Business Plus

તહેવારો સમયે જ ખાંડમાં તેજીનો ભડકો થતા હવે ડેમેજ કંટ્રોલ શરૂ

By GS Team
23 Aug 20263 mins read
TukuTouch Logo
અલ નીનોની અસરથી ખરીફ પાકને અસર થવાની શક્યતા વચ્ચે ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. એપ્રિલ-મેમાં ₹3700-3800 પ્રતિ ક્વિન્ટલ ખાંડ આજે ₹5500-5600 વટાવી ગઈ છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ 8-10 લાખ ટન ખાંડ વિદેશ પહોંચી ગઈ હતી. હવે 10 લાખ ટન કાચી ખાંડની આયાતની તૈયારી છે, અને આયાત ડ્યુટી ઘટાડાઈ શકે છે. સંગ્રહખોરી રોકવા સ્ટોક લિમિટ પણ લાગુ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો સમયે જ ખાંડમાં તેજીનો ભડકો થતા હવે ડેમેજ કંટ્રોલ શરૂ

કોમોડિટી કરંટ
અલ નીનોની અસરથી ખરીફ પાક ઉત્પાદનને અસર થવાની વકી જોવાઈ રહી છે. ત્યારે હાલમાં ખાંડની તેજી આજકાલ સરકાર માટે શિરદર્દ બની ગઈ છે. ચાલુ માસના અંતથી શરૂ થનાર તહેવારોની મોસમ ડિસેમ્બર સુધી ચાલતી હોવાથી ખાંડની ડિમાન્ડ આસમાને હોય છે. ગયા એપ્રિલ- મે માસમાં પ્રતિ ક્વિન્ટલે ૩૭૦૦થી ૩૮૦૦ની આસપાસની ખાંડની બજાર આજકાલ ઉછળીન ૫૫૦૦ થી ૫૬૦૦ની સપાટી વટાવી રહી છે. ત્યારે સરકાર સફાળી જાગીને સ્ટોક લિમિટથી માંડીને ખાંડની આયાત સુધીના પગલા લઈને ડેમેજ કંટ્રોલ કરવાની કસરત શરૂ કરી છે. ખાસ કરીને નવેમ્બર- ૨૦૨૫ દરમ્યાન સરકારે પહેલા તબક્કામાં ૧૫ લાખ ટન અને ત્યારબાદના તબક્કામાં વધારે પાંચેક લાખ મળીને સરેરાશ કુલ ૨૦ લાખ ટન ખાંડની નિકાસ માટે લીલી ઝંડી આપી હતી. જે પૈકી ૮થી ૧૦ લાખ ટન ખાંડ નિકાસ પણ થઈ ગઈ હોવાના અહેવાલો છે ખાંડની નિકાસનો નિર્ણય હાલમાં પગ ઉપર કુહાડી મારવા જેવો પુરવાર થઈ રહ્યો હોવાની ચાોેર્ચા છે !
વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદકો બ્રાઝીલ, ભારત અને થાઇલેન્ડ છે. તમામ ઉપરોક્ત દેશોમાં આજકાલ અલનીનોની અસર વર્તાઈ રહી છે. જો કે ભારતમાં જુલાઈ મધ્યથી માંડીને ઓગસ્ટ સુધીમાં શેરડી ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ મધ્યમથી માંડીને સારા પ્રમાણમાં હોવાથી શેરડીના પાકને નુકસાનની આશંકા ઓછી છેએ પરંતુ વર્ષ ૨૦૨૫-૨૬માં પણ અપેક્ષિત ઉત્પાદન નહિ થવા સામે વપરાશ વોલ્યુમમાં સતત વધારો થતાં ડિમાન્ડ સપ્લાયના સમીકરણો ઝડપથી બદલાઈ ગયા છે. સાથેસાથે આ વર્ષે ઇથેનોલના ઉત્પાદન માટે લગભગ ૪૫ લાખ ટન આસપાસ ખાંડનો જથ્થો ફાળવતા પરિસ્થિતિ ટાઇટ થઈ હોવાની ચર્ચા છે.
આ સંદર્ભે સંકલન કરતા કોમોડિટીના જાણકાર જયવદનભાઈ ગાંધી જણાવે છે કે, સરકારે ૨૦ લાખ ટન ખાંડની નિકાસ માટે લીલી ઝંડી આપ્યા બાદ પરિસ્થિતિનો ખ્યાલ આવતા સરકારે તુરંત ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ તે પહેલા આઠેક લાખ ટન આસપાસનો જથ્થો દેશ બહાર રવાના થઈ જતા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ જોવા મળી હતી. હવે દેશમાં ખાંડના સપ્લાય સામે ડિમાન્ડ સતત વધતી જતી હોવાથી ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકારે લગભગ દસેક લાખ ટન કાચી ખાંડની આયાત કરવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાના અહેવાલો છે. લગભગ દસ વર્ષ બાદ પહેલીવાર દેશમાં ખાંડની આયાત થઈ રહી છે. આ અગાઉ વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ખાંડની વિદેશથી ખરીદી કરી હતી. દેશમાં ખાંડના ભાવોમાં ઉછળી રહેલી તેજીને કંટ્રોલ કરવા માટે સરકાર ખાંડની આયાત ઉપર લાગતી ૧૦૦ ટકાની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર થાય તેવી શક્યતાઓ પણ પ્રવર્તી રહી છે. સાથે સાથે ખાંડના સૌથી મોટા વપરાશકારો ઉપર પણ સ્ટોક મર્યાદા પ્રતિ માસ ૧૦ મેટ્રિક ટન સુધી લીમીટ ૧૫ દિવસ માટે જાહેર કરી છે જેમાં મિઠાઈ વિક્રેતા, ઠંડા પીણાના તથા પ્રોસેસ્ડ ફૂડના ઉત્પાદકો તેમજ અન્ય સંસ્થાકીય ખરીદનાર વર્ગને પણ આવરી લેવાયો છે. વધતી જતી તેજીનો લાભ લેવા સક્રિય કાળા બજારિયાઓઉપર લાલ આંખ કરવા સંદર્ભે પણ સરકારે કવાયત હાથ ધરી છે. તહેવારોની સીઝનમાં ખાંડનો સપ્લાય નિયમિત રહે તેમજ ભાવો પણ કંટ્રોલમાં રહે અને સટ્ટાકીય વેપારો અટકાવવાનો હેતુ રહ્યો છે. સરકારે વર્ષ ૨૦૧૮માં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા તેમજ બિનજરૂરી આયાત ઉપર બ્રેક મારવા માટે ઇમ્પોર્ટ ડયુટી ૫૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરી હતી. હાલમાં તહેવારોની સીઝન દરમ્યાન ખાંડનો જથ્થો બજારમાં પૂરતો ઉપલબ્ધ રહે તે ખૂબ મહત્ત્વપૂર્ણ બન્યું છે. વેપારીઓ દ્વારા ખાંડનો સંગ્રહ કરીને કાળાબજારની પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે સરકારે નવેમ્બર ૨૦૨૬ સુધી સ્ટોક લિમિટ લાગુ કરી છે.