ચીને ચોખાના વધુ ત્રણ નિકાસકારો ઉપર પ્રતિબંધ લાદતાં વિવાદ છંછેડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોમોડિટી કરંટ
આ વર્ષે નબળા ચોમાસાના કારણે ખરીફ તેમજ રવિ પાક ઉપર અસર થવાની ભીતિ છે. ચોખા, શેરડી તથા મકાઈનું વાવેતર અપેક્ષિત નહિ હોવાનો અંદાજ છે. જેના લીધે ખાદ્ય ચીજોમાં વધી રહેલી મોંઘવારી સરકાર તેમજ પ્રજા માટે પણ શિરદર્દ સમાન બની છે. ચોખા, શેરડી અને કપાસ તથા ઘઉંમાં આગામી સમયમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા પ્રવર્તી રહી છે. ખાંડની અછત અટકાવવા સરકારે ડયુટી ફ્રી આયાતને લીલી ઝંડી આપી છે. દશ વર્ષ બાદ પહેલીવાર ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના અપૂરતા વરસાદના કારણે બહાર આવી છે. જેના સ્થાનિક બજારો તથા નિકાસ પણ મોંઘી થવાની વકી છે. ચોખાના વિદેશી વેપારમાં તાજેતરમાં ચીન સાથેનો વિવાદ ફરી ઉઠયો છે. ભારતીય ચોખા જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિજમ એટલે GMO યુક્ત હોવાના બહાના કાઢીને તાજેતરમાં ચોખાના કન્ટેનર રિજેક્ટ કરી પરત મોકલી ત્રણ નિકાસકારોના રજીસ્ટ્રેશન કેન્સલ કરી દેતાં ફરી વિવાદ છેડાયો છે. અત્યાર સુધી લગભગ દશેક ચોખા નિકાસકારો ઉપર ચીને પ્રતિબંધ લાદયો છે. જેમાં બે આંધ્રપ્રદેશ અને એક દિલ્હીનો નિકાસકાર છે. ચીન દ્વારા કરાતું ચોખાનું રિજેકશન સ્પષ્ટ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે ચીનથી પરત આવેલ ચોખાના માલની ભારતીય ખાદ્ય સુરક્ષા (FSSAI) વિભાગ દ્વારા ચકાસણી કર્યા બાદ GMO ના કોઈ અંશ મળ્યા નથી. જે તમામ ચોખાની શિપમેન્ટને પાછળથી અન્ય દેશોમાં રવાના કરવામાં આવી હતી. જ્યાં GMO નો કોઈ પ્રશ્ન નડયો નથી. ચીન દ્વારા આ વર્ષે કુલ ૭૦ ઉપરાંત શિપમેન્ટને રદ કરી વેપાર કેન્સલ કરી અત્યાર સુધી દશેક નિકાસકારો ઉપર પ્રતિબંધ મુક્યો છે. ચીનના ઉપરોક્ત વલણને કારણે ભારતીય નિકાસકારોને ભારે આર્થિક નુકશાન થઇ રહ્યું છે. એક કન્ટેનરને ચીન મોકલવાનો ખર્ચ અંદાજે ૨૫૦ ડોલર આસપાસ થતો હોય છે. પરંતુ ચીનના પોર્ટ ઉપરથી રિજેક્ટકરેલા શિપમેન્ટને પરત લાવવાનો ૨૫૦૦થી માંડીને ૪૫૦૦ ડોલર સુધીનો ભારે ખર્ચ થતો હોવાની ચર્ચા છે. નિકાસકારોના મતે ચીન જાણી બુઝીને ઇરાદાપૂર્વક પાકિસ્તાનને ફાયદો કરાવવા આ પ્રકારની હરકતો કરી રહ્યું હોવાના આક્ષેપો નિકાસકારો વર્તુળોના બહાર આવ્યો છે.વિદેશી વેપારમાં આ પ્રકારની થતી હેરાનગતિથી કારોબાર ઉપર નેગેટીવ અસર પડી રહી છે. આ બાબતે ભારત સરકાર દ્વારા પણ પગલાં લેવાય તેવી રાવ ઉડી છે.
દરમ્યાન ચાલુ વર્ષે અનિયમિત વરસાદ અને હવામાનને કારણે ખાદ્ય ચીજોમાં મોંઘવારી સતત વધી રહી છે. કૃષિ ઉત્પાદનો અને બજારોમાં તેજીની અસર વર્તાઈ રહી છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં કોમોડિટી જાણકાર જયવદનભાઈ ગાંધી જણાવે છે કે માસાલ ચીજો જીરૂ, વરીયાળી, ઇસબગુલ, મરચાં, હળદર જેવી ચીજોમાં બજારો તેજી તરફ ગયા અઠવાડિયે રહ્યા છે. ઊંઝાના કૃષિ બજારમાં ગાય અઠવાડિયે સરેરાશ ૧૫થી ૧૮ હજાર બોરીની આવકો વચ્ચે ભાવોમાં ૨૦૦થી ૩૦૦ રૂપિયાના પ્રતિ મણે ઉછાળા સાથે બજારો ૪૦૦૦થી ૪૩૦૦ સુધીની રેન્જમાં ઉપર મથાળે છે. સ્થાનિક ઘરાકી નીકળવાની સાથે સાથે ખેડૂત વેચવાલીનું પ્રેસર પણ જોવા મળેલ છે. નવરાત્રી બાદ દિવાળી આસપાસ જીરાનું નવું વાવેતર શરૂ થનાર હોવાથી ખેડૂત તથા વેપારી માલ બજારમાં આવી રહ્યો છે. જીરા ઉત્પાદિત વિસ્તારોમાં વરસાદ થતાં મનોવૃત્તિ બદલાઈ રહી છે.
ધાણામાં પણ ઘરાકીના અભાવે બજારો પ્રતિ મણે રૂપિયા ૨૦૦ થી ૩૦૦ નરમ હાજરમાં અને વાયદામાં ૫૦૦ રૂપિયા નરમ રહ્યા છે. ઇસબગુલના વેપાર ઊંઝા માર્કેટયાર્ડમાં છેલ્લા અઢી મહિનાથી ઠપ્પ હોવાના કારણે કારોબાર બંધ છે. જો કે રાજ્યના અન્ય કૃષિ બજારોમાં ઇસબગુલના વેપારો નિયમિત રૂપે ચાલુ હોવાથી જરૂરિયાતમંદ વેપારીઓ તથા ફેકટરીવાળાઓને માલની શોર્ટેજ વર્તાતી નથી.




