Business Plus

સંવત 2083માં શેરબજારની ઝળહળતી તેજીના વાયરા રોકાણકોરોને નફાની તક આપશે

By GS Team
8 Nov 20266 mins read
TukuTouch Logo
કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા ભારતીય શેર બજારો માટે સંવત ૨૦૮૨ પડકારજનક નીવડયું છે એ સૌ કોઈને પોત પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલા ધોવાણ પરથી અહેસાસ થયો છે. ઈરાન પર અમેરિકા, ઈઝરાયેલના મહાયુદ્વ અનેયુક્રેન-રશિયા યુદ્વના લાંબા સમયથી સંઘર્ષની અસર, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ભડકો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો દ્વારા સંવત ૨૦૮૨ના મોટાભાગના દિવસોમાં શેરોમાં થયેલી સતત વેચવાલી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે વિશ્વ સાથે ભારતના આઈટી ક્ષેત્રમાં ઊભી થયેલી અનિશ્ચિતતાએ બજારના સેન્ટીમેન્ટને અસર કરી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ૨૦૮૨ના અંત પૂર્વેના છેલ્લા ૧૦ દિવસમાં અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીઓના ડેવલપમેન્ટના કારણે અને અન્ય પોઝિટીવ પરિબળો આકાર લેતાં જે પ્રકારે રોકેટ તેજી જોવાઈ છે એને ધ્યાનમાં લેતાં હવે સંવત ૨૦૮૩માં ભારતીય શેર બજારોમાં રિકવરી આગળ વધશે એવી આશા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ નવા વર્ષની શરૂઆત પૂર્વે રોકેટ તેજી છતાં સંવત ૨૦૮૩માં આગળ જતાં ધીમે ધીમે રિકવરી સાથે ભારતીય ઈક્વિટી-શેર બજાર ૧૨થી ૧૩ ટકા જેટલું વળતર આપી શકે છે. સેકન્ડરી માર્કેટ માટે સંવત ૨૦૮૨ ઘણા શેરોમાં નેગેટીવ વળતરનું નીવડયું છે, પરંતુ પ્રાઈમરી માર્કેટ એટલે કે આઈપીઓની ભરમારને કારણે સંવત ૨૦૮૨ ભારતીય શેર બજારના ઈતિહાસમાં ઐતિહાસિક વર્ષ સાબિત થયું છે. સંવત ૨૦૮૩માં પણ આઈપીઓની ભરમાર ચાલુ રહેવાની શકયતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંવત 2083માં શેરબજારની ઝળહળતી તેજીના વાયરા રોકાણકોરોને નફાની તક આપશે
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    ભારતીય શેર બજારો માટે સંવત ૨૦૮૨ પડકારજનક નીવડયું છે એ સૌ કોઈને પોત પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલા ધોવાણ પરથી અહેસાસ થયો છે. ઈરાન પર અમેરિકા, ઈઝરાયેલના મહાયુદ્વ અનેયુક્રેન-રશિયા યુદ્વના લાંબા સમયથી સંઘર્ષની અસર, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ભડકો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો દ્વારા સંવત ૨૦૮૨ના મોટાભાગના દિવસોમાં શેરોમાં થયેલી સતત વેચવાલી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે વિશ્વ સાથે ભારતના આઈટી ક્ષેત્રમાં ઊભી થયેલી અનિશ્ચિતતાએ બજારના સેન્ટીમેન્ટને અસર કરી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ૨૦૮૨ના અંત પૂર્વેના છેલ્લા ૧૦ દિવસમાં અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીઓના ડેવલપમેન્ટના કારણે અને અન્ય પોઝિટીવ પરિબળો આકાર લેતાં જે પ્રકારે રોકેટ તેજી જોવાઈ છે એને ધ્યાનમાં લેતાં હવે સંવત ૨૦૮૩માં ભારતીય શેર બજારોમાં રિકવરી આગળ વધશે એવી આશા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ નવા વર્ષની શરૂઆત પૂર્વે રોકેટ તેજી છતાં સંવત ૨૦૮૩માં આગળ જતાં ધીમે ધીમે રિકવરી સાથે ભારતીય ઈક્વિટી-શેર બજાર ૧૨થી ૧૩ ટકા જેટલું વળતર આપી શકે છે. સેકન્ડરી માર્કેટ માટે સંવત ૨૦૮૨ ઘણા શેરોમાં નેગેટીવ વળતરનું નીવડયું છે, પરંતુ પ્રાઈમરી માર્કેટ એટલે કે આઈપીઓની ભરમારને કારણે સંવત ૨૦૮૨ ભારતીય શેર બજારના ઈતિહાસમાં ઐતિહાસિક વર્ષ સાબિત થયું છે. સંવત ૨૦૮૩માં પણ આઈપીઓની ભરમાર ચાલુ રહેવાની શકયતા છે.
    સંવત ૨૦૮૩ માટે બજારનું સૌથી મોટું પોઝિટીવ પરિબળ કોર્પોરેટ પરિણામો-અર્નિંગ્સમાં સંભવિત સુધારો છે. કંપનીઓના નફામાં આગામી વર્ષોમાં ૧૩થી ૧૫ ટકાના સીએજીઆર-ચક્રવૃદ્વિ થવાની અપેક્ષા છે. તાજેતરના બીજા ત્રિમાસિકના પરિણામોમાં પણ કોર્પોરેટ અર્નિંગ્સ-કમાણીમાં આશરે ૨૨ ટકાની વૃદ્વિ જોવા મળી છે, જે ભારતીય કંપનીઓની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ્સ, યુટિલિટીઝ, ફાઈનાન્શિયલ્સ, હેલ્થકેર અને મટિરિયલ્સ જેવા ક્ષેત્રોમાં કમાણીની વૃદ્વિ વધુ વ્યાપક બની રહી છે.
    છેલ્લા બે વર્ષ દરમિયાન બજારમાં આવેલા કરેકશનને કારણે શેરોના વેલ્યુએશનમાં પણ સુધારો થયો છે. અનેક કંપનીઓના પ્રાઈસ-ટુ-અર્નિંગ (પી/ઈ), પ્રાઈસ-ટુ-બુક અને અર્નિંગ યીલ્ડ જેવા માપદંડ લાંબા ગાળાની સરેરાશની નજીક અથવા તેનાથી નીચે પહોંચ્યા છે. આથી લાંબાગાળાના રોકાણકાર માટે ગુણવત્તાયુક્ત કંપનીઓના શેરોમાં તબક્કાવાર રોકાણ કરવાની તક ઊભી થઈ શકે છે.
    ભારતીય શેર બજારને ટેકો આપતું બીજું મહત્વનું પરિબળ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) અને મ્યુચ્યુઅલ ફંડોની સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા આવતું સતત રોકાણ રહ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા સંવત ૨૦૮૨માં મોટાભાગના દિવસોમાં વેચવાલી કરવામાં આવી ત્યારે સ્થાનિક રોકાણકારો બજારમાં ખરીદી કરીને ઘટાડાની અસરને મર્યાદિત રાખવામાં મદદરૂપ બની રહ્યા હતા. આ ઉપરાંત ભારતની મજબૂત સ્થાનિક વપરાશ આધારિત અર્થવ્યવસ્થા, યુવા પેઢી, સરકારી મૂડી ખર્ચ, મેન્યુફેકચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપતી પીએલઆઈ સ્કિમો અને મજબૂત વિદેશી હૂંડિયામણ ભંડાર મધ્યમથી લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક પરિબળો છે.
    સંવત ૨૦૮૩માં હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર રોકાણકારો માટે આકર્ષક બની શકે છે. ભારતીય દવા ઉત્પાદકોની નિકાસ ક્ષમતા, નવી દવાઓના વિકાસ અને વૈશ્વિક બજારમાં વધતી માંહ આ ક્ષેત્રને ટેકો આપી શકે છે. બેંકિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રમાં પણ સારી તકો જોવા મળી શકે છે. બેંકોની ક્લિન બેલેન્સશીટ, નિયંત્રિત એનપીએ-નોન પર્ફોર્મિંગ એસેટ્સ અને સ્થાનિક ધિરાણની વધતી માંગ આ ક્ષેત્રની વૃદ્વિ માટે અનુકૂળ છે.
    આ ઉપરાંત કેપિટલ ગુડઝ, ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેક્સટાઈલ્સ, ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ, કેબલ્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ સરકારના મૂડી ખર્ચ અને મેન્યુફેકચરિંગ પ્રવૃતિઓને કારણે વૃદ્વિની શકયતા છે. આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રમાં એઆઈ આધારિત નવી સર્વિસિઝ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાંબા ગાળે વૃદ્વિના નવા અવસર ઊભા કરી શકે છે. બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્ઝમ્પ્શન ક્ષેત્રને પણ હાઉસિંગ, શહેરીકરણ અને પ્રીમિયમ ઉત્પાદનોની માંગનો લાભ મળી શકે છે. આઠમાં પગાર પંચની સંભવિત અસરથી વપરાશ આધારિત ક્ષેત્રોને પણ ટેકો મળી શકે છે.
    સકારાત્મક પરિબળો હોવા છતાં સંવત ૨૦૮૩ના શરૂઆતના બે-ત્રણ ત્રિમાસિક ગાળા અસ્થિર રહી શકે છે. ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૮૦થી ૮૫ ડોલર કે તેથી વધુ રહે તો ભારતના આયાત ખર્ચ, ફુગાવા અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ આવી શકે છે. આ ઉપરાંત વૈશ્વિક વ્યાજ દર, અમેરિકાની નીતિઓ, ભૌગોલિક રાજકીય તણાવ અને એફઆઈઆઈની સતત વેચવાલી બજારની તેજીને મર્યાદિત કરી શકે છે. ટેકનિકલ દ્રષ્ટિએ નિફટી માટે ૨૨૦૦૦નું સ્તર મહત્વપૂર્ણ સપોર્ટ માનવામાં આવે છે. જ્યારે મધ્યમ ગાળામાં ૨૬,૩૦૦નું લેવલ અને બજારમાં વ્યાપક તેજીના સંજોગોમાં ૨૮,૦૦૦ સુધીના લક્ષ્યાંકની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    એકંદર સંવત ૨૦૮૩ ભારતીય શેર બજાર માટે સુધારાનું વર્ષ બની શકે છે. મજબૂત સ્થાનિક અર્થતંત્ર, કોર્પોરેટ અર્નિંગ્સમાં વૃદ્વિ, વેલ્યુએશનમાં થયેલો સુધારો અને સ્થાનિક રોકાણકારોના ટેકા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફઆઈઆઈઝની મોટાપાયે ખરીદી ચાલુ રહે તો બજાર માટે આશાસ્પદ રહેશે. અલબત હજુ વૈશ્વિક ડેવલપમેન્ટને લઈ અનિશ્ચિતતા અને ક્રુડ ઓઈલના ભાવને કારણે ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. જેથી રોકાણકારોએ ઉતાવળમાં ખરીદી કરવાને બદલે તબક્કાવાર રોકાણ, યોગ્ય એસેટ એલોકેશન-ફાળવણી અને લાંબા ગાળાની વૃદ્વિનો વ્યુહ અપનાવો જોઈએ. ગુણવત્તાયુક્ત કંપનીઓની પસંદગી અને જોખમનું યોગ્ય સંચાલન સંવત ૨૦૮૩માં સંપત્તિ સર્જન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
  • સેકન્ડરી માર્કેટ સાથે પ્રાઈમરી માર્કેટમાં ધમધમાટ ચાલુ રહેશે
    સંવત ૨૦૮૩માં અનેક કંપનીઓ આઈપીઓ લાવવા કતારમાં
    સંવત ૨૦૮૨માં પ્રાઈમરી માર્કેટે નવો ઈતિહાસ રચ્યો છે. ઐતિહાસિક સાબિત થયેલા આ સંવતમાં સેકન્ડરી માર્કેટ માટે પડકારરૂપ પણ પ્રાઈમરી માર્કેટ માટે વરદાનરૂપ નીવડયું છે. શેર બજારોના મેઈન બોર્ડ અને એસએમઈ પ્લેટફોર્મ પર મળીને કુલ ૩૬૭ આઈપીઓ-પબ્લિક ઈસ્યુઓ થકી રૂ.૨.૨૨ લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર થયું છે. જેમાં પ્રમુખ અને છેલ્લે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્રમુખ રહ્યા છે.
    નવા સંવત ૨૦૮૩ માટે ભારતીય શેરબજાર માટે પ્રાઈમરી-આઈપીઓ માર્કેટ માટે સૌથી મોટું પોઝિટીવ પરિબળ આગામી આઈપીઓની વિશાળ પાઈપલાઈન છે. એટલે કે અનેક કંપનીઓ આઈપીઓ લાવવાની હરોળમાં છે. ૧૧૬ કંપનીઓને સેબીની મંજૂરી મળી ચૂકી છે અને તેમના આઈપીઓ માટે અંદાજિત રૂ.બે લાખ કરોડ ફંડ ઊભું થવાનું નિર્ધારિત છે. જ્યારે ૧૨૨ કંપનીઓએ સેબી સમક્ષ આઈપીઓના ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે અને મંજૂરીની રાહ જોઈ રહી છે. બન્ને કેટેગરી મળીને આશરે ૨૩૮ કંપનીઓની આઈપીઓ પાઈપલાઈનનું કદ રૂ.૪.૩ લાખ કરોડ જેટલું છે. જો કે આ પૈકી કેટલી કંપનીઓ આઈપીઓ લાવી શકશે એનો ચોક્કસ આંક મૂકવો શક્ય નથી, છતાં વૈશ્વિક બજાર સેન્ટીમેન્ટ અને અન્ય પરિબળો પોઝિટીવ રહ્યા તો, ગત સંવત ૨૦૮૨ જેટલો આંક પાર થવાની સંભાવના રહેશે. અલબત આઈપીઓમાં કંપનીઓની છેલ્લા ત્રણ વર્ષની આવક અને નફાની વૃદ્વિ, કંપનીનું દેવું અને રોકડ પ્રવાહ, પ્રમોટર્સ હોલ્ડિંગ અને તેમનો ટ્રેક રેકોર્ડ, આઈપીઓમાંથી મળનારા નાણાનો ઉપયોગ ક્યા હેતું માટે થશે, કંપનીના બિઝનેસ સામે રહેલા જોખમો અને સ્પર્ધા સહિતના પરિબળો રોકાણ સમયે ધ્યાનમાં રાખવા સલાહભર્યું છે. ગ્રે માર્કેટમાં ઉપજાવી કાઢેલા ઊંચા પ્રીમિયમની લાલચમાં આવીને રોકાણ માટેની આંધળી દોટ મૂકવી નહીં. રોકાણ પોતાના ખાતામાંથી પોતે કરવું, પોતાના ડિમેટ એકાઉન્ટ કે ટ્રેડિંગ એકાઉન્ટનો કોઈ સિન્ડિકેટને ઉપયોગ કરવા દેવો નહીં.
  • સંવત ૨૦૮૩ માટે પસંદગીના ૧૦ શેરો
    સંવત ૨૦૮૩ માટે વિવિધ ક્ષેત્રોમાં અહીં દર્શાવેલા શેરો ધ્યાનમાં લઈ શકાય. અહીં દર્શાવેલા ભાવ વર્તમાન ભાવ આધારિત છે અને તેમાં બજારની હિલચાલ પ્રમાણે ફેરફાર થઈ શકે છે.
    (૧) જેનેસીસ ઈન્ટરનેશનલ ંકોર્પોરેશન લિમિટેડ. રૂ.૧૮૫ ( કંપની ડિજિટલ મેપિંગ અને જિયોસ્પેશિયલ ટેકનોલોજી ક્ષેત્રમાં કાર્યરત છે.)
    (૨) વેદાન્તા ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ. રૂ.૩૧ (કંપની ઓઈલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.)
    (૩) યુનિવર્સલ કેબલ્સ લિમિટેડ. રૂ.૧૦૯૭ (ંકંપની પાવર કેબલ અને ઈલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં છે.)
    (૪) અનંત રાજ લિમિટેડ. રૂ.૪૪૬ (ંકંપની ડેટા સેન્ટર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છે.)
    (૫) એસઆરએમ કોન્ટ્રાકટર્સ લિમિટેડ. રૂ.૩૭૦ ( કંપની રોડ, ટનલ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી છે.)
    (૬) બન્નારી અમાન સુગર્સ લિમિટેડ. રૂ.૩૧૯૬ ( કંપની ખાંડ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃતિઓમાં કાર્યરત છે.)
    (૭) નેલ્કો લિમિટેડ. રૂ.૭૨૯ (ંકંપની સેટેલાઈટ કોમ્યુનિકેશન અને ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રમાં કાર્યરત છે.)
    (૮) હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ. રૂ.૨૩૫૨ (પશુચિકિત્સા અને પોલ્ટ્રી વેક્સિન ક્ષેત્રમાં કાર્યરત છે.)
    (૯) વોક્હાર્ટ લિમિટેડ. રૂ.૧૯૪૬ ( કંપની ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં કાર્યરત છે.)
    (૧૦) ભારત બિજલી લિમિટેડ. રૂ.૨૪૯૫ ( કંપની ટ્રાન્સફોર્મર, ઈલેક્ટ્રિકલ મોટર્સ અને પાવર ઈક્વિપમેન્ટ ક્ષેત્રમાં કાર્યરત છે.)