કરકસર કે દિન બીતે રે ભૈયા, અબ ખર્ચો આયો રે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
સરકારી કચેરીઓમાં જાણે લગ્ન લેવાયાં હોય એ હદે ધામધૂમ મચી.
એક અધિકારીએ કહ્યું, 'બોસ માટે આપણે ૩૫ લાખ વાળી ગાડી છ મહિના પહેલાં લેવાના હતા તે કેન્સલ રાખ્યું હતું, હવે નવી ગાડીના ઓર્ડર આપો.'
કલાર્ક કહે, 'નવી ગાડીનું બજેટ?'
અધિકારી તતડાવતાં કહે, 'ડફોળ, હવે યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. પેટ્રોલ, ડીઝલના જથ્થાનાં નિયંત્રણો હટી ગયાં છે. બધાને માગે એટલી ગેસ બોટલ આપવાની જાહેરાત થઈ ગઈ છે. અરે મારા ભાઈ, હોર્મુઝની ખુલી ગઈ છે ખાડી એટલે લેવા માંડો નવી નવી ગાડી. સાહેબ માટે યુદ્ધ પહેલાં ૩૫ લાખની ગાડી લેવાના હતા તો હવે યુદ્ધ પછી ૪૫ લાખ વાળી મગાવો.'
કલાર્ક કહે, 'સાહેબ, તો પેલું હવે નવી ગાડી પેટ્રોલને બદલે ઈવી જ લાવવાના સરક્યુલરનું શું કરશું?'
'અરે મારા મૂરખ ભાઈ, બધા ઈવીવાળા ગાડી ફેરવશે તો સરકારના એક લીટર પેટ્રોલમાં પોણો લીટર ઈથેનોલ ભેળવવાના ઈરાદાનું શું થશે. પેટ્રોલવાળી જ ગાડી મગાવો.'
ત્યાં બીજી કચેરીમાં બીજી ધામધૂમ મચી હતી. સેક્રેટરી મંત્રીશ્રીને પૂછવા આવ્યા. 'સર, આપે ગામમાં પાણીની ડંકીના ઓટલાની ઈંટનું ભૂમિપૂજન કરવા જવાનું છે. તો કાફલામાં કેટલી ગાડી મૂકાવીએ.'
મંત્રી ખોંખારો ખાઈને કહે, 'યુદ્ધ પહેલાં મારા કાફલામાં કેટલી ગાડી હતી?'
સેક્રેટરી કહે, 'સાહેબ, આપના કાફલામા ઓરિજનલી ૨૭ ગાડી લેતી હતી. પછી કરકસરનાં પગલાં જાહેર થયાં એટલે ૨૭ની ઘટાડીને ૨૪ કરી હતી.'
મંત્રી બીજો ખોેંખારો ખાઈને કહે, 'તો હવે મારા કાફલામાં ૩૭ કાર કરો. મને કાંઈ બહુ ઠાઠમાઠનો શોખ નથી, પરંતુ શું છે કે પ્રજાને મેસેજ મળવો જોઈએ કે હવે કરકસરના દિવસો પૂરા થયા છે.'
ત્યાં તો મંત્રીશ્રીનાં ધર્મપત્ની આવ્યાં. 'હું શું કહું છું કે તમારા પેલા ટ્રમ્પસાહેબ હવે રાજી હોય તો અમે સોનું લેવા માંડીએ.'
મંત્રીશ્રી ગળગળા થતાં કહે, 'અમારા જ નહિ , તમારા અને તમારા જ નહિ, પરંતુ સમસ્ત દુનિયાના ટ્રમ્પ સાહેબ હવે રાજી રાજી જ છે. તમતમારે ઝટ જાઓ અને ચંદન હાર ઘડાવો…' પછી સેક્રેટરીને કહે, 'તમે જરા ઝવેરીઓનાં સંગઠન સાથે વાત કરી મારા જાહેર સન્માન સમારંભનું ગોઠવો એટલે હું ત્યાં જાહેરાત કરી દઉં કે વિશ્વ મોરચે દેશનો પ્રભાવ પડે એટલા માટે સોનું ખરીદવું કેટલું જરુરી છે.'
જોકે, એક બીજી સરકારી કચેરીમાં વાતાવરણ તંગ થઈ ગયું. બોસે જાહેરાત કરી કે, 'હવે કરકસરના દિવસો પૂરા થઈ ગયા હોવાથી હું આખા વર્ષમાં જેટલા વિદેશ પ્રવાસ કરવાનો હતો તે બધા આગામી એક જ મહિનામાં કરી નાખીશ. તૈયારીઓ શરુ કરો.'
જોકે તેમનો એકાઉન્ટ ઓફિસર વીલાં મોઢે તેમની પાસે આવ્યો. 'બોસ, વિદેશ પ્રવાસ માટે બજેટ ફાળવવાનું જરા અઘરું પડે તેમ છે.'
'કેમ? ઈઝરાયેલની જેમ તમને પણ હજુ યુદ્ધ ચાલુ રહે તેમા રસ છે?'
એકાઉન્ટ ઓફિસર કહે,'સર, એવું નથી. પણ તમારા વિદેશ પ્રવાસ માટે આપણે જે બજેટ બચાવ્યું હતું તે બધું કરકસરનાં પગલાંનો પ્રચાર કરવા માટે ઈન્ફ્લુએન્સરો પાસે કેટલાંય રીલ બનાવડાવ્યાં તેમાં વપરાઈ ગયું છે.'
બોસ નિસાસો નાખતાં કહે, 'જવા દો, આમેય યુરોપમાં અત્યારે બહુ ગરમી છે. ફરી ક્યારેક.'
સ્માઈલ ટિપ
કરકસર તો સરકારે જ કામચલાઉ ધોરણે કરવાની હતી. જનતા માટે તો યુદ્ધ પહેલાં કે યુદ્ધ પછી કરકસરથી જીવવાનું લમણે લખાયેલું છે.









