મુંબઈ : ભારત-અમેરિકા વચ્ચે ગઈકાલે ટ્રેડ ડિલ માટે બન્ને દેશો સંમત થયાના અને ટેરિફમાં ઘટાડો પણ કરાતાં આજે શેરોમાં ફંડો, મહારથીઓએ સાર્વત્રિક તેજીનું તોફાન મચાવ્યું હતું. લોકલ ફંડોની સાથે ફોરેન ફંડો પણ શેરોમાં વેચાણો કાપીને ફરી મોટાપાયે ખરીદદાર બની જતા આજે જાતેજાતમાં તેજીમાં આવી ગયા હતા. ટ્રેડ ડિલ સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડાની અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૧.૫૦ રૂપિયા જેટલો જંગી વધી આવ્યાની પોઝિટીવ અસરે આજે શેરોમાં લાવલાવની પાટીયા ઝુલવા લાગ્યા હતા. સેન્સેક્સ ૨૦૭૨.૬૭ પોઈન્ટની છલાંગે ૮૩૭૩૯.૧૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૩૯.૧૫ પોઈન્ટ ઉછળીને ૨૫૭૨૭.૫૫ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની છલાંગ
ભારત-અમેરિકા ટ્રેડ ડિલથી ભારતની કેપિટલ ગુડઝની નિકાસો વધવાની અને પાવર ઈક્વિપમેન્ટ, રિન્યુએબલ એનજીૅ ક્ષેત્રે પણ બન્ને દેશો વચ્ચે ટ્રેડ વધવાની અપેક્ષાએ આજે ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક તેજી કરી હતી. ટીમકેન રૂ.૨૨૪.૯૦ વધીને રૂ.૩૨૫૩.૪૫, કેઈઆઈ રૂ.૨૯૧.૯૫ વધીને રૂ.૪૩૬૯.૨૦, પોલીકેબ રૂ.૪૭૨.૮૦ વધીને રૂ.૭૫૦૬.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૧.૬૦ વધીને રૂ.૭૯૪.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૪૩૩.૪૭ પોઈન્ટ ઉછળીને ૬૮૦૯૩.૦૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી
ઓટોમોબાઈલ કંપનીઓ માટે પણ અમેરિકી ટેરિફમાં ઘટાડાની પોઝિટીવ અસરે હવે વાહનો અને ઓટોમોબાઈલ કોમ્પોનન્ટસ સહિતની નિકાસોને વેગ મળવાની અપેક્ષાએ આજે ફંડોએ ઓટો શેરોમાં તોફાની તેજી કરી હતી. અપોલો ટાયર રૂ.૨૨.૩૦ વધીને રૂ.૫૦૪.૯૫, આઈશર મોટર્સ રૂ.૨૨૮.૨૫ વધીને રૂ.૭૨૧૩.૫૫, ઉનો મિન્ડા રૂ.૩૩.૭૫ વધીને રૂ.૧૨૧૩.૪૦, મારૂતી સુઝુકી રૂ.૩૯૨.૫૫ વધીને રૂ.૧૪,૭૭૯.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૧૦.૧૧ પોઈન્ટ ઉછળીને ૬૦૯૮૮.૪૭ બંધ રહ્યો હતો.
ફાર્મા ક્ષેત્રે આગેકૂચ
અમેરિકાએ ટેરિફમાં ઘટાડો કર્યા સાથે ભારતની ફાર્મા નિકાસોની અનિશ્ચિતતાના વાદળો વિખેરાતાં ફંડોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક તેજી કરી હતી.
પોલીમેડ રૂ.૧૩૬.૫૦ વધીને રૂ.૧૫૮૭.૬૦, કોપરાન રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૩૪.૩૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૧.૪૦ વધીને રૂ.૨૮૬.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૬૪.૦૭ પોઈન્ટ ઉછળીને ૪૨૨૫૩.૦૨ બંધ રહ્યો હતો.
ફાઈ., બેંકિંગ શેરોમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોની બજાજ ટ્વિન્સની આગેવાનીએ આક્રમક તેજી કરી હતી. એક્સિસ બેંક રૂ.૩૭.૭૦ વધીને રૂ.૧૩૫૫.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૩૮૯.૬૦ રહ્યા હતા. બજાજ ફાઈનાન્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.૩૭૦૫.૮૧ કરોડથી વધીને રૂ.૪૫૮૦.૫૨ કરોડ થતાં સેર રૂ.૬૦.૪૦ ઉછળીને રૂ.૯૬૪.૭૫, બજાજ ફિનસર્વ રૂ.૮૨.૮૫ વધીને રૂ.૨૦૧૩.૦૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૧૬૬.૨૫ વધીને રૂ.૨૫૪૦.૭૦, નુવામા રૂ.૭૯.૫૦ વધીને રૂ.૧૩૬૨.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૩૦.૦૩ પોઈન્ટ ઉછળીને ૬૭૪૨૫.૪૭ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજી
સોના અને ચાંદીના ભાવોમાં પાછલા દિવસોમાં તીવ્ર કડાકા બાદ આજે વિશ્વબજાર પાછળ ભાવો ફરી વધી આવતાં અને નોન-ફેરસ મેટલના ભાવોમાં પણ ઉછાળાને કારણે આજે ફરી મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડાને બ્રેક લાગી ભાવો વધતાં જોવાયા હતા. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૮.૭૦ વધીને રૂ.૬૨૮.૨૫, એપીએલ અપોલો રૂ.૫૭.૯૦ વધીને રૂ.૨૧૩૭, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૧૨૨૯.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૮૨.૯૭ પોઈન્ટની છલાંગે ૩૯૧૪૧.૦૩ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં મંદીને બ્રેક
અમેરિકા સાથે ટ્રેડ ડિલ કરવા સંમતિથી ભારતીય આઈટી ઉદ્યોગ માટે પણ રાહત થવાના અને અમરિકામાં ફરી તકો વધવાની અપેક્ષાએ ફંડોએ ટેકનોલોજી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં મંદીને બ્રેક લાગી રિકવરી જોવાઈ હતી. સોનાટા સોફ્ટવેર રૂ.૧૭.૨૫ વધીને રૂ.૩૨૭.૩૦, મેપમાય ઈન્ડિયા રૂ.૫૦.૭૦ વધીને રૂ.૧૨૯૩.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૪૪.૪૫ પોઈન્ટ ઘટીને ૩૭૧૫૦.૦૬ બંધ રહ્યો હતો.
FIIની રૂ.૫૨૩૬ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૨૩૬.૨૮ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી.
કુલ રૂ.૨૭,૬૭૭.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૪૪૧.૪૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૦૧૪.૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૮,૨૦૬.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૭,૧૯૧.૯૭ કરોડની વેચવાલી કરી હતી.


