વેટની વિદાયને 10 વર્ષ છતાં કરોડોના રિફંડ અટવાયા! ગુજરાતના વેપારીઓ સરકારી બાબુઓ સામે લાચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat VAT Refunds Pending: પહેલી જુલાઈ 2017ના રોજ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)ની વિદાય લીધાને સાડા નવ વર્ષ થવા આવ્યા હોવા છતાં અમદાવાદ અને ગુજરાતના હજારો વેપારીઓના વેટના રિફંડ હજીય મળતા નથી. હિસાબ શાખામાં વેપારીઓના બેન્ક એકાઉન્ટ રિફ્લેક્ટ થતા નથી, કારણ કે વેપારીઓ વેટમાંથી જીએસટીમાં શિફ્ટ થઈ ગયા હોવાથી તેમના ખાતા વેટમાં દેખાતા નથી. હિસાબ શાખાના અધિકારીઓ તે ખાતા દેખાતા ન હોવાના કારણે રિફંડના ઓર્ડર થઈ ગયા પછી પણ રિફંડ આપતા નથી.
વેટના ખાતા લૉક થવાથી સુધારા કરવા અશક્ય
વેટના ખાતાઓ લૉક કરી દેવામાં આવ્યા હોવાથી તેમાં સુધારા કરવા શક્ય નથી. વેપારીઓ વેટમાંથી જીએસટીમાં માઇગ્રેટ થઈ ગયા હોવાથી વેટના પોર્ટલ પર સુધારો કરવાની કોઈ તક મળતી નથી. દસ વર્ષથી એકાઉન્ટ ઓપરેટ ન કર્યા હોવાથી મોટાભાગના વેપારીઓ પાસે લોગ ઇન આઈડી અને પાસવર્ડ સચવાયેલા નથી, અને જેની પાસે છે તેઓ પણ એકાઉન્ટ લૉક હોવાને કારણે સુધારો કરી શકતા નથી.
એફિડેવિટની જફા અને બિનજરૂરી વિલંબ
રિફંડ માગનારના બેન્ક એકાઉન્ટ ન દેખાય એટલે અધિકારીઓ વેપારી ભલે મુંબઈ કે દિલ્હીમાં રજિસ્ટ્રેશન ધરાવતા હોય, તો પણ તેમની પાસે એફિડેવિટ માંગે છે કે આ જ તેમનું બેન્ક એકાઉન્ટ છે. ભૂતકાળમાં આ ખાતામાં રિફંડ લીધેલા હોવા છતાં અત્યારે એફિડેવિટ આપવી પડે છે. વળી, રિફંડના એપ્રુવલ માટેના ઘણા કેસો ગાંધીનગરના એડિશનલ કમિશનર પાસે ટ્રાન્સફર થયા હોવાથી લગભગ બે મહિનાથી રિફંડ આવ્યા જ નથી.
જીઆર-સેલમાં લોલમલોલ અને ફાઇલોની ચક્કરડી
સરકારના જીઆર-સેલમાં કાયદા વિરુદ્ધ જઈને ફાઇલ પુનઃ સાદર કરીને રિફંડ ટલ્લે ચઢાવવામાં આવે છે. અપીલમાં 25 લાખ રૂપિયાથી વધુના રિફંડ માટે ડેપ્યુટી કમિશનર અને 50 લાખ રૂપિયાથી વધુ માટે એડિશનલ કમિશનરની મંજૂરી લેવી પડે છે. આ વિભાગમાંથી એક જ ફાઇલ પર ત્રણ-ત્રણ વાર જુદા-જુદા મુદ્દા કાઢીને ફાઇલ પરત મોકલવામાં આવે છે, જેના કારણે બેથી ત્રણ વર્ષ સુધીનો અસહ્ય વિલંબ થાય છે. વેટની વિદાયને દસ વર્ષ થવા છતાં અપીલના ઓર્ડર સામે વારંવાર વાંધા કાઢી વેપારીઓને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ.




