Business

જુલાઈમાં દેશભરમાં ચોમાસાએ જોર પકડતા ૮૧ ટકા ખરીફ વાવણી પૂરી

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી મળતા અહેવાલ મુજબ, જુલાઈમાં ચોમાસાએ જોર પકડતાં દેશમાં ખરીફ વાવણીની પ્રારંભિક ઘટ હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ૩૧ જુલાઈ સુધીમાં 894.22 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવણી થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 3% થી પણ ઓછી ઘટ દર્શાવે છે. કૃષિ મંત્રાલયના મતે, સામાન્ય વિસ્તારના 81% વાવણી પૂર્ણ થઈ છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુલાઈમાં  દેશભરમાં ચોમાસાએ જોર પકડતા ૮૧ ટકા ખરીફ વાવણી પૂરી

વાવેતર વિસ્તારમાં ઘટ ઓછી થઈને ૩ ટકાથી પણ અંદર
મુંબઈ : જુલાઈમાં ચોમાસાએ જોર પકડતા ખરીફ વાવણીની પ્રારંભિક ઘટ હવે લગભગ સમાપ્ત થવા આવી છે અને ગયા વર્ષના ૩૧ જુલાઈની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન ગાળા સુધીમાં ખરીફ વાવણીમાં ૩ ટકાથી પણ ઓછી ઘટ જોવા મળી રહી છે.
વર્તમાન વર્ષના ૩૧ જુલાઈના અંતે ૮૯૪.૨૨ લાખ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી પૂરી થઈ છે જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૯૨૦.૭૨ લાખ હેકટર વિસ્તાર રહી હતી.
જુલાઈમાં દેશભરમાં ચોમાસુ સક્રિય બનતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરી હતી. સામાન્ય વિસ્તારના ૮૧ ટકા વાવણી પૂરી થયાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે ખરીફ વાવેતર ૧૧૦૪.૪૬ લાખ હેકટર વિસ્તાર પર કરવામાં આવે છે.
મુખ્ય ખરીફ પાક ડાંગરનું વાવેતર ૩૦૧.૪૯ લાખ હેકટર વિસ્તાર પર આવરી લેવાયું છે જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ માત્ર ૨.૨૦ ટકા જેટલુ જ ઓછુ છે. કઠોળનું વાવેતર ૬.૩૦ ટકા જેટલુ નીચુ રહી ૯૫.૧૮ લાખ હેકટર વિસ્તાર રહ્યું છે.
કઠોળમાં તુવેરની વાવણી ૯ ટકા નીચી રહી છે જ્યારે અડદમાં ૧૦.૭૦ ટકા વધુ પાક લેવાયો છે. કડધાન્યમાં હજુપણ ૭.૫૦ ટકા ઘટ જોવા મળી રહી છે. જુવાર, બાજરા, મકાઈનું વાવેતર ધીમી ગતિએ થઈ રહ્યાનું કૃષિ મંત્રાલયના ડેટા જણાવે છે.
તેલીબિયાંનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ સહેજ ઊંચુ રહ્યું છે. મગફળીના વાવેતરમાં ૨.૮૦ ટકા વધારો જોવાયો છે જ્યારે સોયાબીનમાં એક ટકાથી નીચી સાધારણ ઘટ જોવાઈ રહી છે.
કપાસની વાવણી જે ગયા વર્ષના ૩૧ જુલાઈ સુધીમાં ૧૦૬.૦૬ લાખ હેકટર પર પૂરી થઈ હતી તે વર્તમાન વર્ષના સમાન ગાળા સુધીમાં ૧૦૩.૫૪ લાખ હેકટર વિસ્તાર પર આવરી લેવાઈ છે.