ઈક્વિટી ફંડોમાં ડિસેમ્બરમાં માત્ર ફાર્મા ફંડોમાં પોઝિટીવ વળતર : બાકી નેગેટીવ
- શું મ્યુચ્યુઅલ ફંડો રિટેલ ઈન્વેસ્ટરોની મૂડીનું દરેક ભાવે શેરોમાં રોકાણ કરી પ્રમોટરો, ઓપરેટરોને એક્ઝિટ અપાવી રહ્યા છે ?
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી રોકાણ પ્રવાહ ડિસેમ્બરમાં ૧૪ ટકા વધ્યો છે, પરંતુ રોકાણકારોના મળતાં વળતરમાં ગાબડાં પડી રહ્યાના અને ખાસ ચુનંદા એક કેટેગરી ફાર્મા-હેલ્થકેરમાં જ ફંડ રોકાણકારોને પોઝિટીવ વળતર આપવામાં સમર્થ રહ્યા છે. બાકી ઈક્વિટી ફંડ કેટેગરીમાં રોકાણકારોને નેગેટીવ વળતર રહ્યું મળ્યું છે.
ફાર્મા અને હેલ્થકેર સેક્ટર આધારિત ફંડો છેલ્લા એક મહિનામાં અપવાદરૂપ પફોર્મર રહ્યા છે, કેમ કે માત્ર આ કેટેગરીએ આ મહિનામાં આશરે ૧.૩૪ ટકાનું પોઝિટીવ વળતર આપ્યું છે. જેનું મુખ્ય કારણ ફાર્મા સેકટરમાં સકારાત્મક ત્રીજા ત્રિમાસિકના પરિણામ માટેનું આઉટલૂક હતું. પ્રાઈસ પરિબળનો આમાં સમાવેશ થઈ ગયો છે. આ ઉપરાંત કેટલાક અન્ય પરિબળોએ આ કામગીરીમાં ફાળો આપ્યો છે.
છેલ્લા એક મહિનામાં ફાર્મા ફંડોએ અન્ય ક્ષેત્રોમાં નકારાત્મક વળતરની સામે ૧.૩૪ ટકાનું સરેરાશ વળતર આપ્યું છે. આ માટે અન્ય પરિબળોની સાથે વિકાસના કેટલાક ચાલકો, જેમ કે પીએલઆઈ પ્રોત્સાહનોના સ્વરૂપમાં સરકાર તરફથી મળેલા સપોર્ટથી આયાતી દવાઓનું ઘર આંગણે ઉત્પાદન શકય બન્યું હતું. આ તમામ પરિબળોએ સાથે મળીને છેલ્લા એક મહિનામાં વળતરમાં ફાળો આપ્યો છે.
આ ફાર્મા ક્ષેત્રની મોટાભાગની કંપનીઓએ ત્રીજા ત્રિમાસિકના પરિણામો માટે પોઝિટીવ આઉટલૂક-અંદાજ આપ્યા હતા. વધતી માંગ, નવી પ્રોડક્ટ લોન્ચ, ગ્રોસ માર્જિનમાં વધારો, યુએસ બિઝનેસ પોર્ટફોલિયોમાં વિસ્તરણ સાથે આ ક્ષેત્રની મોટાભાગની કંપનીઓએ ત્રીજા ત્રિમાસિકની કમાણી માટે સકારાત્મક દ્દષ્ટિકોણ આપ્યો છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને નાણા વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકની કમાણીની જાહેરાત પહેલા આ ક્ષેત્રના શેરોમાં તેજી જોવા મળી હતી.
દરમિયાન માત્ર એક ઈક્વિટી કેટેગરીમાં હેલ્થકેર ક્ષેત્રના ફંડમાં પોઝિટીવ વળતર સિવાય અન્ય ફંડોનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. જ્યારે બીજી તરફ સંખ્યાબંધ અન્ય ક્ષેત્રની કંપનીઓના પ્રમોટરોના હોલ્ડિંગમાં આ સમયગાળામાં ઘટાડો થયાનું અને પ્રમોટરોએ મોટી સંખ્યામાં શેરો વેચ્યા હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે.
બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડોમાં ડિસેમ્બરમાં રિટેલ રોકાણકારોનું રોકાણ સતત પોઝિટીવ રહ્યું છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડો રિટેલ ઈન્વેસ્ટરોની મૂડીનું દરેક ભાવે શેરોમાં રોકાણ કરી પ્રમોટરો, ઓપરેટરોને એક્ઝિટ અપાવી રહ્યા છે કે એવા સવાલો બજારમાં ચર્ચાવા લાગ્યા છે.