Business Plus

લોકપ્રિય યુપીઆઇ સિસ્ટમમાંથી આવક રળી લેવાની સરકારી ચાલ પર પ્રજાના ત્વરીત પ્રત્યાઘાત

By GS Team
9 Aug 20266 mins read
લોકપ્રિય યુપીઆઇ સિસ્ટમમાંથી આવક રળી લેવાની સરકારી ચાલ પર પ્રજાના ત્વરીત પ્રત્યાઘાત
  • યુપીઆઇના ટ્રાન્ઝેકશન પર ચાર્જ લેવાની વાત કરીને મોદી સરકારે સામે ચાલીને પેટમાં શૂળ ઉભું કર્યું છે
  • કોર્પોરેટ પ્લસ- ગણેશ દત્તા
  • જેનું ગયા મહિનાનું ટર્ન ઓવર ૨૯.૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે તે યુપીઆઇ પેમેન્ટ પર ટ્રાન્ઝેકશનના પૈસા લેવાની વાત કરીને સરકારે વિવાદનો મધપૂડો છંછેડયો છે.
  • રિઝર્વ બેંકે કરેલી સ્પષ્ટતા પણ લોકોને ગળે ના ઉતરતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને સરળ ભાષામાં કહ્યું હતું કે યુપીઆઇ ટ્રાન્ઝેકશનમાં કોઇ પૈસા નહીં લેવાય. ત્યારે લોકોને ટાઢક વળી હતી કે યુપીઆઇ સલામત છે

યુપીઆઇના ટ્રાન્ઝેકશન પર ચાર્જ લેવાની વાત કરીને મોદી સરકારે સામે ચાલીને પેટમાં શૂળ ઉભું કર્યું છે. પહેલાં ટ્રાન્ઝેકશનની જાહેરાત કરી અને પછી ખુલાસો કરવો પડયો . તો પણ લોકોને સંતોષ ના થતાં રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરવા મેદાનમાં આવવું પડયું હતું.
મોદી સરકારના ખાતાઓ વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ હોવાનું વારંવાર જોવા મળે છે. જેમાં ઇથેનોલ બ્લેન્ડીંગથી માંડીને યુપીઆઇ પેમેન્ટ સુધીનો સમાવેશ થાય છે. શાંત પાણીમાં પથરા નાખવાની મોદી સરકારની ટેવના કારણે તે વારંવાર વિપક્ષોના ટાર્ગેટ પર આવી જાય છે. યુપીઆઇ પેમેન્ટ હવે જ્યારે લાખો લોકો વાપરી રહ્યા છે અને જેનું ગયા મહિનાનું ટર્ન ઓવર ૨૯.૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે ત્યારે યુપીઆઇ પેમેન્ટ પર ટ્રાન્ઝેકશનના પૈસા લેવાની વાત કરીને સરકારે વિવાદનો મધપૂડો છંછેડયો છે.
વિવાદ એવો ચગ્યો કે રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરવી પડી કે તાત્કાલીક કોઇ વિચારણા નથી અને કોમન મેનને કોઇ લેવાદેવા નથી. વેેપારી વર્ગ જ્યારે બીજા વેપારીને મોટી રકમ મોકલે ત્યારે તેના પર નક્કી થયા પ્રમાણેનો ચાર્જ લેવાશે. ૨૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેકશન પર ચાર્જ લેવાશે તે વાત દરેકને સ્પર્શતી હતી.
હાલમાં યુપીઆઇ ટ્રાન્ઝેકશન મફતમાં છે. સામાન્ય રેંકડીવાળાથી માંડીને વેપારી વર્ગ સુધીનાઓ ઓનલાઇન પેમેન્ટ કરવામાં ફાવટ ધરાવતા થઇ ગયા છે. સામાન્ય ખરીદીના પેમેન્ટ ખાસ કરીને ખુમચાવાળાઓ પણ પોતાની સાથે સ્કેનર રાખતા થઇ ગયા છે.
યુપીઆઇએ દેશમાં રોકડ ચૂકવણીની સિસ્ટમ બદલી નાખી હતી અને દરેકે તેને આવકારી પણ હતી.
જ્યારે રિઝર્વ બેંકે કરેલી સ્પષ્ટતા પણ લોકોને ગળે ના ઉતરતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને સરળ ભાષામાં કહ્યું હતું કે યુપીઆઇ ટ્રાન્ઝેકશનમાં કોઇ પૈસા નહીં લેવાય. ત્યારે લોકોને ટાઢક વળી હતી કે યુપીઆઇ સલામત છે. યુપીઆઇના પેમેન્ટની સવલતની પ્રશંસા કરીયે એટલી ઓછી છે. લોકો ખિસ્સામાં રોકડ રાખતા બંધ થઇ ગયા છે. છૂટા પૈસાના ઝગડામાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. ઓટો રીક્ષાથી માડીને કેબના ભાડા અને શાકભાજી વેચનારા પણ સ્કેનરથી પૈસાનો વહિવટ કરતા થઇ ગયા છે. યુપીઆઇની સિસ્ટમ એટલી સરળ બનાવાઇ છે કે ઓછું ભણેલી વ્યક્તિ પણ તે ચપટીમાં શીખી શકે છે. મોટી ખરીદી કરીને લોકો સ્કેનર શોધતા જોવા મળે છે. વિદેશમાં પણ કેટલાક દેશોમાં ભારતની યુપીઆઇ સિસ્ટમ શરૂ થઇ છે. એટલેકે ભારતની કરંસીનો વ્યવહાર થઇ શકે છે.
બેંકોમાં ઝીરો બેલેન્સથી બચત ખાતા ખોલાયા બાદ યુપીઆઇ સાથે તે લીંક કરી શકાતું હતું. નાના મોટા દરેક વેપારમાં યુપીઆઇ હવે પેમેન્ટનો પર્યાય બની ગયું છે. લોકો ખિસ્સામાં રોકડ રાખતા બંધ થઇ ગયા હતા તેમજ છૂટા પૈસા કે પરચુરણના કારણે થતા ઝગડાઓ પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. યુપીઆઇની સફળતા પાછળ ઝીરો બેંક એકાઉન્ટ રહેલા છે. તેના કારણેજ લોકો યુપીઆઇનો ઉપયોગ કરતા થયા છે. વિવાદ ત્યારે થયો કે જ્યારે નાણા મંત્રાલયે સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ(એમેન્ડમેન્ટ) બીલ ૨૦૨૭ રજૂ કર્યું ત્યારે તરતજ એવી વાતો વહેતી થઇ હતી કે સરકાર આ બીલના પગલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (સ્ઘઇ) પણ દાખલ કરશે.
જ્યારે વિપક્ષ દ્વારા સરકારના દરેક પગલાંનો વિરોધ થઇ રહ્યો છે તેવા સમયેજ યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારનું બીલ આવ્યું હતું. બીલમાં ટ્રાન્ઝેકશન ફીની કોઇ વાત નથી છતાં બીલની વિગતોને તોડી મરોડીને લોકો ડરી જાય તે રીતે બહાર લવાઇ હતી. ૨૦૦૦ના ટ્રાન્ઝેશન પર ચાર્જ લાગશે તેવી વાતોએ લોકોને ડરાવી મુક્યા હતા. એમડીઆર તરીકે ઓળખાતો મર્ચન્ટ ડિસકાઉન્ટ રેટ યુપીઆઇ સિસ્ટમમાં દાખલ કરવા અંગેની કાર્યવાહીમાં કાચું કપાયું હતું. જે દરખાસ્ત મુકાઇ હતી તેમાં ૨૦૦૦ ઉપરના ટ્રાન્ઝેેકશનમાં ૦.૩ થી ૦.૫ ટકા જેટલી ફી લેવાની વાત છે પરંતુ તે નો બોજ ગ્રાહક પર નહોતો પડવાનો તેનો બોજ સામાવાળા વેપારી પર પડવાનો હતો. જોકે આ ચાર્જ દોઢ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા દુકાનદારો પાસેથી વસુલવાનો હતો. નાનો વેપાર કરનારા, શાકભાજીવાળા કે ઓેટોરીક્ષા ટ્રાઇવરોનું ટર્નઓવર ક્યારેય દોઢ કરોડનું ના હાઇ શકે માટે સમાન્ય પ્રજા પર કોઇ ફી કે વધારાનું ચૂકવવાનું આવવાનું નથી.
રિઝર્વ બેંકના વિજય મલ્હોત્રા કરતાં વધુ સરળ ભાષામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને સમજાવ્યું હતું કે સામાન્ય પ્રજાને ચિંતા કરવાની જરૂર નથી.
જ્યારે એવી વાતો વહેતી થઇ કે યુપીઆઇના રૂપિયા ૩૦૦૦ના પેમેન્ટના ટ્રાન્ઝેકશન પર ચાર્જ લેવાશે ત્યારે કરાયેલા એક સર્વેમાં જણાયું હતું તે જો નવો કાયદો આવશે તો ૫૩ ટકા લોકો યુપીઆઇ વાપરવાનું બંધ કરી દેશે. કેટલાકે એમ કહ્યું હતું કે સરકાર કાયદો લાવવાની વેતરણમાં હતી પણ વિપક્ષ એેટલો મજબૂત છે કે સરકાર ચાર્જ લગાવી શકતી નથી.
કેટલાક આર્થિક નિષ્ણાત બનીને ફરતા યુ ટયૂબરોએ વાતનું વતેસર કરી નાખ્યું હતું. તેમણે ટ્રાન્ઝેકશન પર કેટલા પૈસા લેવાશે અનેે સરકાર કેટલી કમાણી કરશે તેનું કોષ્ટક પણ લોકો સમક્ષ મુકી દીધું હતું.
કેટલાકે કહ્યું હતું કે બેંકોમાં મિનિમમ બેલેન્સના કેસમાં પ્રજાને લૂંટતી બેંકો સામેની વારંવારની રજૂઆતો છતાં સરકાર બેંકોને કોઇ આદેશ કરી શકતી નથી જે બતાવે છે કે સરકાર પ્રજા લૂંટાય ત્યારે આંખ બંધ કરીને બેસી રહે છે. કેટલાક માને છે કે સરકાર પ્રજાને ખંખેરીને આવક ઉભી કરવા માંગે છે.
ભારતની ડિજીટલ ઇકો સિસ્ટમને યુપીઆઇ પેમેન્ટે મજબૂત બનાવી છે. યુપીઆઇના પેમેન્ટ પર કોઇ મર્ચન્ટ ફી લેવાતી નહોતી. ક્રેડીટ કાર્ડની સિસ્ટમમાં મર્ચન્ટ ફી લેવાય છે કેમકે તે એમડીઆર હેઠળ આવે છે. સરકારે જ્યારે યુપીઆઇને એમડીઆર હેઠળ લાવવાના પ્રયાસ કર્યા કે તરતજ હોબાળો થયો હતો.
એક તરફ યુપીઆઈના ટ્રાન્ઝેક્શન સતત નવા રોકોર્ડ રચી રહ્યા હતા એમડીઆરનું ગતકડું ઉભું કરીને પ્રજાને મૂંજવી મારી હતી. સરકાર યુપીઆઇ પરના મોટા ટ્રાન્ઝેકશન પર ચાર્જ લેવાનું નક્કી કરવાનું વિચારતી હતી.
સરકારે સ્પષ્ટ કહ્યું છેકે યુપીઆઇ ટ્રાન્ઝેકશન ફ્રી છે. યુપીઆઇની આખી સિસ્ટમ જેવીકે બેંકમાં ખાતું ખોલાવવું, યુપીઆઇનું પ્લેટફોર્મ નક્કી કરવું ,એપ પરથી પેમેન્ટ કરવું વગેરે પારદર્શક સિસ્ટમ છે. અહીં એક આડ વાતઃ યુપીઆઇના ઉપયોગ કરનારા કહે છે કે રોજીંદા ખર્ચામાં યુપીઆઇનો ઉપયોગ કરવાથી ખર્ચ વધુ થાય છે. ભલે જરૂરી ચીજો ખરીદાતી હોય પરંતુ ખરીદી ફટોફટ કરવા પાછળનું એક કારણ યુપીઆઇ છે. જ્યારે ખિસ્સામાંથી રોકડ કાઢવી પડતી હતી ત્યારે ખિસ્સામાં જેટલા પૈસા હોય એટલીજ ખરીદી કરાતી હતી. જ્યારે યુપીઆઇ મારફતે ખરીદીમાં બેંકનું આખું બેલેન્સ હાથમાં હોય છે.
જ્યારે ખિસ્સામાં રોકડ સાથે ખરીદી કરવાની હતી ત્યારે મર્યાદીત ખરીદી કરાતી હતી તે હકીકતથી દરેક પરિચીત છે. જેટલા પૈસા હોય એટલીજ ખરીદી વાળું સૂત્ર યુપીઆઇમાં કામ નથી લાગતું કેમકે સિસ્ટમ બેંકના બેલેન્સ સાથે સંકળાયેલી હોય છે. કેટલાક લોકોએ બે મહિના માટે યુપીઆઇથી ખરીદી ટાળી હતી. જેના કારણે તેમને બચત જોવા મળી હતી. ખરીદીની અને ચૂકવણી એમ બંને સિસ્ટમ યુપીઆઇના કારણે આસાન બની ગઇ હતી. પરંતુ રોજીંદા સ્તરે યુપીઆઇનો વપરાશ કરનારા જાણે છે ફટાફટ ચૂકવણીના કરાણે ખર્ચ પર અંકુશ રહેતો નથી.
૧૧ એપ્રિલ-૨૦૧૬ના રોજ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાથે રહીને દેશભરમાં જ્યારે યુપીઆઇ સિસ્ટમ શરૂ કરી ત્યારે ભારતમાં તે ગણત્રીના વર્ષોમાં લોકો માટે પૈસા ચૂકવણીનું સૌથી લોકપ્રિય માધ્યમ બની જશે તેની કોઇએે કલ્પના પણ નહોતી કરી. શરૂઆતમાં જે ટ્રાન્ઝેક્શન બે કરોડનું હતું તે દશ વર્ષમાં ૨૦૨૫-૨૬માં ૨૪,૦૦૦ કરોડને વટાવી ગયું હતું. કોઇ ભારતીય કુટુંબ એવું નહોતું કે તેણેે યુપીઆઇથી પૈસા ના ચૂકવ્યા હોય કે તે માધ્યમથી પૈસા ના લીધા હોય.