ચાંદીની આયાતને અપાયેલી મંજૂરીથી ઝડપી મંદી, રૂપિયા 7000નું ગાબડું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તૂટતાં દેશમાં ઈમ્પોર્ટ કોસ્ટ ગબડી
મુંબઈ ચાંદીના જીએસટી વગર ભાવ રૂપિયા બે લાખની અંદર: સોનામાં પણ ઘટાડો: જો કે ક્રૂડના ભાવ ફરી ઉછળ્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ ઘટી રૂ.બે લાખની સપાટીની અંદર ઉતરી ગયાના નિર્દેશો હતા. જો કે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. ભારતમાં સરકારે ચાંદીમાં ૬૫૦૦ ટનની ઈમ્પોર્ટ માટે પરમીટો ઈસ્યુ કર્યાના નિર્દેશોની અસર પણ બજાર પર દેખાઈ હતી.
આના પગલે દિવાળી પૂર્વે દેશમાં ચાંદીની સપ્લાય વધવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા હતા. આ વર્ષે મે મહિનામાં સરકારે નવી લાઈસન્સ જરૂરિયાતની શરત લાગુ કરી હતી. દરમિયાન, આ ૬૫૦૦ ટન ચાંદીની ઈમ્પોર્ટની પરમીટો ૬ મહિના સુધી અમલમાં રહેનાર હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં ચાંદીની આયાત વધી તાજેતરમાં સપ્ટેમ્બરમાં ૩૨૮ ટન થઈ હતી. ૨૦૨૫માં ભારતમાં ચાંદીની વાર્ષિક આયાત ૭૦૦૦ ટન થઈ હતી.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૭૦૦૦ તૂટી રૂ.૧૯૯૭૭૭ બોલાયા હતા. જીએસટી સાથેના ભાવ જોકે આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૭૦૦૦ ગબડી રૂ.૨૦૪૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આજે ઔંસના ૫૭.૭૧ વાળા ઘટી નીચામાં ભાવ ૫૫.૬૬ ડોલર થઈ ૫૫.૮૪થી ૫૫.૮૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૧૩૯થી ૪૧૪૦ વાળા આજે ઘટી ૪૦૫૭ થઈ ૪૦૭૦થી ૪૦૭૧ ડોલર રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૮૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૪૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૨૧૨૩ તથા ૯૯૯ના રૂ.૧૪૨૬૯૪ રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૧૮૦૦ ઘટી રૂ.૫૬૩૪૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમ ઘટી ૧૫૭૭ થઈ ૧૫૯૨ ડોલર તથા પેલેડીયમ ઘટી ૧૦૫૩ થઈ ૧૦૬૬ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ આજે ફરી વધ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૯.૪૫ વાળા વધી ૧૧૨.૬૮ થઈ ૧૧૧.૯૮ ડોલર રહ્યા હતા.




