Business

ખાંડમાં સ્ટોક લિમિટની કરાયેલી જાહેરાત

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં તહેવારો ટાણે ખાંડના ભાવ 50 રૂપિયા સુધી પહોંચતા સંગ્રહખોરી રોકવા સરકારે કડક પગલાં લીધા છે. ડીલરો 4000 ક્વિન્ટલથી વધુ સ્ટોક 30 દિવસથી વધુ સમય રાખી શકશે નહીં. આ નિયમ 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે, જેથી ગ્રાહકોને સસ્તા ભાવે ખાંડ મળી રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાંડમાં સ્ટોક લિમિટની કરાયેલી જાહેરાત

તહેવારો દરમિયાન સંગ્રહખોરી અટકાવવા ભરાયેલું પગલું : ખાંડના રિટેલ ભાવ રૂા. ૫૦ સુધી પહોંચ્યા
ડીલરો ૪૦૦૦ ક્વિન્ટલથી વધુ સ્ટોકસ રાખી શકશે નહીં: પ્રાપ્ત થયાના ૩૦ દિવસથી વધુ સમય ખાંડ રાખી શકાશે નહીં
મુંબઈ : દેશમાં ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી આગામી તહેવારો દરમિયાન ખાંડની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે છેવટે ડીલરો માટે ખાંડની સ્ટોક લિમિટ જાહેર કરી છે. ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ઓર્ડર પ્રમાણે કોઈપણ ડીલર તેમને પ્રાપ્ત થયેલી ખાંડનો સ્ટોક પ્રાપ્ત તારીખથી ૩૦ દિવસથી વધુ સમય સુધી રાખી શકશે નહીં એટલુ જ નહીં કોઈપણ ડીલર દેશમાં કોઈપણ સ્થળે ૪૦૦૦ ક્વિન્ટલથી વધુ સ્ટોક રાખી શકશે નહીં.
ડીલરોએ પોતાના સ્ટોકસની દર સપ્તાહે નિયમિત રીતે જાણકારી આપવાની રહેશે. આ જાણકારી સરકારી વેબસાઈટ પર પૂરી પાડવાની રહેશે. આ ઓર્ડર ૧લી ઓગસ્ટથી લાગુ થઈ ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી લાગુ રહેશે એમ પણ ઓર્ડરમાં જણાવાયું હતું.
છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩૦૦ જેટલા વધી હાલમાં રૂપિયા ૪૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. દેશના મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં ખાંડના રિટેલ ભાવ પ્રતિ કિલો રૂપિયા ૪૫થી ૫૦ પહોંચી ગયા છે.
જો કે ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળા પાછળ કોઈ સ્પષ્ટ કારણ નહીં હોવાનું અને જરૂરિયાતને પૂરી કરી શકાય તેટલો ખાંડનો પૂરતો સ્ટોકસ છે, એમ દેશના ખાંડ ઉદ્યોગ દ્વારા તાજેતરમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જિ મેન્યુફેકચરર્સ એસોસિએશન (ઈસ્મા) તથા નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીસ લિ. દ્વારા સંયુકત રીતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સાથેની ચર્ચામાં ખાંડનો પૂરવઠો સાનુકૂળ સ્થિતિમાં હોવાની ખાતરી થઈ હતી. ઘરઆંગણેની માગને પહોંચી વળવા પૂરતો સ્ટોકસ ઉપલબ્ધ છે.
નબળા ચોમાસાને કારણે ઓકટોબરથી શરૂ થતી ખાંડ મોસમના ઉત્પાદન પર અસર પડવાની ધારણાંએ ખાંડના ભાવમાં હાલમાં ઉછાળો આવ્યો છે.
ટ્રેડરો દ્વારા ગભરાટભરી ખરીદીની સ્થિતિમાં તહેવારો ટાણે ખાંડની અછત સર્જાવાનો પણ ભય રહેલો છે.
સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન ખાંડ મોસમમાં ઈથેનોલ તરફ વાળ્યા બાદ ૨.૯૩ કરોડ ટન ખાંડ ઉત્પન્ન થવાનો ઈસ્મા દ્વારા અંદાજ મુકાયો છે. ૨૦૨૪-૨૫ની મોસમમાં ૨.૬૧ કરોડ ટન ખાંડ ઉત્પન્ન થઈ હતી. વર્તમાન વર્ષના મેમાં સરકારે ખાંડની નિકાસ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો હતો.
ઓગસ્ટ માટે ૨૨.૫૦ લાખ ટન ખાંડ કવોટા જાહેર
આગામી ઓગસ્ટ મહિના માટે અન્ન મંત્રાલયે મિલો માટે ૨૨.૫૦ લાખ ટન ખાંડ કવોટા છૂટો કર્યો છે. ગયા વર્ષના ઓગસ્ટમાં પણ આટલી માત્રાનો કવોટા છૂટો કરાયો હતો. ઓગસ્ટમાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી સામાન્ય કરતા વધુ કવોટા છૂટો કરવામાં આવી છે. જુલાઈમાં ૨૨ લાખ ટન ખાંડ કવોટા જાહેર કરાયો હતો. જુલાઈમાં ખાંડના ભાવમાં ઊંચકાયા બાદ ઓગસ્ટમાં તેમાં સ્થિરતા જોવા મળવાની સંભાવના છે. ખાંડના ભાવ વધતા અટકાવવા સરકારે ટ્રેડરો માટે ખાંડની સ્ટોક લિમિટ પણ જાહેર કરી છે.