Business Plus

કીસકો ખબરથી કીસકો યકીં થા, ઐસે ભી દીન આયેંગે ?!

By GS Team
30 Aug 20264 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ 12 વર્ષ પૂરા કરતા 'એન્ટી ઇન્કમ્બન્સી'નો ભોગ બન્યા છે. તેમની 3 ટર્મમાં સરેરાશ આર્થિક વૃદ્ધિ 6.8% રહી, જ્યારે મનમોહનસિંહ સરકારમાં 7.7% હતી. મોદી સરકારે મોંઘવારી 4.8% પર નિયંત્રિત કરી, પરંતુ શિક્ષણ અને બેરોજગારી મુખ્ય પડકારો રહ્યા. ધર્મ આધારિત રાજકારણ અને ભ્રષ્ટાચારને કારણે 'વિશ્વગુરુ'નો દાવો શંકાસ્પદ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કીસકો ખબરથી કીસકો યકીં થા, ઐસે ભી દીન આયેંગે ?!

ભારતમાં ૧૨ વર્ષનું કેમ મહત્ત્વ છે તેની ખબર પડતી નથી. રામને કેમ દસ વર્ષનો નહીં અને બાર વર્ષનો વનવાસ થયો ? નરેન્દ્ર મોદી છેલ્લા ૧૨ વર્ષથી ભારતના વડાપ્રધાન છે. તેઓની વડાપ્રધાન તરીકેની પ્રથમ ટર્મ ૨૬ મે ૨૦૧૪ થી ૩૦ મી મે ૨૦૧૯ હતી અને બીજી ટર્મ ૩૦ મી મે ૨૦૧૯ થી જુન ૯, ૨૦૨૪ હતી અને ત્રીજી ટર્મ તેઓએ ભારતના વડાપ્રધાન તરીકે ચાલુ છે જે હોદ્દા પર ૧૨ વર્ષ પૂરા કર્યા હોવાથી 'એન્ટી ઇન્કમ્બનશી'નો ભોગ બન્યા છે.
ભારતમાં મોદી સિવાય અટલબીહારી વાજપયીએ જ વડા પ્રધાન તરીકે ત્રણ ટર્મ્સ કામગીરી કરી છે. અલબત્ત તેમની પ્રથમ ટર્મ ૧૯૯૬માં ઘણી ટૂંકી હતી પરંતુ તે પછી ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી ભારતના વડાપ્રધાન તરીકે બે વાર રહ્યા હતા. ભારતમાં શ્રી નરેન્દ્ર મોદીએ સૌથી વધુ વર્ષો વડાપ્રધાન તરીકે કામ કર્યું છે અને કરી રહ્યા છે. અત્યારે શ્રી મોદી તેમની કારર્કીદીમાં સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં હવે ધર્મ પ્રધાન રાજકારણ ચાલી શકે તેમ નથી કારણ કે તે ભાગલાકારી છે. વળી ભારત દુનિયાનું વિશ્વગુરૂ છે તે બાબતને દુનિયાના અન્ય દેશો સ્વીકારતા નથી કારણ કે ભારતમાં ભ્રષ્ટાચાર ખૂણેખાચરે અને મંદીરોના વહીવટમાં પણ જોવા મળે છે. લોકો હવે પ્રશ્ન કરવા માંડયા છે કે આટલ ઊંડા અને વ્યાપક ભ્રષ્ટાચાર છતાં ભારતને વિશ્વગુરૂ ગણવાનું ?
મનમોહન સીંઘ સરકાર
(૨૦૦૪-૨૦૧૪)
મનમોહનસીંઘની સરકારના દસ વર્ષ દરમિયાન ભારતનો સરાસરી વાર્ષિક આર્થિક વૃધ્ધિ દર ૭.૭ ટકા હતો. તેની પાછળ ભારતના અર્થકારણનું ક્રાંતિકારી ઉદારીકરણ (લીબરલાઇઝેશન) હતુ. આ દરમિયાન ભારતનું સેવાક્ષેત્ર (બેંકીંગ, ઇન્સ્યુરન્સ, વ્યાપાર, ફાયનાન્સ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ વગેરે) હરણફાળે આગળ વધ્યું અને વિદેશી મૂડીકરણ પણ ઘણુ વધ્યું. આની સરખામણીમાં મોદીના પ્રથમ દસ વર્ષમાં ભારતનો સરાસરી આર્થિક વૃધ્ધિ દર ૬.૮ ટકા રહ્યો છે. મોદી સરકારની ડીમોનેટાઇઝેશનની પોલીસી અને ૨૦૨૦માં શરૂ થયેલા કોવિડે ભારતના સરાસરી વૃધ્ધિદરને ઘટાડયો હતો. નરેન્દ્ર મોદીએ માળખાગત (ઇન્ફ્રાસ્ટ્રકચર) વિકાસ કરીને અર્થકારણને વધુ મજબૂત બનાવ્યું છે. મનમોહનસીંઘ સરકારના ૧૦ વર્ષ દરમિયાન ફુગાવાનો સરાસરી વાર્ષિક દર ૭.૫ ટકા જેટલો ઊંચો રહ્યો જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સરાસરી ફુગાવાના દરને ૪.૮ ટકા સુધી રાખવામાં સફળ રહી છે. મોદી સરકાર રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા ફુગાવાના દરને કાબુમાં રાખી શકી છે. અત્યારે પણ ભારતમાં ફુગાવાનો દર ૪ ટકા કે તેથી નીચે છે. પરંતુ મોદી સરકારના કાળમાં સૌથી મોટા પ્રશ્નો શિક્ષણ અને બેરોજગારીના છે જેને મોદી સરકાર ઉકેલી શકી નથી. મોદી સરકાર ટેમ્પલ બીલ્ડીંગમાં માને છે પરંતુ સ્કુલ, કોલેજ કે રિસર્ચ સેંટર્સ કે હોસ્ટેલ બીલ્ડીંગમાં ઓછું માને છે. વળી તમામ અભ્યાસક્રમોનું હિન્દુકરણ ધાર્મિક ઝનૂન દર્શાવે છે. લોકો તેનાથી હવે કંટાળ્યા છે. મનમોહન સીંઘ સરકારના અમલ દરમિયાન ટેક્ષનું પ્રમાણ જીડીપીના ૧૦.૪ ટકા હતું જ્યારે મોદી સરકારના પ્રથમ દસ વર્ષ દરમિયાન ટેક્ષનું પ્રમાણ વધીને જીડીપીના ૧૧.૫ ટકા થઇ ગયું. તેનું મુખ્ય કારણ એ હતું કે મોદી સરકારે ગુડ્ઝ એન્ડ સર્વીસ ટેક્ષ (જીએસટી) ને વધુ સરળ બનાવ્યો અને ટેક્ષને વસૂલ કરવા પર વધુ ધ્યાન આપ્યું છે. મનમોહન સીંઘની યુપીએ સરકાર હેઠળ સ્ટોક માર્કેટ પરનું રીર્ટન ૧૫ ટકા હતું જ્યારે મોદી સરકાર હેઠળ તે ૧૨ ટકા હતું. મનમોહન સિંઘની યુપીએ સરકાર હેઠળ સરાસરી વાર્ષિક વિદેશી વ્યાપારની ખાધ ૧૦૦ બીલીયન ડોલર્સ રહી જ્યારે મોદી સરકાર હેઠળ તે ૭૦ બીલીયન ડોલર્સ રહી. મોદીની મેઇક ઇન ઇન્ડીયાની તથા બીનજરૂરી આયાતને તદ્દન ઓછી કરવાની ઝૂંબેશો સફળ રહી. મનમોહન સિંઘની સરકાર હેઠળ ભારતનું સરકારી દેવું રાષ્ટ્રીય આવકના ૬૮ ટકા હતું જ્યારે મોદી સરકાર હેઠળ તે ૭૦ ટકા રહ્યું. કારણ કે મોદી સરકારે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભુ કરવા વધારે મૂડીનિવેશ કર્યો છે. મનમોહન સિંઘ સરકાર હેઠળ દેશના કુલ બજેટમાં શિક્ષણનું બજેટ ૪.૬ ટકા હતું જયારે મોદીના ૨૦૨૫-૨૬ના બજેટમા તે માત્ર ૨.૫ ટકાપર નહી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા પર આપ્યું છે.
મોદી સરકારની જાપાનીસ રેલ્વેની યોજના ખૂબ સાહસભરી યોજના છે. પરંતુ તેમાં થયેલી ઢીલને કારણે જાપાનીસ સરકાર ઘણી નારાજ છે અને તે ઉપરાંત મોદી સરકાર ફુગાવાના દરને કાબુમાં રાખ્યો છે પરંતુ મોદી સરકાર જમણેરી વિચારસરણી ધરાવે છે અને ભારતની હિન્દુ સંસ્કૃતિ વિષે જબરજસ્ત મોટા દાવા કરે છે તે હાસ્યાસ્પદ જણાય છે. લોકો પૂછે છે કે ભારત જગદગુરુ છે તો તેમા આટલો ભ્રષ્ટાચાર અને આટલી બધી ગરીબી અને આર્થિક અસમાનતા કેમ છે ?
મોદી સરકાર પાસે એનો કોઇ જવાબ નથી સિવાય કે મોદી સરકારના અમુક ચાહકોએ ભારતના બંધારણના આમુખમાંથી સોશીયાલીઝમ અને સીકયુલારીઝમ દૂર કરવાની ઝૂંબેશ ઉપાડી છે જે ભારતને મધ્યયુગમાં લઇ જઇ શકે છે.