Business

અમૂલ ઘી ₹50, બટર ₹15 મોંઘું... દિવાળી પહેલા ભાવ વધારો ઝીંકાયો, તહેવારોમાં મીઠાઈ મોંઘી થશે

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
અમૂલે તહેવારો પૂર્વે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે, જે સામાન્ય નાગરિકોના બજેટ પર મોટી અસર કરશે. 1 કિલો ઘી હવે ₹50 મોંઘું થઈ ₹680માં મળશે, જ્યારે 500 ગ્રામ બટરનું પેકેટ ₹15 વધીને ₹325નું થયું છે. કેટલાક બજારોમાં અમૂલ ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે. નકલી ઘી સામેની કાર્યવાહી અને તહેવારોમાં વધતી માંગને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમૂલ ઘી ₹50, બટર ₹15 મોંઘું... દિવાળી પહેલા ભાવ વધારો ઝીંકાયો, તહેવારોમાં મીઠાઈ મોંઘી થશે

Amul Ghee Butter Price Hike: તહેવારોની સિઝનમાં મિઠાઈઓ અને વાનગીઓ બનાવવાની તૈયારી કરી રહેલા સામાન્ય નાગરિકોના બજેટ પર મોટો ફટકો પડ્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે. કંપની દ્વારા 1 કિલો ઘીના પેકેટ પર સીધો ₹50નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 500 ગ્રામ બટરનું પેકેટ પણ ₹15 મોંઘું થઈ ગયું છે. ભાવવધારાની સાથે સાથે કેટલાક બજારોમાં અમૂલના ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે, જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ઘી અને બટરના નવા રેટ લિસ્ટ પર એક નજર

અમૂલના નવા ભાવ મુજબ, 1 કિલો ઘીનું પેકેટ હવે ₹630ના બદલે ₹680માં મળશે. તે જ રીતે 500 ગ્રામ ઘીના પાઉચની કિંમત ₹325થી વધારીને ₹345 કરવામાં આવી છે. બટરની વાત કરીએ તો, 100 ગ્રામ બટરનું પેકેટ ₹63થી વધીને ₹66 અને 500 ગ્રામનું પેક ₹310થી વધીને ₹325 થઈ ગયું છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગાયનું ઘી ₹740 પ્રતિ લીટર અને ભેંસનું ઘી ₹720 પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, જ્યાં પણ સ્ટોક ઓછો હોવાના સંકેતો મળી રહ્યા છે.

મોંઘવારી અને અછત પાછળના મુખ્ય કારણો

ઘીના ભાવ વધવા અને સપ્લાય ખોરવાવા પાછળ માગમાં ભારે ઉછાળો જવાબદાર માનવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત અને રાજસ્થાનમાં નકલી ઘી વિરુદ્ધ થયેલી કાર્યવાહી બાદ ગ્રાહકોનો ભરોસો બ્રાન્ડેડ ઘી પર વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બંને રાજ્યોમાંથી આશરે 2 લાખ કિલો નકલી ઘી જપ્ત કરાયું હતું. આ સિવાય તહેવારો દરમિયાન આખા વર્ષના કુલ ઘીના વપરાશનો લગભગ 45% હિસ્સો વપરાય છે, જેના કારણે સપ્લાય ચેઈન પર ભારે દબાણ સર્જાયું છે.

ગાયના ઘીની અછતથી વેપારીઓ અને ગ્રાહકો પરેશાન

અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં દુકાનદારો તેમજ અમૂલ પાર્લર સંચાલકોને માગ પ્રમાણે પૂરતો જથ્થો મળી રહ્યો નથી. ખાસ કરીને ગણેશ ઉત્સવ પછી અમૂલ ગાયના ઘીની અછત વધી ગઈ છે. અમદાવાદના કેટલાક મોટા સ્ટોર્સમાં પણ ઘી અને બટરનો સ્ટોક ખાલી જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2025માં GST દર 12%થી ઘટાડીને 5% કરાતા ગ્રાહકોને જે રાહત મળી હતી, તે આ ભાવવધારા બાદ હવે પૂર્ણ થઈ ગઈ છે અને તહેવારમાં બજેટ ખોરવાઈ જવાની શક્યતા છે.