સપ્ટેમ્બરમાં ઓટો રિટેલ વેચાણમાં ૩૧ ટકાથી વધુ વૃદ્ધિ: ટ્રેકટર્સમાં નબળાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાહનોના વેચાણમાં ઈ-વ્હીકલ્સનો હિસ્સો ૧૩ ટકા રહ્યો
મુંબઈ : સપ્ટેમ્બરમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૧.૮૦ ટકાની વૃદ્ધિ સાથે કુલ વેચાણ આંક ૨૫,૩૬,૯૨૦ રહ્યો છે. વર્તમાન વર્ષનું સપ્ટેમ્બરનું ઓટો રિટેલ વેચાણ અત્યારસુધીના સપ્ટેમ્બર મહિનાનું શ્રેષ્ઠ રહ્યું છે એમ ફેડરેશન ઓફ ઓટોમોબોઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)ના ડેટા જણાવે છે. ટ્રેકટર્સને બાદ કરતા મોટાભાગના વાહનોના વેચાણમાં આકર્ષક વૃદ્ધિ જોવા મળી છે. વાહનોના એકંદર વેચાણમાં ઈ-વ્હીકલ્સના હિસ્સામાં વધારો જોવા મળ્યો છે.
ઓગસ્ટની સરખામણીએ વેચાણમાં ૪.૭૦ ટકા વધારો થયો છે. છ મુખ્ય વાહન શ્રેણીમાંથી પાંચ પ્રકારના વાહનોનું વેચાણ અત્યારસુધીના સપ્ટેમ્બરનું સૌથી ઊંચુ રહ્યું છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ઓટો રિટેલ વેચાણ આંક ૨૦.૭૫ ટકા વધી ૧,૫૫, ૧૨,૩૧૯ વાહનો રહ્યું હોવાનું પણ ફાડાના સુત્રોએ જણાવ્યું હતું. વાહનોના વેચાણમાં ટુ વ્હીલર્સનું વેચાણ ૩૩ ટકા વધી ૧૭.૯૦,૧૮૮ એકમ રહ્યું છે જ્યારે ઊતારૂ વાહનોના વેચાણમાં ૩૨.૧૦ ટકાની વૃદ્ધિ રહીને ૪,૨૭,૨૧૩ એકમ રહ્યું છે. જન્માષ્ટમી તથા ગણપતિ જેવા તહેવારોને પરિણામે વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યા હોવાનું પણ ફાડાના સુત્રોએ ઉમેર્યુ હતું.
અન્ય વાહનોની સરખામણીએ ટ્રેકટર્સનું વેચાણ ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં નબળુ રહ્યું છે. અલ નિનોને કારણે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની નબળાઈને પરિણામે ટ્રેકટર્સના વેચાણ પર અસર જોવા મળી છે. જો કે ટ્રેકટર્સનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૩.૭૫ ટકા વધી ૭૬૯૦૬ એકમ રહ્યું છે.
વીજ વાહનોનો વેચાણ આંક ૩.૩૪ લાખ રહ્યો છે જે કોઈ એક મહિનાનો અત્યારસુધીનો સૌથી વધુ છે. વીજ વાહનોના વેચાણમાં વધારા સાથે વાહનોના એકંદર વેચાણમાં વીજ વાહનોનો હિસ્સો વધી અંદાજે ૧૩ ટકા રહ્યો છે.
ટુ વ્હીલર્સના રિટેલ સેલમાં ઈ-ટુ વ્હીલર્સનો હિસ્સો ૧૧.૫૫ ટકા રહ્યો છે જ્યારે ઊતારૂ વાહનોમાં ઈ-પેસેન્જર વ્હીકલ્સનો હિસ્સો ૮.૪૫ ટકા રહ્યો હોવાનું પણ ફાડાના ડેટા જણાવે છે.




