શેરબજારમાં સુધારાને પગલે જુલાઈમાં ૨૮.૯૦ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૨૦ના અંતથી અત્યારસુધીમાં ડીમેટ ખાતાની સંખ્યા પાંચ ગણી વધી ૨૩.૪૪ કરોડ પહોંચી
મુંબઈ : શેરબજારમાં ફરી જોવા મળી રહેલી રેલી તથા ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ની સંખ્યામાં વધારાને પરિણામે જુલાઈમાં નવા ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યા ૨૮.૯૦ લાખ રહી હતી જે વર્તમાન વર્ષના જાન્યુઆરી બાદ સૌથી વધુ છે. વર્તમાન વર્ષમાં ડીમેટ ખાતા ખોલવાની માસિક સરેરાશ ૨૬ લાખ રહી છે જેની સરખામણીએ જુલાઈનો આંક નોંધપાત્ર ઊચો છે.
બજારની સાનુકૂળ સ્થિતિ, ખાતા ખોલવામાં સરળતા તથા મૂડી બજાર પ્રત્યે વધેલા વિશ્વાસને પરિણામે છેલ્લાછ વર્ષના ગાળામાં ડીમેટ ખાતામાં જોરદાર વધારો થયો છે. ખાસ કરીને કોરોના બાદ શેરબજારમાં લોકોનો રસ નોંધપાત્ર વધ્યો છે.
ડિસેમ્બર ૨૦૨૦માં ડીમેટ ખાતાની સંખ્યા જે ૪.૯૦ કરોડ હતી તે જુલાઈ ૨૦૨૬ના અંતે પાંચ ગણી વધી ૨૩.૪૪ કરોડ પહોંચી ગઈ છે.
જુલાઈમાં ૧૨ જેટલા આઈપીઓ મારફત કંપનીઓએ એકંદર રૂપિયા ૨૮૬૪૯ કરોડ ઊભા કર્યા હતા. સપ્ટેમ્બર, ૨૦૨૫ બાદ આઈપીઓની સંખ્યાની દ્રષ્ટિએ જુલાઈ મહિનો શ્રેષ્ઠ રહ્યો છે જ્યારે ભંડોળની માત્રાની દ્રષ્ટિએ ઓકટોબર, ૨૦૨૫ બાદ જુલાઈ શ્રેષ્ઠ મહિનો રહ્યો છ, એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
આઈપીઓમાં ભાગ લેવા માટે રોકાણકારો દ્વારા ડીમેટ ખાતા ખોલાવાઈ રહ્યા છે. વર્તમાન મહિનામાં પણ નોંધપાત્ર આઈપીઓ આવી રહ્યા છે.
શેરબજાર એ નાણાંની કમાણીનું એક સરળ માધ્યમ બની ગયું હોવાને કારણે પણ રોકાણકારો ખાસ કરીને યુવાવર્ગનું તે તરફ આકર્ષણ વધી રહ્યું છે અને પોતાની બચતો બેન્ક અથવા પોસ્ટ સાધનોમાં રાખવાને બદલે શેરબજારોમાં રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
જુલાઈમાં લાર્જકેપ તથા સ્મોલકેપ સ્ટોકમાં પ્રમાણમાં સારુ વળતર પણ છૂટયુ હોવાથી રોકાણકારોનું માનસ વધુ મજબૂત બન્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય ઈક્વિટીસમાં ફરી લેવાલ રહ્યા છે.









