10,000 લોકોને રોજગારી... TCSમાં બંપર હાયરિંગ તો બંપર કમાણી કરતી માઈક્રોસોફ્ટમાં 4800 છટણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TCS Bumper Hiring Vs Microsoft Gaming Layoffs : ટેક જગતની બે દિગ્ગજ કંપનીઓ તરફથી આઈટી સેક્ટરને લઈને સાવ વિરોધાભાસી સમાચાર સામે આવ્યા છે. એક તરફ દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નોકરીઓમાં કાપની ચિંતાઓને ફગાવીને બમ્પર ભરતી કરી છે. બીજી તરફ, વિશ્વની ચોથી સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટે મોટા પાયે છટણી કરીને બધાને ચોંકાવી દીધા છે.
AIના કારણે નોકરી જવાની વાતો માત્ર અફવા
TCSના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કે. કૃતિવાસને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે નોકરીઓ જવાની વાતોને માત્ર અફવા ગણાવી છે. કંપનીના ત્રિમાસિક પરિણામો બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે, 'એઆઈના વધતા ઉપયોગ છતાં કંપનીમાં કર્મચારીઓ ઘટશે નહીં, પણ વર્કફોર્સ વધતો રહેશે.'
TCSમાં કર્મચારીઓના ચોંકાવનારા આંકડા
આ દાવો આંકડામાં પણ દેખાય છે. જૂન ક્વાર્ટરમાં TCSએ રેકોર્ડબ્રેક 9,279 નવા કર્મચારીઓ ઉમેર્યા છે, જે છેલ્લા 4 વર્ષમાં કોઈ એક ક્વાર્ટરમાં થયેલો સૌથી મોટો વધારો છે. આ સાથે જ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 5,93,798 પર પહોંચી ગઈ છે. કંપની નવી ટેકનોલોજી માટે પોતાના સ્ટાફને ટ્રેન્ડ કરવાનું ચાલુ રાખશે. આ ક્વાર્ટરમાં TCSનો નફો 4.6% વધીને 13,349 કરોડ રૂપિયા અને રેવેન્યુ 72,275 કરોડ રૂપિયા રહ્યો છે.
માઈક્રોસોફ્ટમાં દર કલાકે 367 કરોડની કમાણી છતાં છટણી
બીજી તરફ માઈક્રોસોફ્ટનો અહેવાલ આંચકો આપનારો છે. માર્કેટ કેપમાં દુનિયાની ટોચની કંપનીઓમાં સામેલ માઈક્રોસોફ્ટ દર કલાકે 367 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે, છતાં કંપનીએ 4,800 કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે તાજેતરમાં જ 1,600 લોકોને તાત્કાલિક અસરથી કાઢી મૂકાયા છે, જ્યારે બાકીના 3,200 લોકોને આગામી 1 વર્ષમાં તબક્કાવાર મુક્ત કરાશે.
છટણી પાછળનું અસલી કારણ: AIમાં ભારે રોકાણ
માઈક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર એમી કોલમેને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે, 'ભલે AI સીધી રીતે નોકરીઓ છીનવી રહ્યું નથી, પરંતુ તે કામ કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે.' હાલમાં OpenAI જેવી કંપનીઓ સાથેની હરીફાઈમાં મોખરે રહેવા માટે માઈક્રોસોફ્ટ પર ભારે દબાણ છે. તેથી કંપની પોતાના બિન-નફાકારક વિભાગોમાંથી નાણાં બચાવીને તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સમાં લગાવી રહી છે. માઈક્રોસોફ્ટે વર્ષ 2026 સુધીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર પાછળ 190 બિલિયન ડોલર ખર્ચવાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે. જોકે, છટણી કરાયેલા કર્મચારીઓને કંપની નિયમ મુજબ આર્થિક અને હેલ્થ ઈન્સ્યોરન્સની મદદ પૂરી પાડશે.









