Business Plus

દિવાળી ટાણે જ માંદી પડી ગઈ ચાંદી

By GS Team
1 Nov 20263 mins read
TukuTouch Logo
વ્યર્થશાસ્ત્રી કોમોડિટી કેર સેન્ટરમાં દર્દીઓની ભીડ જોવા મળી. સોનુકુમાર ગુસ્સામાં ડો. સટોડિયા પાસે પહોંચ્યા. થોડીવારમાં ક્રૂડ પણ પેટના આફરાથી પીડાતો ડોક્ટર પાસે આવ્યો. ડોક્ટરે શાંતિ કે સમાધાન બ્રાન્ડનું ઇન્જેક્શન સૂચવ્યું. ત્યાં જ કમ્પાઉન્ડર વાયદાએ ચાંદીની ખરાબ હાલત વિશે જણાવ્યું. ચાંદીને માંદી જોઈને ડો. સટોડિયા પોતે જ ફ્લોર પર ઢળી પડ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી ટાણે જ માંદી પડી ગઈ ચાંદી
  • સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
    કોમોડિટી કેર સેન્ટરમાં ડો. સટોડિયાના કમ્પાઉન્ડર વાયદાએ બૂમ પાડી. 'ચાલો નેક્સ્ટ પેશન્ટ…'
    ત્યાં સોનુકુમાર ગુસ્સાથી વાયદાને અવગણી સીદા ડો. સટોડિયા પાસે પહોંચી ગયા. 'વ્હોટ ડુ યુ મીન? હું શું તમને કોઈ પેશન્ટ જેવો દેખાઉં છું?'
    ડો. સટોડિયા હેબતાઈ જઈને કહે, 'તમે જે રીતે ગુસ્સો કરી રહ્યા છે એ જોતાં લાગે જ છે કે તમારું પ્રેશર વધી ગયું છે. ચલો, સીટ ડાઉન. ઈન ફેક્ટ, કૂલ ડાઉન… આટલી ગરમી સારી નહીં.'
    'ડોક્ટર સાહેબ, હું કૂલ ડાઉન કરવાની કોશિશમાં જ છું. મારું પ્રેશર એક ગ્રામના ૧૫,૦૦૦ આસપાસ ફરતું હતું ત્યાંથી તો ઘણું ઘટી ગયું છે, પણ માઈન્ડ વેલ, હું બીમાર નથી. ઈન ફેક્ટ, હું હમણાંથી દંડ બહુ પીલું છું એટલે જરા મારું વેઈટ રિડયુસ થયેલુું લાગે છે.'
    'મિસ્ટર, તમારે ભાષા બાબતમાં પણ કૂલ ડાઉન થવાની જરુર છે. આપણે ત્યાં ઈન્ડિયામાં બહુ તોરમાં હોય અથવા તો નશામાં હોય તે જ આટલું બધું અંગ્રેજી બોલે. અને હા, તમે જરાય સિકનેસ ફીલ નથી કરતા તો પછી આ કોમોડિટી કેર સેન્ટરની મુલાકાત લેવાનું પ્રયોજન?' ડોક્ટરે સોનુકુમારથી જરા પણ પ્રભાવિત થયા વિના કહ્યું.
    સોનુ કુમાર જરા ઠંડા પડીને કહે, 'અંગ્રેજીનું તો એવું છે કે અહીં મૂળ ઈન્ડિયામાં અમારા સગા ઓછા. અહીં અમારી નાતના જેટલા સુવર્ણચંદભાઈ કે સોનાલતાબેનો દેખાય છે એ બધા ં મૂળ ઈમ્પોર્ટ થયેલા એટલે કે પરદેશથી આવેલા જ છીએ. એટલે અમને અંગ્રેજી વધારે ફાવે છે. અહીં તો હું જસ્ટ ન્યુટ્રિશિયન બાબતે ટિપ્સ લેવા જ આવ્યો હતો. બાકી મારે તમારું કોઈ ઈન્જેક્શન કે ચૂરણ નથી જોઈતાં.'
    ડો. સટોડિયા હજુ કાંઈ સારવાર કરે એ પહેલાં દડદડતાં પહોંચી આવેલા ક્રૂડે સીધું ડોક્ટર સામેની ખુરશીમાં જ ગોઠવાઈ જાઈને કહ્યું, 'ડોક્ટર, જલ્દી કરો. મને બહુ આફરો ચઢ્યો છે. કેટલાય ટાઈમથી પેટનો ઘેરાવો ૧૦૦ની ઉપર ને ઉપર જ રહે છે. મને ગેસ ચઢ્યો છે એમાં આખી દુનિયા ગોટે ચઢી છે.'
    ડો. સટોડિયા સટ્ટાક દઈને ઉભા થતાં કહે, 'ભઈ, કાંઈ ખાવામાં આવી ગયું હતું?'
    ક્રૂડ માંડ માંડ શ્વાસ લેતાં કહે, 'આ લડાઈની બધી આઈટમો. શિપ પર ફેંકાતાં રોકેટ્સ, બંદરો પર ફેંકાતાં બોમ્બ, આખાય અખાતમાં ઉડતા ડ્રોન અને બાકી હોય તેમ નેતાઓનાં નિવેદનો ઝાપટી ઝાપટીને મને આફરો ચઢ્યો છે. આ ક્યાં જઈને અટકશે તે ખબર પડતી નથી.'
    ડો. સટોડિયા તેમનો કબાટ ફંફોસવા લાગ્યા. 'તમને શાંતિ કે સમાધાન બ્રાન્ડનું એકાદું ઈન્જેક્શન આપવું પડશે તો જ તમારો આફરો ઘટશે.'
    ડોક્ટર આ ઈન્જેક્શન શોધી રહે તે પહેલાં કમ્પાઉન્ડર વાયદો અંદર ચીસો પાડતાં પાડતાં આવ્યો. 'ડોક્ટર ચાંદી… ડોક્ટર ચાંદી…'
    ડો. સટોડિયા હરખાતાં હરખાતાં કહે, 'હેં ચાંદી? હા, ચાંદી, આપણને તો કાયમ ચાંદી જ ચાંદી…'
    વાયદો કહે, 'અરે ના ડોક્ટર, આ ચાંદી તો સામી દિવાળીએ માંદી પડી છે. હજુ દસ મહિના પહેલાં હતી એના કરતાં અડધી થઈ ગઈ છે.'
    ત્યાં તો મુડદાલ જેવી ચાંદી બાઈ અંદર પ્રવેશી. સાવ નિસ્તેજ શરીર, અંદર ઉતરી ગયેલી આંખો અને જાણે હીર ચુસાઈ રહ્યું હોય એવો દેખાવ…
    'ઓહ… ચાંદીની આ હાલત….આ તો મારે જ ઝેર ઘોળવાનો ટાઈમ આવશે…' એવી ચીસ સાથે ડો. સટોડિયા ખુદ ફલોર પર ઢળી પડયા. સોનું કુમાર અને ક્રુડ એકબીજા સામે જોઈ રહ્યા.
    સ્માઇલ ટીપ
    ચાંદી જલ્દી કાળી પડી જાય, દસ મહિના પહેલાં ચાંદી લઈ રાખી હતી એ બધાના ચહેરા પણ કાળા પડી ગયા છે.