Business

42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

By GS TEAM
30 Oct 20252 mins read
42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

અમદાવાદ : આ દિવાળીએ  ૪૨ ટકાથી વધુ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓએ આ વર્ષે તહેવારોની ખરીદી પર રૂ. ૫૦,૦૦૦થી વધુ ખર્ચ કર્યો હતો. ૨૨ ટકા સહભાગીઓએ રૂ. ૫૦,૦૦૦ થી રૂા. ૧ લાખ વચ્ચે અને ૨૦ ટકા લોકોએ તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. ૧ લાખથી વધુ ખર્ચ કર્યો હતો. આ આંકડા દર્શાવે છે કે તહેવારોની મોસમ દરમિયાન લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મોંઘી વસ્તુઓ ખરીદવામાં વધુને વધુ રસ ધરાવતા હતા. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓએ કાર્ડ ઑફર્સના આધારે તેમની ખરીદીનું આયોજન કર્યું હતું.

પૈસાબજારે કરેલા સર્વે મુજબ,  ૯૧ ટકા લોકોએ કાર્ડ ઑફર્સના આધારે તેમની ખરીદીનું આયોજન કર્યું હતું અને કેશબેકને પ્રાથમિકતા આપી હતી.

 ૨,૩૦૦ થી વધુ સહભાગીઓ પર આધારિત આ સર્વેમાં જાણવા મળ્યું છે કે દિવાળી પર સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ખર્ચ ઘરેલું ઉપકરણો (૨૫%), મોબાઇલ ફોન, ગેજેટ્સ અને એસેસરીઝ (૨૩%) અને કપડાં (૨૨%) પર થયો હતો. ત્યારબાદ ફર્નિચર અને સજાવટ (૧૮%) નો ક્રમ આવે છે. સોના અને ઘરેણાંનો પણ ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ૧૨% હિસ્સો છે.

 આ ડેટા દર્શાવે છે કે લોકો વધુ વળતર મેળવવા માટે મોંઘી વસ્તુઓ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે ૯૧% થી વધુ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓએ કાર્ડ ઑફર્સના આધારે તેમની ખરીદીનું આયોજન કર્યું હતું, જ્યારે ૧૦% કરતા ઓછા લોકોએ કહ્યું હતું કે તેઓએ કોઈપણ ખાસ ડીલ અથવા ઑફર્સની રાહ જોયા વિના, તેમના કાર્ડના માનક કેશબેક અથવા રિવોર્ડ સ્ટ્રક્ચર પર આધાર રાખ્યો હતો. આ સૂચવે છે કે તહેવારોની ખરીદીના નિર્ણયો પહેલા કરતાં વધુ મૂલ્ય-આધારિત બની રહ્યા છે, ગ્રાહકો ક્રેડિટ કાર્ડ ઑફર્સ અને ચાલુ પ્રમોશનને મહત્તમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ક્રેડિટ કાર્ડ પ્રોત્સાહનોની વાત આવે છે, ત્યારે ૨૦% ઉત્તરદાતાઓ માટે કેશબેક ટોચની પસંદગી હતી. આ પછી કો-બ્રાન્ડેડ ઑફર્સ (૧૯%) અને એક્સિલરેટેડ રિવોર્ડ પોઈન્ટ્સ (૧૮%) હતા. હપ્તેથી ખરીદી  કરનારાઓમાં, ૫૬% લોકોએ નો-કોસ્ટ EMI પસંદ કર્યો હતો, ૨૯% લોકોએ વધુ સારા ડિસ્કાઉન્ટ પસંદ કર્યા હતા અને ૧૦% લોકોએ ફક્ત હપ્તાઓમાં ખર્ચ ફેલાવવા માટે EMI પસંદ કર્યું હતું.

વધુમાં, ૮૩% ઉત્તરદાતાઓએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓમાંથી માત્ર ૭% માને છે કે તેમને ભૌતિક સ્ટોર્સ (સ્થાનિક દુકાનો) પર વધુ અનુકૂળ ઑફર્સ મળી છે.