ટ્રમ્પે ક્રિપ્ટોનો ઉલ્લેખ નહીં કરતાં બિટકોઈનમાં 8000 ડોલરની અફરાતફરી

મુંબઈ : ઉદ્દઘાટન ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સીસ માર્કેટ માટે કોઈ ઉલ્લેખ નહીં કરતા છેલ્લા ચોવીસ કલાકમાં મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનના ભાવમાં ૮૦૦૦ ડોલરની અફરાતફરી જોવા મળી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૧૦૦૧૪૧.૭૪ ડોલર અને ઉપરમાં ૧૦૮૬૪૦ ડોલર થઈ મોડી સાંજે ૧,૦૨,૦૦૦ ડોલર મુકાતો હતો. સોમવારે ટ્રમ્પની શપથવિધિ પહેલા બિટકોઈન ૧,૦૯,૦૦૦ ડોલરની નવી ઊંચી સપાટીએ જોવાયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલનિયાની માલિકીની ક્રિપ્ટોકરન્સીસમાં પણ ૬૦ ટકાથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. પોતાના ભાષણમાં ટ્રમ્પ બિટકોઈન રિઝર્વ ઊભું કરવા અંગે પ્રકાશ પાડશે તેવી ખેલાડીઓ અપેક્ષા રાખતા હતા.
સોમવારના લોન્ચિંગ બાદ બીજા જ દિવસે પ્રોફિટ બુકિંગને પગલે ટ્રમ્પ તથા મેલનિયા કોઈન્સના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ટ્રમ્પના પરિવારની માલિકીના મિમકોઈન્સ લોન્ચ થવાથી ક્રિપ્ટોકરન્સીસ સંદર્ભમાં ખેલાડીઓને આશા જાગી છે. જો કે લોન્ચિંગના બીજા દિવસે ટ્રમ્પ ક્રિપ્ટોનો ભાવ બિનાન્સ એકસચેન્જ પર ઊપરમાં ૫૬.૨૦ ડોલર અને નીચામાં ૩૦.૪૦ ડોલર થઈ મોડી સાંજે ૩૮.૭૭ ડોલર મુકાતો હતો. બીજી બાજુ મિલાનિયાનો ભાવ ૬૦ ટકા ગબડી ૪.૨૬ ડોલર કવોટ થતો હતો.
મોટી અપેક્ષા રાખી બેઠેલા રોકાણકારોએ આ બન્ને ક્રિપ્ટોસમાં મોટું નુકસાન ખમવું પડયું છે.અન્ય ક્રિપ્ટો એથરમનો ભાવ ઘટી ૩૨૪૮ ડોલર બોલાતો હતો. આ ઉપરાંત સોલાના, બીએનબી, એકસઆરપીમાં પણ ઘસારો જોવા મળ્યો હતો. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૩.૫૧ ટ્રિલિયન ડોલર રહી હતી.




