ભારતના બાસમતી ચોખાની અફઘાનિસ્તાન તરફ નિકાસ વધારવા ગોઠવાઇ રહેલો તખ્તો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ઘઉં- ચોખા તથા અનાજ બજારમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. જોકે બજારના ખેલાડીઓની એકંદર નજર દેશમાં ચોમાસાની પ્રગતી પર રહી છે. જોકે વરસાદની ધીમી ચાલ છતાં સરકાર પાસે અનાજનો સ્ટોક નોંધપાત્ર ઉંચો રહેતાં સરકારી તંત્રમાં અજંપો ઓછો રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકાર પાસે ચોખાનો રેકોર્ડ સ્ટોક નોંધાયો છે. આવો સ્ટોક ગયા વર્ષના જૂનની સરખામણીએ આ વર્ષે આશરે ૧૫ ટકા ઉંચો જોવા મળ્યો છે. દરમિયાન આ વર્ષે ચોખાના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૨૫થી ૨૬ લાખ હેકટર્સનો તાજેતરમાં નોંધાયો છે જે પાછલા વર્ષે આ ગાળામાં આ આંકડો ૩૪થી ૩૫ લાખ હેકટર્સનો નોંધાયો હતો. દેશમાં આ વર્ષે જૂનમાં વરસાદ અપેક્ષાથી ઓછો થયા પછી હવે જુલાઈમાં ચોમાસાની ચાલ કેવી રહે છે તેના પર અનાજ બજારની નજર રહી છે.
જુલાઈમાં વરસાદની ચાલ ગતી પકડશે તો દેશમાં ચોખાના વાવેતર હેઠળનો વિસ્તાર વધવાની શક્યતા પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં આ વર્ષે ૨૦૨૬-૨૭ની મોસમમાં ચોખાનું ઉત્પાદન જળવાઈ રહેવાની શક્યતા છે. સરપ્લસ સ્ટોક વધી ૨૮૦ લાખ ટન નોંધાયો છે. ભારતના વ્હાઈટ ચોખાના નિકાસ ભાવ થાઈલેન્ડના ચોખાના ભાવ કરતા નીચા રહ્યા છે. દરમિયાન, આ વર્ષે ઈરાન- અમેરિકા વચ્ચેના યુધ્ધના પગલે ભારતના બાસમતી ચોખાની ગલ્ફના દેશો તરફ થતી નિકાસ પર અસર પડી છે ત્યારે હવે ભારતના બાસમતી ચોખાની અફઘાનિસ્તાન તરફ નિકાસ વધવાની શક્યતા સર્જાઈ હોવાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસતા અફઘાનિસ્તાનના આયાતકારો હવે ભારત તરફ વળી રહ્યાના વાવડ મળ્યા હતા.
બાસમતી ચોખા માટે અફઘાનિસ્તાનના આયાતકારો તથા ભારતના નિકાસકારો વચ્ચે મિટિંગનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં બાસમતી ચોખાની વાર્ષિક માગ આશરે પાંચ લાખ ટન આસપાસ રહી છે. અફઘાનિસ્તાનના આયાતકારો આ પૂર્વે બાસમતી ચોખાની ઈમ્પોર્ટ પાકિસ્તાન ખાતેથી કરતા હતા પરંતુ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો વણસતાં હવે અફઘાનિસ્તાનના આયાતકારો ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. આ પૂર્વે ભારતના બાસમતી ચોખા ઈરાન તથા દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચતા હતા પરંતુ હવે ભારતથી ડાયરેક્ટ અફઘાનિસ્તાન તરફ બાસમતી ચોખાની નિકાસ શરૂ થવાની શક્યતા સર્જાઈ છે. જોકે અનાજ બજારનો અમુક વર્ગના જણાવ્યા મુજબ ભારતના બાસમતી ચોખાની નિકાસ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ પર થશે અને ત્યાંથી આ માલો અફઘાનિસ્તાન તરફ જવાની શક્યતા જણાય છે.દરમિયાન, અફઘાનિસ્તાન સાથે ભારતના બાસમતી ચોખાના નિકાસની જે વાતચીત ચાલી રહી છે તેમાં બાર્ટર ટ્રેડની વાત પણ ચર્ચાઈ રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતના બાસમતી સામે અફઘાનિસ્તાનની સુકામેવાઓ ભારતમાં આયાત થાય એ પ્રકારના બાર્ટર ટ્રેડની વાતચીત થઈ રહ્યાનું પણ બજારમાં સંભળાઈ રહ્યું છે.
દરમિયાન, ભારતમાં દક્ષિણ તરફ તેલંગણા રાજ્યમાં ચોખાના ઉત્પાદનમાં તાજેતરના વર્ષોમાં ભારતની વૃધ્ધિ થઈછે તથા તેલંગણા ખાતેથી દરીયાપાર ચોખાની નિકાસ વધારવા પણ પ્રયત્નો શરૂ કરાયાના સમાચાર મળ્યા હતા. તેલંગણામાં ચોખાનું ઉત્પાદન વધી ત્રણ કરોડ ટનને આંબી ગયું છે તથા ત્યાં ચોખાની સ્થાનિક માગ આશરે વાર્ષિક ૩૬ લાખ ટન આસપાસ રહી છે એ જોતાં તેલંગણામાં ચોખાનો સરપ્લસ સ્ટોક ઉંચો રહ્યો છે તથા આ સ્ટોકની નિકાસ વધારવા પ્રયત્નો શરૂ થયા છે.
દરમિયાન, ભારતમાં રેશન દુકાનો મારફત કરોડો જનતા સુધી પહોંચાડવામાં આવતા સરકારી ચોખાની ગુણવત્તા અપગ્રેડ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે તથા આવા ચોખામાં બ્રોકન ચોખાનું પ્રમાણ ઘટાડવામાં આવી રહ્યાના સંકેતો સરકારી સૂત્રોમાંથી મળ્યા હતા.









