Business

ટાટા સન્સના ઈતિહાસમાં પહેલીવાર રદ થઇ શકે છે AGM, જાણો તેની પાછળના કારણ

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
દેશના સૌથી મોટા ટાટા સન્સ જૂથના ચેરમેન એન. ચંદ્રશેખરને ફરી પદભાર સંભાળવાનો ઇનકાર કરતાં ઐતિહાસિક સંકટ સર્જાયું છે. 18 ઓગસ્ટે યોજાનારી AGMમાં ‘સર રતન ટાટા ટ્રસ્ટ’ તરફથી પ્રતિનિધિ નોમિનેટ ન થતાં કોરમનો પ્રશ્ન ઊભો થયો છે, પરિણામે AGM રદ થવાનું જોખમ છે. નવા ચેરમેન માટે 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' દ્વારા પ્રક્રિયા શરૂ કરવાનું સૂચન કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાટા સન્સના ઈતિહાસમાં પહેલીવાર રદ થઇ શકે છે AGM, જાણો તેની પાછળના કારણ

Tata Sons Faces Historic Turmoil: દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથ ટાટા સન્સના ઇતિહાસમાં પ્રથમ વખત વાર્ષિક સામાન્ય સભા (AGM) રદ થાય તેવી અસામાન્ય અને ઐતિહાસિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પોતાની વર્તમાન મુદત પૂર્ણ થયા બાદ ફરીથી આ પદ સ્વીકારવાનો ઇનકાર કરી દેતાં કંપની અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ભારે આંતરિક હલચલ મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે 18 ઑગસ્ટના રોજ યોજાનારી AGMમાં ‘સર રતન ટાટા ટ્રસ્ટ’ તરફથી કોઈ પ્રતિનિધિનું નામ નોમિનેટ ન કરાતાં બેઠક માટે જરૂરી કોરમ પૂરું ન થવાનું જોખમ ઊભું થયું છે.

બોર્ડમાં નેતૃત્વ મુદ્દે મતભેદ અને મતદાનને લઈને અસમંજસ

મળતી માહિતી મુજબ, ટાટા સન્સના 6 સભ્યો ધરાવતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એન. ચંદ્રશેખરનના નિર્ણયને લઈને બે સ્પષ્ટ જૂથો પડી ગયા છે. એક પક્ષનું માનવું છે કે ચંદ્રશેખરન સાથે વાટાઘાટો કરીને તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા મનાવવા જોઈએ. જ્યારે બીજા જૂથનું કહેવું છે કે ફરીથી કાર્યકાળ ન સ્વીકારવો એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે, તેથી તેમના નિર્ણયનું સન્માન કરીને નવા ચેરમેનની શોધ શરૂ કરવી જોઈએ.

આ ઉપરાંત, ચંદ્રશેખરનના આ નિર્ણય પર બોર્ડમાં ઔપચારિક મતદાન કરાવવું કે નહીં તેને લઈને પણ વિવાદ સર્જાયો છે. કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો કંપનીના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન'માં કોઈ વિશેષ જોગવાઈ ન હોય, તો કંપની કાયદા હેઠળ બોર્ડ પાસે ચેરમેનના રાજીનામા કે પદ છોડવાના નિર્ણયને સ્વીકારવા સિવાય બહુ મર્યાદિત વિકલ્પો રહે છે.

સર દોરાબજી ટાટા ટ્રસ્ટે પત્ર લખી પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું

ટાટા સન્સમાં મોટો હિસ્સો ધરાવતા બે પ્રમુખ ટ્રસ્ટો પૈકીના એક 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' દ્વારા બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે ચંદ્રશેખરનના નિર્ણયની નોંધ લઈ તેમના ઉત્તરાધિકારી (નવા ચેરમેન)ની શોધ માટે તાત્કાલિક અસરથી એક સિલેક્શન કમિટી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનું સૂચન કર્યું છે. ટ્રસ્ટનું વલણ એવું છે કે જ્યારે ખુદ ચેરમેને ફરીથી પદભાર સંભાળવાની અનિચ્છા દર્શાવી છે, ત્યારે બોર્ડની પ્રાથમિકતા હવે નવા ઉત્તરાધિકારી નક્કી કરવાની હોવી જોઈએ.

ચંદ્રશેખરને શા માટે લીધો આ નિર્ણય?

સૂત્રોના જણાવ્યા અનુસાર, એન. ચંદ્રશેખરને બોર્ડને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જ્યાં સુધી તેમને ફરીથી નિમણૂક માટે તમામ સભ્યોનું સર્વસંમત સમર્થન ન મળે ત્યાં સુધી તેઓ ત્રીજો 5 વર્ષનો કાર્યકાળ સ્વીકારવા તૈયાર નથી. છેલ્લા કેટલાક સમયથી તેમના ત્રીજા કાર્યકાળને લઈને જૂથમાં અંદરોઅંદર મતભેદો ચાલતા હોવાનું સામે આવ્યું હતું. આવા સંજોગોમાં ચંદ્રશેખરને અચાનક પાછળ હટવાનો નિર્ણય લેતાં બોર્ડના કેટલાક સભ્યો માટે આ આંચકાજનક બાબત બની ગઈ છે.

AGM રદ થવાનો સંકટ અને અનિશ્ચિતતા

18 ઑગસ્ટના રોજ પ્રસ્તાવિત AGMમાં મોટાભાગના શેરધારકો ઓનલાઇન જોડાઈ શકે તેમ છે, પરંતુ સર રતન ટાટા ટ્રસ્ટે પોતાના પ્રતિનિધિનું નામ હજુ સુધી મોકલ્યું ન હોવાથી સભા માટે નિયમ મુજબ જરૂરી કોરમ પૂરું થવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. જો કોરમના અભાવે AGM રદ કરવી પડે તો ટાટા સન્સના ઇતિહાસમાં આવું પહેલીવાર બનશે. હાલમાં નવા ચેરમેન કે ચંદ્રશેખરનના કાર્યકાળ અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ ટાટા જૂથના સર્વોચ્ચ નેતૃત્વને લઈને ઊભી થયેલી આ ખેંચતાણથી કોર્પોરેટ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમાયું છે.