Business

શેરબજારમાં રોકાણ કરવું સારું કે પછી EPFOમાં? વાંચી લો આ 6 બાબત તમારી મૂંઝવણ દૂર કરી દેશે

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
નોકરિયાત વર્ગ EPF અને શેરબજારમાંથી ક્યાં રોકાણ કરવું તે અંગે મૂંઝવણમાં છે. EPF ફરજિયાત બચત, કંપનીનું યોગદાન, નિશ્ચિત વ્યાજ અને સામાજિક સુરક્ષા આપે છે. જ્યારે શેરબજારમાં રોકાણ મરજિયાત, વધુ વળતરની સંભાવના સાથે ઊંચું જોખમ ધરાવે છે. EPF લાંબા ગાળે સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય આપે છે, જ્યારે શેરબજારનું વળતર બજારના ઉતાર-ચઢાવ પર આધારિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં રોકાણ કરવું સારું કે પછી EPFOમાં? વાંચી લો આ 6 બાબત તમારી મૂંઝવણ દૂર કરી દેશે

Stock Market vs EPF: સૌથી વધુ પગારદાર કર્મચારીઓ અવારનવાર એ મૂંઝવણમાં હોય છે કે તેમણે પોતાના પૈસા ઈમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં જ રોકી રાખવા જોઈએ કે પછી વધુ વળતર માટે શેર બજાર તરફ વળવું જોઈએ? બંને માધ્યમો વેલ્થ ક્રિએટ કરવામાં મદદ કરે છે, પરંતુ તેમની કામ કરવાની પદ્ધતિ અને જોખમનું સ્તર તદ્દન અલગ છે.

રોકાણની ફરજિયાત પ્રક્રિયા અને મર્યાદા

EPFOના જણાવ્યા મુજબ, જે સંસ્થાઓમાં EPF એક્ટ લાગુ પડે છે અને જ્યાં કર્મચારીઓનો મૂળ પગાર ₹15,000 સુધીની લિમિટમાં છે, ત્યાં EPF એકાઉન્ટ હોવું ફરજિયાત છે. ઈપીએફમાંથી પૈસા માત્ર ચોક્કસ જરૂરિયાતો સમયે જ ઉપાડી શકાય છે. બીજી તરફ, શેર બજારમાં રોકાણ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધારિત છે અને તેમાં રોકાણકાર ગમે ત્યારે પોતાના પૈસા પાછા ખેંચી શકે છે.

રોકાણનું માળખું અને એમ્પ્લોયરનું યોગદાન

EPF સ્કીમમાં કર્મચારી અને કંપની (નિયોક્તા) બંને તરફથી યોગદાન આપવામાં આવે છે. નિયોક્તા દ્વારા આપવામાં આવતું આ વધારાનું યોગદાન કર્મચારી માટે એક ગેરંટીડ લાભ છે. તેની સરખામણીએ, શેર બજારમાં રોકાણ સંપૂર્ણપણે રોકાણકારના પોતાના ખિસ્સામાંથી જ થાય છે અને તેમાં કોઈ કંપની તરફથી વધારાનું યોગદાન મળતું નથી.

સ્થિરતા અને જોખમનું પ્રમાણ

EPFમાં દર મહિને પગારમાંથી ચોક્કસ રકમ આપમેળે જમા થાય છે, જે એક ફરજિયાત બચતનું માધ્યમ બને છે. તેના પર સરકાર દ્વારા નક્કી કરાયેલા સ્થિર દરે વ્યાજ મળે છે. જ્યારે શેર બજારમાં રોકાણ કરવું કે નહીં તે મરજિયાત છે. શેર બજાર ભલે વધુ રિટર્ન આપી શકે, પરંતુ તે ખૂબ જ જોખમી (High Risk) છે અને તેનો આધાર સંપૂર્ણપણે માર્કેટના ઉતાર-ચઢાવ પર રહે છે.

ટેક્સ લાભ, પેન્શન અને સામાજિક સુરક્ષા

EPFOની યોજનામાં જમા રકમ, મળતું વ્યાજ અને રકમ ઉપાડવા પર ટેક્સ ફ્રી લાભ મળે છે. આ ઉપરાંત, પાત્ર કર્મચારીઓને ઈપીએસ (EPS) હેઠળ પેન્શન અને ઈડીએલઆઈ (EDLI) સ્કીમ હેઠળ ફ્રી વીમા કવચ જેવા સામાજિક સુરક્ષાના લાભો પણ મળે છે. જ્યારે શેર બજારમાં શેર વેચીને કમાયેલા નફા પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે અને તેમાં કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષા કે વીમા કવર મળતું નથી.

રિટાયરમેન્ટ માટે સુરક્ષિત ભવિષ્ય

EPFOનું સંચાલન સીધું કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ થાય છે, જેથી લાંબા ગાળે આ યોજના એક સ્થિર, સુરક્ષિત અને સંપૂર્ણ ભરોસાપાત્ર ફંડ તૈયાર કરે છે. શેર બજાર નિયમનકારો હેઠળ હોવા છતાં જોખમથી મુક્ત નથી અને તેનું વળતર પણ અનિશ્ચિત હોય છે. ટૂંકમાં, ઈપીએફ ભવિષ્યની સુરક્ષા અને નિશ્ચિતતા પૂરી પાડે છે, જ્યારે શેર બજારનું રોકાણ વ્યક્તિની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે.