H1B વિઝાના ખેલમાં અમેરિકાની મોટી કાર્યવાહી, દિગ્ગજ ભારતીય IT કંપની પર લટકતી તલવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Visa Scam: અમેરિકામાં H-1B અને પર્મ (PERM) વર્ક વિઝામાં ચાલી રહેલી કથિત વિઝા છેતરપિંડી અને કૌભાંડો સામે અમેરિકાની સરકારે એક મોટું સર્ચ ઓપરેશન અભિયાન શરૂ કર્યું છે. અમેરિકી શ્રમ વિભાગ (US Department of Labor)ના એક ટોચના અધિકારીના જણાવ્યાનુસાર, આ મોટા વિઝા કૌભાંડની તપાસમાં દિગ્ગજ આઇટી કંપની 'કોગ્નિઝન્ટ' (Cognizant) સહિત કેટલીય મોટી કંપનીઓ અમેરિકી એજન્સીઓના રડારમાં આવી ગઈ છે.
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સેની ટાસ્ક ફોર્સ હેઠળ એક્શન
વિઝા સાથે જોડાયેલા આ મોટા ગોરખધંધા અને ગેરરીતિઓ સામે આ કડક પગલું અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સેની 'ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ' (Task Force to Eliminate Fraud) અંતર્ગત ઉઠાવવામાં આવ્યું છે.
કેવી રીતે ખૂલ્યું કૌભાંડ?
અહેવાલો અનુસાર, અમેરિકી શ્રમ વિભાગ હેઠળ કામ કરતી સંસ્થા 'ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ' (OIG) દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. OIGની તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે:
•ફેક એપ્લિકેશન્સ: કેટલાય નિયુક્તા (એમ્પ્લોયર્સ) અને લેબર બ્રોકર્સે ભેગા મળીને વિઝા મેળવવા માટે નકલી કે બનાવટી અરજીઓ સબમિટ કરી હતી.
•વિદેશી કર્મચારીઓનું શોષણ: વિદેશથી આવતા આ કામદારોનું શોષણ કરવામાં આવતું હતું. તેની પાસેથી નિયમ કરતા ખૂબ જ ઓછા વેતને પરાણે કામ કરાવાતું હતું અને તેમના પગારમાંથી ગેરકાયદે રીતે કપાત પણ કરવામાં આવતી હતી.
અમેરિકનોની નોકરીઓ છીનવાઈ: બજારમાં ઓછી મજૂરીવાળા વિદેશી કર્મચારીઓનો ભરાવો કરી દેવાયો હતો, જેના કારણે સ્થાનિક અમેરિકી લોકોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું અને તેમની નોકરીઓ છીનવાઈ ગઈ હતી.
ડઝનબંધ કંપનીઓને સમન્સ જાહેર કરાયા
બુધવારે 'ફોક્સ બિઝનેસ' સાથેની વાતચીતમાં શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી એસ્પોસિટોએ આ કડક કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'અમે આ મામલે અત્યાર સુધીમાં ડઝનબંધ સમન્સ ઇસ્યુ કરી દીધા છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે તપાસમાં મળેલા તમામ પુરાવા અને કડીઓના મૂળ સુધી પહોંચી શકાય.'
IT સેક્ટરની જાણીતી કંપની કોગ્નિઝન્ટનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, 'અમારી પાસે એવા કેટલાક વ્હિસલબ્લોઅર્સ (બાતમીદારો) હાજર છે, જેઓ 'કોગ્નિઝન્ટ' જેવી મોટી કંપનીઓ વિશે મહત્ત્વની માહિતીઓ આપી રહ્યા છે. આ કંપનીઓ પર્મ અને H-1B વિઝા સાથે જોડાયેલા વિવાદોમાં પહેલાથી જ ચર્ચામાં રહી છે.'
અમેરિકી નાગરિકોની નોકરીઓ સાથે કોઈ સમજૂતી નહીં
OIGના જણાવ્યાનુસાર, આવા છેતરપિંડી કરનારા તત્ત્વો તે શ્રમ કાર્યક્રમોની વિશ્વસનીયતા અને ગરિમાને નુકસાન પહોંચાડે છે જે દેશમાં વાસ્તવિક કુશળ કર્મચારીઓની અછતને પૂરી કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ્સનો હેતુ સ્થાનિક અમેરિકી નાગરિકોના ભોગે ભ્રષ્ટ લોકોના ગજવા ભરવાનો બિલકુલ નથી.
તપાસ એજન્સીએ સાફ કર્યું છે કે, વિદેશી ગેસ્ટ વર્કર વિઝા સિસ્ટમનો ગેરઉપયોગ કરનારા અને માનવ તસ્કરી તેમજ જબરન મજૂરી કરાવતા આખા નેટવર્કને તોડી પાડવા માટે તેઓ કટિબદ્ધ છે. મજબૂર મજૂરોનું શોષણ કરનારી અને અમેરિકનોનો હક છીનવતી તમામ સાજિશોને જડમૂળથી ખતમ કરવામાં આવશે.









