Business Plus

રાજ્યોનું વધતું દેવું અને ખાધ અર્થતંત્ર માટે ચિંતાનું કારણ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
'ઇકરા'ના અહેવાલ મુજબ, રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલી આશરે રૂ. 24 લાખ કરોડની સિક્યોરિટીઝ 2027-28 અને 2031-32 વચ્ચે પાકશે. માર્ચ 2026ના અંતે, રાજ્યોની કુલ બાકી સિક્યોરિટીઝ રૂ. 73 લાખ કરોડ હતી. રાજ્યોએ દેવું ચૂકવવા અને નાણાકીય ખાધને પહોંચી વળવા નવા ભંડોળ એકત્ર કરવા પડશે, જે બજારમાં દેવાના ખર્ચને અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યોનું વધતું દેવું અને ખાધ અર્થતંત્ર માટે ચિંતાનું કારણ

રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલી લગભગ એક તૃતીયાંશ સિક્યોરિટીઝ નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮ અને ૨૦૩૧-૩૨ વચ્ચે પરિપક્વ થશે, જે કુલ રૂા. ૨૪ લાખ કરોડ થશે. માર્ચ ૨૦૨૬ ના અંતમાં, રાજ્ય સરકારોની કુલ બાકી સિક્યોરિટીઝ આશરે રૂા. ૭૩ લાખ કરોડ હતી. રાજ્ય સરકારોએ પરિપક્વ દેવું ચૂકવવા માટે નવા ભંડોળ એકત્ર કરવા પડશે અને નાણાકીય ખાધને આવરી લેવા માટે નવી સિક્યોરિટીઝ પણ જારી કરવી પડશે. આનો અર્થ એ છે કે આગામી વર્ર્ષોમાં રાજ્ય સરકારો તરફથી આવી નોંધપાત્ર સંખ્યામાં સિક્યોરિટીઝ વહેતી રહેશે, જે સ્વાભાવિક રીતે બજારમાં દેવાના એકંદર ખર્ચને અસર કરશે તેમ ઈકરા દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું.
તાજેતરના વર્ર્ષોમાં આ સિક્યોરિટીઝના પાકતી મુદતમાં થોડો સુધારો થયો હોવા છતાં, તેમના ઇશ્યુનું પ્રમાણ પણ ઘણું ઊંચું રહ્યું છે. માર્ચ ૨૦૨૦ થી, બાકી રાજ્ય સરકારની સિક્યોરિટીઝનું કદ બમણાથી વધુ થઈ ગયું છે, જે આ સમયગાળા દરમિયાન ૧૪ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યું છે. તેની તુલનામાં, કેન્દ્ર સરકારનું દેવું આ સમયગાળા દરમિયાન વાર્ષિક માત્ર ૧૨ ટકાના દરે વધ્યું છે.
રાજ્યના દેવામાં ઝડપી વધારો થવાનું એક મુખ્ય કારણ તેમની વધતી જતી બજેટ ખાધ હોઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જાન્યુઆરી ૨૦૨૬ ના રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ પરના અહેવાલ મુજબ, રાજ્યોની કુલ બાકી જવાબદારીઓ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના ૨૫.૩ ટકા હતી, જે ૨૦૨૫-૨૬ ના બજેટ અંદાજમાં વધીને ૨૯.૨ ટકા થઈ ગઈ છે. આ ગુણોત્તરને ઝડપથી ઘટાડવાની જરૂર છે, જેના માટે નાણાકીય ખાધમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જરૂર પડશે.
કેટલાક વર્ષો સુધી, રાજ્યોની કુલ રાજકોષીય ખાધ જીડીપી ના ૩ ટકાથી નીચે રહી હતી, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં તે વધીને ૩.૩ ટકા થઈ ગઈ છે અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં પણ તે જ રહેવાનો અંદાજ છે.
બજેટ ખાધ ઘટાડવા માટે, રાજ્યોએ ખર્ચ ઘટાડવો પડશે અને આવક વધારવી પડશે. સોળમા નાણા પંચ દ્વારા ૨૧ રાજ્યો પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ, આ રાજ્યોમાં સબસિડી ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદનના ૨.૨ ટકા હતો, જે ૨૦૨૫-૨૬ માં વધીને ૨.૭ ટકા થયો હતો.(બજેટ અંદાજ). આમ, કુલ મહેસૂલ ખર્ચના આશરે ૨૦ ટકા સબસિડી પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
ઘણા રાજ્યોમાં સ્ટેમ્પ ડયુટી દર એટલા ઊંચા છે કે રિયલ એસ્ટેટ વ્યવહારોમાં ખરીદદારો અને વેચાણકર્તાઓ મિલકતના વાસ્તવિક મૂલ્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછા ભાવ દર્શાવે છે. તેથી, યોગ્ય સ્ટેમ્પ ડયુટી દરો નક્કી કરીને અને દેખરેખ પ્રણાલીઓને વધુ અસરકારક બનાવીને મહેસૂલ સંગ્રહમાં વધારો કરી શકાય છે. રાજ્યોની કરવેરા સિવાયની આવક લગભગ એક દાયકાથી જીડીપીના ૧ ટકા પર સ્થિર રહી છે.