Business

1 લાખ કરોડના ખર્ચે ભારતીય વાયુસેનામાં 60 નવા ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ કરાશે, સરકારે ટેન્ડર બહાર પાડ્યું

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય વાયુસેનાએ ₹1 લાખ કરોડના ખર્ચે 60 મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ પ્લેનની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જૂના વિમાનો બદલી, સૈનિકો અને સામગ્રીને પહાડી સરહદો, દ્વીપ વિસ્તારોમાં ઝડપથી પહોંચાડવાનો હેતુ છે. HAL, ટાટા, મહિન્દ્રા જેવી ભારતીય કંપનીઓ વિદેશી ભાગીદારો સાથે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ 80% વિમાનો ભારતમાં બનાવશે, જે ટેકનોલોજી ટ્રાન્સફર અને આત્મનિર્ભરતાને વેગ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 લાખ કરોડના ખર્ચે ભારતીય વાયુસેનામાં 60 નવા ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ કરાશે, સરકારે ટેન્ડર બહાર પાડ્યું
IMAGE - WIKIPEDIA

Indian Air Force transport aircraft: ભારતીય વાયુસેના (IAF) પોતાની ટેક્ટિકલ એર ટ્રાન્સપોર્ટ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે એક મોટું પગલું ભરી રહી છે. સંરક્ષણ મંત્રાલયે આશરે 60 મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ પ્લેનની ખરીદી માટે ₹1 લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જૂના થઈ ગયેલા ટ્રાન્સપોર્ટ પ્લેનોને બદલીને સૈનિકો, શસ્ત્રો અને જરૂરી સામગ્રીને પહાડી સરહદો, દ્વીપ વિસ્તારો તેમજ કટોકટીના સમયે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો છે.

ભારતીય કંપનીઓની મુખ્ય ભૂમિકા અને વિદેશી ભાગીદારી

આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય કંપનીઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. ટેન્ડર મેળવનારી ભારતીય કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ટાટા અને મહિન્દ્રાનો સમાવેશ થાય છે. મહિન્દ્રા ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેયર કંપની સાથે ભાગીદારી કરીને C-390 મિલેનિયમ વિમાનનો પ્રસ્તાવ મૂક્યો છે. બીજી તરફ, ટાટા અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે મળીને C-130J સુપર હરક્યુલસ પ્લેન પેશ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના પહેલાથી જ 12 C-130J વિમાન ઓપરેટ કરે છે.

'મેક ઇન ઇન્ડિયા' અને ટેકનોલોજી ટ્રાન્સફર

આ પ્રોજેક્ટ હેઠળ 'આત્મનિર્ભર ભારત' અભિયાન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. યોજના મુજબ, આશરે 20% વિમાન જ વિદેશથી તૈયાર અવસ્થામાં લાવવામાં આવશે, જ્યારે બાકીના 80% વિમાનોનું નિર્માણ ભારતમાં સંયુક્ત સાહસો (Joint Ventures) દ્વારા કરવામાં આવશે. આ વિમાનોમાં 60%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થવાની શક્યતા છે. વિદેશી પાર્ટનર્સ સાથેની ભાગીદારીથી ભારતમાં ટેકનોલોજી ટ્રાન્સફર, કૌશલ્ય વિકાસ અને સ્થાનિક સપ્લાય ચેઇનને ઘણો મોટો વેગ મળશે.

વાયુસેનાનું આધુનિકીકરણ અને મલ્ટી-મિશન ક્ષમતા

નવા મલ્ટીરોલ વિમાનો માત્ર માલસામાન કે સૈનિકોની હેરફેર જ નહીં, પરંતુ હવામાં જ ફાઇટર જેટ્સમાં ઇંધણ ભરવાની કામગીરી પણ કરી શકશે. આ સિવાય વાયુસેના એરબસ સાથે C-295 ટ્રાન્સપોર્ટ પ્લેનની ખરીદી પર પણ કામ કરી રહી છે, જેમાંથી મોટાભાગના વિમાનો ભારતમાં બનશે. વાયુસેના પોતાના કાફલાને વધુ મજબૂત કરવા માટે 114 લડાકુ વિમાનો અને 100થી વધુ ટ્રેનર વિમાનોની ખરીદી પર પણ વિચારણા કરી રહી છે.

ભારતીય એરોસ્પેસ ઇકોસિસ્ટમ માટે મોટો પડકાર

આ પ્રોજેક્ટ ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે એક મોટી પરીક્ષા સાબિત થશે. વિદેશથી સીધા વિમાનો ખરીદવાને બદલે દેશમાં જ મેન્યુફેક્ચરિંગ બેઝ તૈયાર કરવાનો સરકારનો આ સ્પષ્ટ સંકેત છે. જોકે, ઊંચો ખર્ચ, જટિલ ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન અને ગુણવત્તા જાળવવી એ મોટા પડકારો રહેશે. જો આ યોજના સફળ થશે, તો ભારત વૈશ્વિક એરોસ્પેસ સપ્લાય ચેઇનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનીને ઉભરશે.