડયુટી લાદવા માટે એક પત્ર આપ્યો હતો. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝએ હવે તેની તપાસ શરૂ કરી છે. આ વિશિષ્ટ સ્ટીલ ઉત્પાદનોમાં હોટ રોલ્ડ કોઇલ, શીટ્સ, પ્લેટ્સ, કોલ્ડ રોલ્ડ કોઇલ અને શીટ્સ, કલર કોટેડ કોઇલ અને શીટ્સનો સમાવેશ થાય છે.
ઓટો ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૨૩-૨૪માં લગભગ ૫ બિલિયન ડોલરની કિંમતની આ ખાસ સ્ટીલ પ્રોડક્ટ્સની આયાત કરવામાં આવી હતી. વાહન ઉત્પાદકોના સંગઠન સિયામએ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ એક પત્ર લખીને આ ખાસ સ્ટીલ ઉત્પાદનો પર સેફગાર્ડ ડયુટી લાદવાનો સખત વિરોધ કર્યો છે.
પેસેન્જર વાહનોનું ઉત્પાદન કરતી દેશની તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ સિયામની સભ્ય છે. સિયામએ કહ્યું હતું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ પહેલેથી જ વૈકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવાની શક્યતાઓ પર વિચાર કરી રહ્યો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ તેની જરૂરિયાતોના લગભગ ૧૫ ટકા સ્ટીલની આયાત કરે છે.