Business Plus

ત્રીજા વિશ્વયુદ્ધ માટે ચેસના પ્યાદાં ગોઠવાઇ રહ્યાના સંકેત

By GS Team
23 Aug 20264 mins read
TukuTouch Logo
રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. રશિયા પાસેથી ખરીદી પર 500% ટેરિફની વાત કરનાર ટ્રમ્પના મિત્ર ગ્રેહામ લીન્ડસેનું આકસ્મિક મૃત્યુ થયું. ઝેલેન્સકી-નેતન્યાહુએ ટ્રમ્પને મળ્યા બાદ કેસ્પિયન સમુદ્રમાં યુક્રેને ઈરાની જહાજ ઉડાવ્યું. ચીન, ઉત્તર કોરિયા રશિયાને, જ્યારે અમેરિકા, યુકે યુક્રેન-ઈઝરાયેલને મદદ કરી રહ્યા છે. વૈશ્વિક મંદી વચ્ચે શસ્ત્રોની હોડ યુદ્ધને વેગ આપી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રીજા વિશ્વયુદ્ધ માટે ચેસના પ્યાદાં ગોઠવાઇ રહ્યાના સંકેત

જેઓને ઇતિહાસનો અભ્યાસ હશે એમને ખબર હશે પ્રથમ વિશ્વ યુદ્ધ ભલે ઓગણીસમી સદીમાં થયું પરંતુ તેની અંડર કરંટ શરૂઆત તો અઢારમી સદીમાં જ થઈ ગયેલી. ૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ બાદ યુરોપમાં ફેલાયેલી સામ્રાજ્ય વિસ્તાર વાદની નીતિ, બીજા દેશોને ગુલામ બનાવવાની હોડ, ગુપ્ત સંધિઓ, શસ્ત્રો બનાવવાની ચડસાચડસીએ યુરોપને એક દારૂગોળા પર બેસાડી દીધેલું. જે ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં યુરોપને એક સ્ટેજ પર લાવીને રાખી દીધું હતું કે જેને જરૂર હતી એક ચિનગારીની જ. ઑસ્ટ્રિયાના રાજકુમાર ફર્ડિનાન્ડની આર્કડયુકની હત્યા થઈ એ સામાન્ય ઘટનાએ ચિનગારીનું સ્વરૂપ ધારણ કરીને સમગ્ર યુરોપને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ધકેલી દીધું.
આજે પણ વિશ્વ આવી જ બધી ઘટનાઓથી ઘેરાઈ ગયું હોય એમ લાગે છે. ઇઝરાયલ અને રશિયા ખુલ્લમ ખુલ્લા સામ્રાજ્યવાદી નીતિ અપનાવી રહ્યા છે તો ચાઈના છાનામાના વિસ્તારવાદી થઇ રહ્યું છે. જે રીતે જીઓ પોલિટિકલ વિશ્વ બદલાઈ રહ્યું છે તેના ડોટ જોડતા આપણને થાય કે કદાચ ત્રીજા વિશ્વયુદ્ધના બીજ તો નથી રોપાઈ રહ્યા ને?
વિશ્વમાં બે મોટા યુધ્ધ ચાલી રહ્યા છે એક રશિયા અને યુક્રેન વચ્ચે અને બીજું ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે. હાલમાં જે ઘટનાઓ બની છે એ જોતા એમ લાગે છે ભવિષ્યમાં કંઇક નવા જૂની જરૂર થશે. રશિયા પાસેથી જે કોઈ ખરીદી કરે તેના પર ૫૦૦% ટેરીફ નાખવાની વાત કરનાર ગ્રેહામ લીન્ડસેનું આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થયું. જે ટ્રમ્પના અંગત મિત્ર હતા. ગ્રેહામ લીન્ડસે મૃત્યુના એક દિવસ પહેલા જ હજુ યુક્રેન જઈને આવે છે. આ પછી જેલન્સકી અને નેતાન્યાહુ બંને અમેરિકાની મુલાકાત લે છે. જેમાં બંને નેતાઓ અલગ અલગ રીતે ટ્રમ્પને મળે છે. પાછલા બારણે ત્રણેય સાથે મળ્યા હશે એવી પણ આશંકા જાય છે. આજ સમય ગાળામાં એક બીજી પણ નોંધનીય ઘટના બને છે. જેમાં કેસ્પીયન સમુદ્રમાં ઈરાનથી રશિયા એક જહાજ જઈ રહ્યું હતું તેને યુક્રેને ઉડાવી દીધુ. કારણ એવું આપવામાં આવ્યું કે ઈરાન રશિયાને હથિયાર પહોચાડે છે. જેનો ઉપયોગ યુક્રેન સામે થવાનો હતો. જો કે પાછળથી યુક્રેને ભૂલ થઇ ગઈ હતી એમ સ્વીકારતા વાત આગળ વધી નહિ પરંતુ આ તરફ ઈરાનના ગળે પણ વાત ઉતરી નહિ.
બીજી તરફ જુવો તો ઉત્તર કોરિયાએ રશિયાને અસંખ્ય આર્ટિલરી શેલ અને બેલિસ્ટિક મિસાઈલો પુરી પાડી છે. યુક્રેન સામે લડવા માટે હજારો ઉત્તર કોરિયન સૈનિકો પુરા પાડવામાં આવ્યા છે. ચીન રશિયાને સીધા શસ્ત્રો આપવાનો ઇનકાર કરે છે, પરંતુ શસ્ત્રો અને ડ્રોન બનાવવા માટે જરૂરી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ચિપ્સ અને મશીનરી પૂરી પાડે છે.
રશિયા અને ઈરાન પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો હોવા છતાં, ચીન તેમની પાસેથી સસ્તા દરે તેલ ખરીદીને તેમની અર્થવ્યવસ્થાને ટેકો આપે છે. અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના દેશો યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ, એરક્રાફ્ટ અને મિસાઇલો પૂરી પાડે છે.
તે જ સમયે ઇઝરાયલને લશ્કરી અને સંરક્ષણ સહાય આપે છે. યુએસ અને યુકેની સેનાઓ રાતા સમુદ્રમાં હુથી બળવાખોરોના ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં સક્રિય છે. બેલારુસે રશિયાને પોતાના સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ કરવા આપીને યુક્રેન પર ઉત્તર દિશામાંથી હુમલો કરવામાં મદદ કરી છે. યમન (હૂથી બળવાખોરો) પણ ઈરાનના ડ્રોન અને મિસાઈલ સહાયથી લાલ સમુદ્રના વેપારી જહાજો અને ઈઝરાયલ પર હુમલા કરી રહ્યું છે. લેબનાન (હિઝબુલ્લાહ) અને સિરિયા/ઈરાક પણ ઈઝરાયલ સામે રોકેટ અને ડ્રોન યુદ્ધ કરી રહ્યા છે.
યુ.એ.ઈ, સાઉદી અને બહેરીન જેઓ ઈરાન સમર્થિત હુમલાઓનો સામનો કરવા સંરક્ષણ મજબૂત કરી રહ્યા છે અને પશ્ચિમી એર ડિફેન્સ સિસ્ટમ્સ તેમને મદદ કરી રહી છે. આમ ઘણા દેશ સાથે છે તો ઘણા દેશ સામ સામે છે. જો કોઈ એવી ઘટના વળાંક લઇ લે તો પ્રથમ યુદ્ધની સામાન્ય ઘટનાએ વિશ્વને ભરડામાં લઇ લીધું આવું આજે પણ બની શકે છે.
આ ઉપરાંત અમેરિકા અને યુરોપ ભયંકર મંદીનો સામનો કરી રહ્યાં છે. જાપાન પણ હવે શસ્ત્રોના ઉત્પાદનમાં ઝંપલાવી રહ્યું છે. અમેરિકા-યુરોપનું અર્થતંત્ર તો શસ્ત્રના વેચાણ પર જ ઘણું નિર્ભર છે. ભારત પણ હવે તો બ્રહ્મોસ જેવા શસ્ત્રો વિશ્વને વેચી રહ્યું છે. બધા જ મોટા દેશોને પોતાની મંદી દુર કરવા શસ્ત્રો વેચવા છે. જો શસ્ત્રોનું માર્કેટ આટલું ગરમ હોય તો સ્વભાવિક જ છે કે શસ્ત્રોનું કરવાનું શું? અંતે તો યુદ્ધમાં જ વપરાવાના ને! પશ્ચિમી દેશો પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમનું વિહંગાવલોકન કરીએ તો એમ લાગે કે પ્રથમ વિશ્વયુદ્ધની જેમ જ ત્રીજા વિશ્વ યુદ્ધના ચેસના પ્યાદાઓ નથી ગોઠવાઈ રહ્યા ને?

  • પરેશ કે. ભટ્ટ