ફેક્ટ ચેક: શું વોટ્સએપ પર આવ્યો છે રૂ.10-20 અને 50ની નોટો બંધ થવાનો મેસેજ? સરકારે કરી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI viral message fact check: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)ના નામે એક પરિપત્ર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ થઈ રહેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારના ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ સોસાયટીના વિઝનને ધ્યાનમાં રાખીને નાના મૂલ્યની નોટો (રૂ. 10, 20 અને 50)નું છાપકામ ધીમે ધીમે ઘટાડી દેવામાં આવ્યું છે. આ કારણે તહેવારો પહેલા જ બજારમાં આ નોટોની ભારે અછત સર્જાશે અને લોકોને યુપીઆઈ, કાર્ડ કે નેટ બૅન્કિંગ જેવા ડિજિટલ માધ્યમો વાપરવા માટે અપીલ કરવામાં આવી છે. આ મેસેજે ખાસ કરીને વેપારીઓ અને સામાન્ય લોકોમાં ચિંતા વધારી દીધી હતી.
શું છે વાઇરલ મેસેજનું સત્ય?
આ વાઇરલ પરિપત્રમાં RBIનું નામ, લોગો અને ગવર્નરની સહી પણ દર્શાવવામાં આવી હતી જેથી લોકો તેને સાચી માની લે. જોકે, PIB Fact Checkએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર આ બાબતે મોટો ખુલાસો કરતા આ મેસેજને ફેક ગણાવ્યો છે. PIBએ સ્પષ્ટતા કરી છે કે રિઝર્વ બૅન્ક દ્વારા નોટોની ઉપલબ્ધતા કે નાના મૂલ્યની નોટોનું છાપકામ બંધ કરવા અંગે આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. બજારમાં નોટોનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને આવી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
આવા ફેક મેસેજ સામે આવે તો શું કરવું?
જો તમારા વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવો કોઈ મેસેજ આવે, તો તેના પર તરત જ વિશ્વાસ ન કરવો અને તેને આગળ શેર કરવાથી બચવું. કોઈ પણ નાણાકીય કે બૅન્કિંગ સમાચાર માટે હંમેશા અધિકૃત સ્ત્રોત (જેમ કે RBIની સત્તાવાર વેબસાઈટ) પરથી જ પુષ્ટિ કરવી. આ ઉપરાંત, જો તમને કોઈ મેસેજ શંકાસ્પદ લાગે તો તમે તેને PIB ફેક્ટ ચેકના વોટ્સએપ નંબર (+91 8799711259) પર ફેક્ટ ચેક માટે મોકલી શકો છો.




