Business Plus
હવે પેમેન્ટમાં પણ રોકડનો એઈટીઝનો ટ્રેન્ડ આવશે... મૂકો ફોટા!
By GS Team
20 Sep 20263 mins read
બેન્કના કરન્સી ચેસ્ટ રૂમમાં 10 રૂપિયાની નોટ UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થતા ખુશ થઈ નાચવા લાગી. જોકે, અન્ય નોટોએ મોંઘવારી અને રૂપિયાના ઘટતા મૂલ્યની યાદ અપાવી. 500ની નોટે 1000 અને 2000ની નોટનું ઉદાહરણ આપી અભિમાન ન રાખવાની શીખ આપી. 200ની નોટે પૂછ્યું કે આ વાત માત્ર નોટોને જ લાગુ પડે છે કે મોટા નેતાઓને પણ?
Summarized by AI; it may make mistakes. Check important info
બેન્કના કરન્સી ચેસ્ટ રૂમમાં 10 રૂપિયાની નોટ UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થતા ખુશ થઈ નાચવા લાગી. જોકે, અન્ય નોટોએ મોંઘવારી અને રૂપિયાના ઘટતા મૂલ્યની યાદ અપાવી. 500ની નોટે 1000 અને 2000ની નોટનું ઉદાહરણ આપી અભિમાન ન રાખવાની શીખ આપી. 200ની નોટે પૂછ્યું કે આ વાત માત્ર નોટોને જ લાગુ પડે છે કે મોટા નેતાઓને પણ?
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
બેન્કના કરન્સી ચેસ્ટ રુમમાં અચાનક દસ રુપિયાની નોટ ઉભી થઈને નાચવા લાગી. 'દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે…'
૫૦ની નોટે તેને ટપારી, 'લ્યા, આ પાછલાં દસ-બાર વર્ષમાં કોઈનાય અચ્છે દિન ન આવ્યા ને તારી એકલીના આવી ગયા?'
દસની નોટ એકદમ ફૂલીને ફાળકો થઈને કહે, 'યાર, હવે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ આવી ગયો છે. એટલે લોકો કેશ જ વાપરવાના. મારો તો વપરાશ સાવ બંધ જેવો થઈ ગયો હતો, કારણ કે લોકો કટિંગ ચા પીવા માટે પણ યુપીઆઈથી પેમેન્ટ કરતા હતા. હવે બધાએ નોટો કાઢવી પડશે નોટો. અત્યારે પબ્લિક પેલા એઈટીઝના ફોટા બનાવડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે ને તો સરકારે લાવી આપ્યો તમામ પેમેન્ટ પણ રોકડેથી જ કરવાનો ટ્રેન્ડ. હવે પબ્લિક નાની નાની ખરીદીઓમાં પણ નોટો વાપરશે અને આપણા ફોટા મૂકીને કેપ્શન લખશે કે આજે તો એઈટીઝની સ્ટાઈલથી દસની નોટ વટાવી.'
'અલી, અમથી ઠેકડા ન માર. પબ્લિક નોટો વાપરવા માંડશે તો પણ તારો જમાનો તો પાછો નહીં જ આવે.' ૨૦ની નોટ જાણે ઠેકડી ઉડાડતી હોય તેમ બોલી. 'બહાર મોંઘવારી જોઈ છે? આ ખાંડ , દૂધ, રાંધણગેસના ભાવ વધ્યા પછી ક્યાંય દસ રુપિયામાં તો કટિંગ ચા પણ નથી મળતી.'
૫૦ની નોટ ખોંખારો ખાઈને કહે, 'સત્ય વચન…સત્ય વચન! અને જે ઝડપે મોંઘવારી વધતી જાય છે તેેને લીધે નહીં, પરંતુ જે રીતે પ્રજા વધતી મોંઘવારી નમાલી થઈને સ્વીકારી રહી છે તે જોતાં મને લાગે છે કે આગામી થોડાં વર્ષોમાં કટિંગ ચાના ૫૦ રુપિયા થઈ જ જશે.'
'લ્યા, બધા છાના રહો. કટિંગ ચાના લેવલમાં જ ખુશ થાઓ છો પણ એ વિચારો કે પેટ્રોલ ભરાવવા કે પછી શાક બજારમાં શાકભાજી લેવા જવામાં પણ તમે ૧૦-૨૦-૫૦ બધી નોટો નકામી છો. ત્યાં તો મારા જેવાનું જ કામ.' ૧૦૦ની નોટે ફૂંફાડો માર્યો.
ત્યાં તો ૫૦૦ની નોટ સળવળી. 'અલી સોવાળી, નાની નોટોની પજવણી રહેવા દે. આપણે મોટા છીએ તેનું અભિમાન રાખવું નહીં. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. જો હજુ થોડાં વર્ષો પહેલાં હજારની નોટને કેવું પોતે સૌથી મોટી નોટ હોવાનું અભિમાન હતું. પણ, એક જ ઝાટકે એ ઇતિહાસમાં નામશેષ થઈ ગઈ ને? એના પછી પેલી બે હજારવાળી નોટને તો પોતાના રંગ-રુપ, ડિઝાઈન બધાનું અભિમાન હતું. સરકાર એને પોતાની સિદ્ધિ તરીકે ખપાવતી હતી તેમાં તો એ કેવો રોફ મારવા માંડતી હતી. હવે જો, એને ચલણમાંથી નાબૂદ નથી કરી પરંતુ ચલણમાં પણ નથી એવી હાલત છે.'
અત્યાર સુધી આ બધી વાત ચૂપચાપ સાંભળતી ૨૦૦ની નોટે અચાનક સવાલ કર્યો, 'આ અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહેવાનું અને અત્યાર સુધી જેના પાછળ લોકો પાગલ હતા એ રીતે ચલણમાં રહ્યા પછી હવે કોઈ સુંઘતું પણ નથી એ વાત ફક્ત મોટી નોટોને જ લાગુ પડે કે મોટા મોટા નેતાઓને પણ લાગુ પડે?'
૫૦૦ની નોટ જાણે બહેરી બની ગઈ હોય એમ કોઈ જવાબ જ ન આપ્યો.
સ્માઇલ ટિપ
એવું નથી કે યુપીઆઈ પેમેન્ટ ચાર્જથી બધા નાખુશ છે, જેમ કે, આ નિર્ણયથી ખિસ્સાકાતરુઓ ખુશ થયા છે.




