'UPI પર ચાર્જની લોકોને અસર નહીં થાય એ કહેવું જ ખોટું...', અર્થશાસ્ત્રીએ ટેન્શન વધાર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Taxation Amendment Bill 2026: સરકારે સંસદમાં 'ટેક્સેશન એન્ડ અધર લૉઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026' પસાર કરી દીધું છે. આ કાયદા હેઠળ ટેક્સ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, વિદેશી રોકાણ અને REIT/InvIT જેવા ક્ષેત્રોમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ, આ બિલની સૌથી ચર્ચિત બાબત એ છે કે તે સરકારને UPI પેમેન્ટ્સ પર 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) એટલે કે ચાર્જ લાગુ કરવાની કાનૂની મંજૂરી આપે છે. આ પ્રોવિઝનને કારણે હાલમાં દેશભરમાં મોટો વિવાદ અને ચર્ચા શરૂ થઈ ગયા છે.
ગ્રાહકો અને નાના વેપારીઓ પર ચાર્જ નહીં લાગે: સરકારનો દાવો
વિવાદ વચ્ચે સ્પષ્ટતા કરતા સરકારે જણાવ્યું છે કે આમ આદમી, સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPIનો ઉપયોગ સંપૂર્ણપણે મફત જ રહેશે. આ MDR ચાર્જ માત્ર મોટા વેપારીઓ પર જ લાગુ થઈ શકે છે, તે પણ ₹2,000થી વધુના પેમેન્ટ પર જ લાગુ કરવામાં આવશે. એકત્ર થયેલો MDR ચાર્જ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (જેમ કે Google Pay, PhonePe વગેરે) વચ્ચે વહેંચવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી દેશના બેંકિંગ અને ફાઇનાન્શિયલ સિસ્ટમ (નાણાકીય તંત્ર)ને ખૂબ મોટો ટેકો મળશે.
નાણા મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રીઓ વચ્ચે તીખી ચર્ચા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કોઈપણ MDR ચાર્જ ફક્ત વેપારીઓએ જ ચૂકવવો પડશે, ગ્રાહકોએ નહીં. રસ્તા પરના શાકભાજી કે ચા-નાસ્તાના ફેરિયાઓને કરાતા નાના પેમેન્ટ પર કોઈ જ ચાર્જ નહીં લેવાય.
જોકે, જાણીતા અર્થશાસ્ત્રી અજીત રાનાડેએ સરકારના આ તર્કને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે વેપારી પર ચાર્જ નાખવાથી ગ્રાહક બચી જશે તેવું વિચારવું ખોટું છે. જો વેપારીઓને ચાર્જ ચૂકવવો પડશે, તો તેઓ પોતાની વસ્તુઓ કે સેવાઓના ભાવ વધારીને આ બોજ આડકતરી રીતે ગ્રાહકો પર જ નાખશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે UPI દેશના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્ત્વનો ભાગ હોવાથી તે સંપૂર્ણપણે મફત જ રહેવું જોઈએ.
સાપ્તાહિક નેટવર્ક જાળવવાનો વાર્ષિક ખર્ચ ₹20,000 કરોડ
અજીત રાનાડેએ સ્વીકાર્યું કે UPI નેટવર્ક ચલાવવું મફત નથી. બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ને સર્વર, સાયબર સેક્યુરિટી, ફ્રોડ ડિટેક્શન અને સેટલમેન્ટ માટે મોટો ખર્ચ થાય છે. આ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક ખર્ચ આશરે ₹20,000 કરોડ જેટલો થાય છે, જેમાંથી સરકાર ખૂબ જ નાનો હિસ્સો આપે છે. બેંકો કાયમ માટે UPIને સબ્સિડી આપતી રહે તે અપેક્ષા અયોગ્ય છે, પરંતુ આ ખર્ચ સરકારે પોતે ભોગવવો જોઈએ.
RBIના ડિવિડન્ડમાંથી ખર્ચ સરભર કરવાનો રાનાડેના સૂચન
અર્થશાસ્ત્રી રાનાડેએ સરકારી ચાર્જ સિવાયનો રસ્તો સૂચવતા કહ્યું કે, 'ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2025-26માં કેન્દ્ર સરકારને ₹2.86 ટ્રિલિયન (₹2.86 લાખ કરોડ)નું સરપ્લસ ડિવિડન્ડ આપ્યું હતું. UPIનો આખા વર્ષનો ₹20,000 કરોડનો ખર્ચ RBIના આ ડિવિડન્ડના માત્ર 7% જેટલો જ થાય છે. જો સરકાર આ રકમમાંથી બેંકોને વળતર આપી દે, તો સામાન્ય લોકો કે વેપારીઓ પર એક પણ રૂપિયાનો બોજ નાખ્યા વિના UPI સિસ્ટમ મફત ચલાવી શકાય તેમ છે.









