1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો! ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Volkswagen Mass Layoffs News: જર્મન ઓટોમેકર ફોક્સવેગન જેવી મોટી કંપની 'જોબ કટ' એટલે કે છટણી તરફ આગળ વધી રહી છે. કંપનીના 89 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી હોઈ શકે છે, જેમાં લગભગ 1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો છે. આમ, કંપની ચાર ફેક્ટરીઓ બંધ કરી શકે છે. યુરોપમાં નબળી પડતી માગ, ચીન તરફથી સ્પર્ધા અને યુએસ ટેરિફ 'જોબ કટ' પાછળના કારણો છે.
ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી
ફોક્સવેગન વિશ્વની સૌથી મોટી ઓટોમેકર કંપનીઓમાંની એક છે. એક સમયે તેનું યુરોપ પર પ્રભુત્વ હતું, પરંતુ ચીની કંપનીઓના પ્રવેશથી ફોક્સવેગન માટે સ્પર્ધા વધી છે. ચીની કંપનીઓ ઓછી કિંમતે વધુ સારી ટેકનોલોજીવાળા ઉત્પાદનો રજૂ કરી રહી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક કારની રેસમાં, ચીની ઓટોમેકર્સ અન્ય દેશોની કંપનીઓ કરતા આગળ છે.
પ્લાન્ટ બંધ થવાની શક્યતા
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ફોક્સવેગનના સુપરવાઇઝરી બોર્ડના સભ્યો સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં હેનોવર, ઝ્વિકૌ, એમ્ડેન અને ઓડીના નેકાર્સુલ્મ પ્લાન્ટ બંધ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પર 9 જુલાઈના રોજ યોજાનારી બોર્ડ મિટિંગમાં ચર્ચા થવાની અપેક્ષા છે.
રોકાણોમાં પણ ઘટાડો કરાશે
ફોક્સવેગન ફક્ત નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહ્યું નથી, પરંતુ કંપની તેના રોકાણમાં પણ ઘટાડો કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ફોક્સવેગન આગામી પાંચ વર્ષમાં તેના રોકાણમાં આશરે 15% ઘટાડો કરવાનું વિચારી રહી છે. આ ઘટાડા બાદ કંપનીનું કુલ રોકાણ ઘટીને 130 અબજ યુરો થઈ જશે.
ફોક્સવેગન પર અનેક પડકારો
ફોક્સવેગન હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. કંપની સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં ચીની કંપની તરફથી સખત સ્પર્ધાનો સાaમનો કરી રહી છે. જ્યારે યુરોપમાં માગ પણ ઘટી રહી છે અને યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ યુરોપિયન કંપનીઓ પર ટેરિફ લાદી રહ્યું છે.
2024 માં BYD એ તેને પાછળ છોડી દીધું હતું. ત્યારથી કંપનીનું વેચાણ સતત ઘટી રહ્યું છે. રિપોર્ટ મુજબ, ચીની બજારમાં બિન-ચીની કંપનીઓના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. 2020 માં આવી કંપનીઓનો બજાર હિસ્સો 57% થી ઘટીને 32% થઈ ગયો છે. આ દબાણ ફક્ત ચીન પૂરતું મર્યાદિત નથી. BYD, Chery, SAIC અને Leapmotors જેવી કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપિયન બજારમાં તેમનો બજાર હિસ્સો બમણો કર્યો છે, જે તેના ઘરેલુ બજારમાં ફોક્સવેગન માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર છે. કંપનીના નેતૃત્વએ પણ સ્વીકાર્યું છે કે, તેનું વર્તમાન વ્યવસાય મોડેલ દબાણ હેઠળ છે. વધતા ખર્ચ અને ઘટતી માગ કંપનીના નફા પર અસર કરી રહી છે.









