Business

પેટ્રોલ-ડીઝલને લઈને સરકારનો મોટો નિર્ણય, નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, સામાન્ય લોકો પર શું થશે અસર?

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
સરકારે 1 સપ્ટેમ્બર, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે. પેટ્રોલ પર હવે 1.50 રૂપિયા પ્રતિ લિટર ટેક્સ લાગશે, જ્યારે ડીઝલ પરનો ટેક્સ 24 રૂપિયાથી વધારીને 25 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે. જોકે, ATF પરનો ટેક્સ 19.50 રૂપિયાથી ઘટાડીને 19 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે. આ નિર્ણયનો હેતુ સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે અને તેની સામાન્ય જનતા પર સીધી અસર નહીં થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ-ડીઝલને લઈને સરકારનો મોટો નિર્ણય, નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, સામાન્ય લોકો પર શું થશે અસર?

Petrol Diesel Export Duty Hike : ખાંડ અને દૂધના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી સામાન્ય જનતા પહેલાથી જ પરેશાન છે, ત્યારે હવે સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે પણ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર લાગતો વિન્ડફોલ ટેક્સ વધારી દીધો છે. સરકારનો આ નિર્ણય 1 સપ્ટેમ્બર 2026ના રોજ આવ્યો છે, જ્યારે બજારમાં પહેલાથી જ ઘણી ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

ટેક્સમાં કેટલો વધારો કરાયો?

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 1.50 રૂપિયા લેખે નવો ટેક્સ લાગુ કર્યો છે, અગાઉ તેના પર કોઈ ટેક્સ નહોતો. જ્યારે ડીઝલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી (SAED) અને રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ મળીને લાગતો કુલ ટેક્સ પ્રતિ લિટર 24 રૂપિયાથી વધારીને હવે 25 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ATF પરના ટેક્સમાં ઘટાડો

સરકારે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં પરંતુ વિમાનના ઈંધણ એટલે કે ATF અંગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ATFના ભાવ વધ્યા બાદ સરકારે તેના ટેક્સમાં થોડી રાહત આપી છે. સરકારે ATFની નિકાસ પરનો ટેક્સ 19.50 રૂપિયાથી ઘટાડીને 19 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે.

નાણા મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત

નાણા મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને આ ફેરફારો અંગે માહિતી આપી છે. જોકે, દેશમાં સામાન્ય વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક ટેક્સ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શું સામાન્ય જનતા પર તેની અસર પડશે?

ટેક્સમાં વધારો થયા બાદ લોકોમાં એવી આશંકા હતી કે તેનો બોજ સામાન્ય જનતા પર પડશે. જોકે, આ નિર્ણયની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર નહીં પડે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પેટ્રોલિયમ પેદાશોની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતાં કંપનીઓ વધુ નફા માટે વિદેશમાં ઈંધણ વેચી ન દે તે માટે નિકાસને નિયંત્રિત કરવા સરકારે આ વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે.