હેલ્થ અને વાહન ઇન્સ્યોરન્સ સસ્તા થશે, એજન્ટોના કમિશન પર સંકજો કસવાની સરકારની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IRDAI Insurance Commission: ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ (ઇરડા) ઇન્શ્યોરન્સ સેક્ટરને વધુ પારદર્શક બનાવવા અને ગ્રાહકો પર બોજ ઘટાડવા માટે એક મોટો પ્રસ્તાવ લઈને આવ્યું છે. ઇરડાએ એક નવો મુસદ્દો (ડ્રાફ્ટ) જારી કર્યો છે, જે મુજબ મોટર ઇન્સ્યોરન્સથી લઈને હેલ્થ ઇન્સ્યોરન્સ સુધીના વીમા પર ડિસ્ટ્રિબ્યુટર અને એજન્ટોને મળતું કમિશન ઘટાડવામાં આવશે. આ નિયમો લાગુ થવાથી વીમા ધારકો અને ગ્રાહકોને મોટો આર્થિક ફાયદો અને રાહત મળશે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પર કમિશનમાં ભારે ઘટાડો
હાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા પર ડિસ્ટ્રિબ્યુટર અને એજન્ટ બંનેને મોટું કમિશન મળે છે, જેમાં પહેલા વર્ષે ડિસ્ટ્રિબ્યુટરને 40 ટકા સુધીનું કમિશન અપાય છે. ઇરડાએ આ કમિશનને ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે એજન્ટોને પહેલા વર્ષે 20 ટકા કમિશન મળશે. આ ઉપરાંત, પોલિસી રિન્યુઅલ વખતે ડિસ્ટ્રિબ્યુટરને 5 ટકા અને એજન્ટને 10 ટકા કમિશન આપવાની વાત કહેવામાં આવી છે. અગાઉ રિન્યુઅલ સમયે પણ 10થી 15 ટકા સુધી કમિશન વસૂલાતું હતું. જાણકારોના મતે, અગાઉ જીએસટીમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને સીધો નથી મળ્યો, પરંતુ હવે આ નવા નિયમોથી ગ્રાહકોને પ્રીમિયમમાં સીધો લાભ મળી શકશે.
લોન સાથે બિનજરૂરી વીમા વેચાણ પર સખત પ્રતિબંધ
ઇરડાએ મિસ-સેલિંગ (ગેરમાર્ગે દોરીને વીમો વેચવાની પ્રથા) સામે પણ લાલ આંખ કરી છે. નવા નિયમ અનુસાર, હવે બેંકમાંથી લોન લેતી વખતે ગ્રાહકોને કોઈપણ પ્રકારનો બિનજરૂરી અથવા ફરજિયાત ન હોય તેવો વીમો વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પગલાથી લોન લેનારા સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળશે અને તેઓ બિનજરૂરી વીમાના ખર્ચથી બચી શકશે.
મોટર ઇન્સ્યોરન્સ અને કાર ડીલરોના કમિશન પર લગામ
છેલ્લા બે વર્ષમાં મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં 34 ટકા અને તેના કમિશનમાં 259 ટકા સુધીનો જંગી વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2025માં મોટર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેટે 29,000 કરોડ રૂપિયા વસૂલાયા હતા, જેમાંથી 7,050 કરોડ રૂપિયા માત્ર કમિશનમાં જ જતા રહ્યા હતા. ઘણી જગ્યાએ તો ગ્રાહકો પાસેથી 50 ટકા સુધીનું કમિશન વસૂલાતું હોવાનું સામે આવ્યું છે.
આ સ્થિતિ સુધારવા માટે ઇરડાએ કાર ડીલરોનું કમિશન ઘટાડીને 15 ટકા સુધી લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જ, તમામ કાર ડીલરો માટે પોતાની દુકાનમાં અથવા શોરૂમમાં એક ક્યૂઆર સ્કેનર સાર્વજનિક રૂપે રાખવું અનિવાર્ય કરવામાં આવશે, જેને સ્કેન કરીને ગ્રાહક સીધા 'વીમા સુગમ પોર્ટલ' પર જઈને જાતે જ થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ ખરીદી શકશે. ડીલરોએ ગ્રાહકોને આ પોર્ટલ વિશે માહિતી આપવી પણ ફરજિયાત રહેશે.




