શેરબજારમાં કડાકો અને સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે જુઓ ભારતમાં શું થયું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global Market Crash 2026: સપ્તાહના પ્રથમ દિવસે જ વૈશ્વિક શેરબજારોમાં મોટો ફફડાટ જોવા મળ્યો છે. જાપાનથી લઈને કોરિયા સુધીના શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયા બાદ, ભારતીય શેરબજાર પણ ખૂલતાની સાથે જ ક્રેશ થઈ ગયું છે. જોકે, આ આર્થિક તબાહી વચ્ચે સોના અને ચાંદીના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. કિંમતી ધાતુઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સતત ગિરાવટ પર અચાનક બ્રેક વાગી ગઈ છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ તેજી છતાં, બંને કિંમતી ધાતુઓ તેમના અત્યાર સુધીના ઓલ-ટાઇમ હાઇ કરતાં હજુ પણ ઘણી સસ્તી મળી રહી છે.
ચાંદીના ભાવમાં એકઝટકે ₹4005નો વધારો
સૌથી પહેલા વાત કરીએ ચાંદીના વાયદા બજારની, તો સોમવારે માર્કેટ ખૂલતાની સાથે જ 4 સપ્ટેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. શુક્રવારે ચાંદી પ્રતિકિલો ₹2,16,403 પર બંધ થઈ હતી, જે સોમવારે સીધી ₹2,20,408 પર પહોંચી ગઈ હતી. આમ, ચાંદીના ભાવમાં એકઝટકે પ્રતિકિલો ₹4005ની તેજી જોવા મળી છે.
સર્વોચ્ચ સ્તરથી ચાંદી હજુ પણ ₹2 લાખથી વધુ સસ્તી
સોમવારે ચાંદીના ભાવમાં ભલે મોટો ઉછાળો આવ્યો હોય, પરંતુ તે પોતાના રેકોર્ડ સ્તરથી હજુ પણ ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં MCX પર ચાંદીનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખની સપાટી વટાવીને ₹4,20,048ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. આ હાઇ લેવલની સરખામણીએ અત્યારે 1 કિલો ચાંદી ₹2,03,645 જેટલી સસ્તી મળી રહી છે.
સોનાના ભાવમાં પણ ચમકારો
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ સોમવારે સારો ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારની શરૂઆત થતાં જ 24 કેરેટ સોનાનો ભાવ વધીને પ્રત્યેક 10 ગ્રામના ₹1,41,649 પર પહોંચી ગયો હતો. આ અગાઉ ગત શુક્રવારે MCX પર સોનું ₹1,40,906 પર બંધ થયું હતું. આ હિસાબે જોતાં, સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹743નો વધારો નોંધાયો છે.
સોના-ચાંદીમાં તેજી, શેરબજારમાં તબાહી
એક તરફ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો બીજી તરફ વૈશ્વિક તણાવને કારણે શેરબજારમાં ભારે તબાહી મચી ગઈ છે. સોમવારે માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના સંકટ, ક્રૂડ ઓઇલના ભાવમાં આવી રહેલા તોતિંગ ઉછાળા અને બેંકિંગ શેરોમાં આવેલા મોટા કડાકાને કારણે શેરબજાર લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયું છે. હાલમાં BSE સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ અને NSE નિફ્ટી 150 પોઇન્ટથી વધુના મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.









