Business

મોટાપાયે પોલમપોલની શંકા... 161 SME લિસ્ટેડ IPOમાંથી 81 શેર્સ ઈશ્યૂ ભાવ કરતાં પણ નીચે

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
પ્રાઈમરી માર્કેટમાં કંપનીઓ દ્વારા રોકાણકારોને આકર્ષવા અનેક હથકંડા અપનાવાયા છે. ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ અને ભ્રામક રિપોર્ટ્સ દ્વારા રિટેલ રોકાણકારોને IPO ભરવા લલચાવવામાં આવ્યા હતા. પરિણામે, 161 SME IPOમાંથી 81 તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં 24 IPO 50%થી વધુ ઘટ્યા છે. આનાથી રોકાણકારોને ભારે નિરાશા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટાપાયે પોલમપોલની શંકા... 161 SME લિસ્ટેડ IPOમાંથી 81 શેર્સ ઈશ્યૂ ભાવ કરતાં પણ નીચે

SME IPO Market Exposed: દેશના પ્રાઈમરી-આઈપીઓ માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક કંપનીઓના પ્રમોટરો, બુક રનિંગ લીડ મેનેજરો અને મર્ચન્ટ બૅન્કરો રોકડી કરી લેવાની દોટ મૂકી રહ્યા છે. આ પ્રાઈમરી માર્કેટની બૂમમાં રોકાણકારોને તાણી લાવવા માટે અનેક હથકંડા અપનાવવામાં આવ્યા છે. જેમાં ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમનો પ્રચાર કરવો અને કંપનીઓ વિશે રોકાણકારોને આંજી નાખે તથા વાસ્તવિકતાથી વિપરીત ગેરમાર્ગે દોરનારા રોઝી-ફુલગુલાબી અહેવાલો-રિપોર્ટનો પ્રચાર-પ્રસાર કરીને રિટેલ રોકાણકારોને આઈપીઓ ભરવા લલચાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. આના કારણે રિટેલ રોકાણકારો ભારે ભરાઈ પડયા હોવાના સ્પષ્ટ પુરાવા હવે સામે આવવા લાગ્યા છે અને વળતરમાં રોકાણકારોને ભારે નિરાશા હાથ લાગી છે.

એસએમઈ આઈપીઓનું નબળું પ્રદર્શન અને અબજો રૂપિયાનું ફંડિંગ

બીએસઈ (BSE) અને એનએસઈ (NSE)ના એસએમઈ પ્લેટફોર્મ પર અસંખ્ય એસએમઈ આઈપીઓ લાવીને પ્રમોટરોએ અબજો રૂપિયા ઉઘરાવી લીધા છે અને રોકાણકારોને શેરો પધરાવી દીધા છે. ભારતના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એસએમઈ)ના આઈપીઓનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું છે. આ વર્ષે નોંધાયેલા મોટાભાગના એસએમઈ આઈપીઓ તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે અને મધ્યમ-મીડિયન વળતર પણ નકારાત્મક રહ્યું છે.

સપ્ટેમ્બર મહિનો એસએમઈ આઈપીઓ માટે અત્યંત વ્યસ્ત રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં 161 એસએમઈ આઈપીઓ શેરબજારમાં લિસ્ટ થયા છે, જેમાંથી કુલ રૂ. 7171 કરોડ જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. જો કે, તેમાંથી 81 આઈપીઓ હાલમાં તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ખાસ કરીને, 24 આઈપીઓમાં 50 ટકા કે તેથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

માસિક અને વાર્ષિક વળતરના ચોંકાવનારા આંકડા

જુલાઈથી સપ્ટેમ્બર: આ સમયગાળા દરમિયાન લિસ્ટ થયેલા એસએમઈ આઈપીઓનું મધ્યમ વળતર 5 ઓક્ટોબર સુધીમાં માઈનસ 0.7 ટકા રહ્યું હતું. આ સમયગાળામાં લિસ્ટ થયેલા એસએમઈ આઈપીઓમાંથી 52 ટકા શેર તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.

જાન્યુઆરીથી જૂન: વર્ષના પ્રથમ છ મહિનામાં પણ સ્થિતિ બહુ અલગ નહોતી. આ સમયગાળા દરમિયાન લિસ્ટ થયેલા 76 એસએમઈ આઈપીઓમાંથી 49 ટકા આઈપીઓ તેમના ઓફર પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા અને આ આઈપીઓનું મીડિયન વળતર 0.9 ટકા રહ્યું હતું.

છેલ્લા એક વર્ષ દરમિયાન નિફ્ટી એસએમઈ ઈમર્જ ઈન્ડેક્સમાં 2.63 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે તેની સામે નિફ્ટી આઈપીઓ ઈન્ડેક્સમાં 10.5 ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નિફ્ટી એસએમઈ ઈમર્જ ઈન્ડેક્સમાં કુલ 539 શેર સામેલ છે.

કૃત્રિમ ભાવ નિર્ધારણ અને પોલમપોલની શંકા

નિષ્ણાતો અને સમીક્ષકોનું કહેવું છે કે, નાના કદની કંપનીઓ પૈકી કેટલીક સારા વેલ્યુએશન સાથે મૂડી બજારમાં પ્રવેશે છે, પરંતુ ઈસ્યુ ભાવથી અનેક શેરો નીચા ટ્રેડ થવા લાગ્યા હોવાથી ઘણી કંપનીઓમાં વેલ્યુએશન અને આઈપીઓ ભાવ નિર્ધારણ શંકા ઉપજાવે તેવા છે.

કંપનીઓના આઈપીઓ ભાવ નિર્ધારણ અને વાસ્તવિક બજાર ભાવને જોતાં કૃત્રિમ ભાવ નિર્ધારણ થયું હોવાની પણ આશંકા જાય છે. ગ્રે માર્કેટમાં અવાસ્તવિક ઊંચા પ્રીમિયમ બોલાવીને રોકાણકારોને ભોરમાવીને ઈસ્યુઓ ભરાવી દેવાયા છે, પરંતુ હવે વાસ્તવિક વેલ્યુએશન ઈસ્યુભાવથી અનેક કંપનીઓના શેરના ભાવો નીચા આવી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. આ તમામ બાબતો પરથી એસએમઈ આઈપીઓ સેગ્મેન્ટમાં મોટાપાયે પોલમપોલ હોવાની શંકા વધુ પ્રબળ બની રહી છે.