Business

'ધનિક થવું હોય તો સોનું-ચાંદી ખરીદો, ડૉલરના ચક્કરમાં ના ફસાતા...', રોબર્ટ કિયોસાકીની સલાહ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
'રિચ ડૅડ પૂઅર ડૅડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ X પર રોકાણકારોને મોટું ઍલર્ટ આપ્યું છે. તેમણે અમેરિકન ડૉલરને 'નકલી કરન્સી' ગણાવી, US ટ્રેઝરી દ્વારા વધુ નકલી ડૉલર છાપવાના નવા રાઉન્ડની જાહેરાત પર ચિંતા વ્યક્ત કરી. કિયોસાકીએ લોકોને સોનું, ચાંદી અને બિટકોઇન જેવી વાસ્તવિક એસેટ્સમાં રોકાણ કરીને અમીર બનવાની સલાહ આપી છે, જ્યારે ડૉલર બચાવનારા ગરીબ બનશે તેમ જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધનિક થવું હોય તો સોનું-ચાંદી ખરીદો, ડૉલરના ચક્કરમાં ના ફસાતા...', રોબર્ટ કિયોસાકીની સલાહ

Robert Kiyosaki: 'રિચ ડૅડ પૂર ડૅડ' પુસ્તકના જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર નાણાકીય બાબતો અંગે રસપ્રદ પોસ્ટ શેર કરતા હોય છે. તેઓ અવારનવાર અમેરિકન ડૉલરને 'નકલી કરન્સી' ગણાવે છે અને લોકોને સોનું, ચાંદી તથા બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને અમીર બનવાની સલાહ આપે છે. તાજેતરમાં X પર તેમની એક નવી પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ રહી છે, જેમાં તેમણે રોકાણકારોને મોટું ઍલર્ટ આપતા જણાવ્યું છે કે કયા લોકો ગરીબ થાય છે અને કયા લોકો અમીર.

નકલી ડૉલર છાપવા મુદ્દે રોકાણકારોને ઍલર્ટ કર્યા

રોબર્ટ કિયોસાકીએ પોતાની વાઇરલ પોસ્ટમાં ફરી એકવાર અમેરિકન ડૉલર પર નિશાનો સાધ્યું છે. તેમણે લખ્યું કે, 'US ટ્રેઝરી દ્વારા QE (ક્વાન્ટિટેટિવ ઈઝિંગ) એટલે કે વધુ નકલી ડૉલર છાપવાના નવા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે DXY (ડૉલરની ખરીદશક્તિનો ઈન્ડેક્સ) ઘટે છે, ત્યારે મોંઘવારી ઝડપથી વધે છે. તેનો સીધો અર્થ એ થાય કે નકલી ડૉલર બચાવનારા લોકોને સૌથી વધુ નુકસાન થાય છે.' તેમણે લોકોને અપીલ કરી કે આવી ભૂલ કરીને નુકસાન ઉઠાવનારા ન બનો.

કેવા લોકો ગરીબ બની જાય છે?

પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું કે, 'જો તમને લાગે છે કે ફાઇનાન્સિયલ એજ્યુકેશન મોંઘું છે, તો નાણાકીય જાણકારી ન હોવાની કિંમત કેટલી હોઈ શકે? વાસ્તવિકતા એ છે કે સમજુ રોકાણકારો એવી એસેટ્સમાં રોકાણ કરે છે જેમના ભાવ સતત વધે છે—જેમ કે સોનું, ચાંદી, બિટકોઇન અને રિયલ એસ્ટેટ. આમાં રોકાણ કરીને તેઓ વધુ અમીર બને છે. બીજી તરફ, જે લોકો નાણાકીય રીતે જાગ્રત નથી અને ડૉલર જેવી નકલી એસેટ્સ બચાવ્યા કરે છે, તેઓ ગરીબ થતા જાય છે.'

કિયોસાકીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

'રિચ ડૅડ પૂઅર ડૅડ'ના લેખકે કહ્યું કે, 'વ્યક્તિએ દરરોજ નાણાકીય રીતે વધુ સમજદાર બનવું જોઈએ. તેમના 'રિચ ડૅડ' હંમેશા કહેતા કે તમારો સૌથી મોટો ખર્ચ એ સમય કે પૈસા નથી જે તમે ફાઇનાન્સિયલ એજ્યુકેશન પર ખર્ચો છો, પરંતુ તમારો સૌથી મોટો ખર્ચ એ પૈસા છે જે તમે અજ્ઞાનતાના કારણે કમાઈ શકતા નથી.' કિયોસાકીની આ પોસ્ટ દર વખતની જેમ ખૂબ ઝડપથી વાયરલ થાય છે, જેમાં તેઓ અમીર બનવા માટે ચાંદી અને સોનામાં રોકાણને સૌથી શ્રેષ્ઠ માર્ગ ગણાવે છે.