Business Plus

શું એક જીએસટી અધિકારી AI નો આધાર લઈને કારણદર્શક સૂચના ઈશ્યુ કરી શકે?

By GS Team
2 Aug 20265 mins read
TukuTouch Logo
તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે GST સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે AI આધારિત નોટિસ રદ કરીને જણાવ્યું કે અધિકારીએ સ્વતંત્ર રીતે કેસની ચકાસણી કરી ન હોવાથી તે કાયદેસર નથી. દિલ્હી હાઈકોર્ટે પણ AIના ઉપયોગ સામે ચેતવણી આપી હતી. આ ચુકાદો કરદાતાઓને રાહત આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું એક જીએસટી અધિકારી AI નો આધાર લઈને કારણદર્શક સૂચના ઈશ્યુ કરી શકે?
  • GSTનું A to Z - હર્ષ કિશોર
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રાથમિક સમજ માટે અથવા તો પ્રાથમિક સંશોધન માટે કરી શકાય તેનાથી વધારે નહીં
    આપણે જાણીએ છીએ કે જીએસટી સહિત કોઈપણ કર પ્રણાલીમાં કરદાતાની વિરુદ્ધ નિર્ણય લેતા પહેલા તેને નોટિસ આપવામાં આવે છે. આ નોટિસના નમૂના અને નોટીસ આપવાની પદ્ધતિ સામાન્ય રીતે નિયમોમાં દર્શાવેલ હોય છે. અત્યાર સુધી એવું માની લેવામાં આવતું કે અધિકારી પોતે સ્વતંત્રપણે યોગ્ય ચકાસણી કરીને તેમજ પુખ્ત વિચારણા કરીને વ્યવસ્થિત નોટીસ ઈશ્યુ કરશે. પરંતુ હવેના યુગમાં કૃત્રિમ બુદ્ધિ-ચાતુર્યનું ચલણ વધતું જાય છે ત્યારે કેટલાક અધિકારીઓ એ.આઇ.ના સહારે નોટિસો ઈશ્યુ કરે છે.
    ત્યારે કેટલાક કોર્ટ કેસો બને છે અને તેમાં એવું સાબિત થાય છે કે સંબંધિત અધિકારીએ પોતે સ્વતંત્ર રીતે કેસની ચકાસણી કરેલ નથી કે માઈન્ડ એપ્લાય કરેલ નથી અને યંત્રવત્ત કૃત્રિમ બુદ્ધિ ચાતુર્યના આધારે નોટિસો ઈશ્યુ કરેલ છે. તાજેતરમાં નામદાર પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનો આ બાબતને લગતો એક મહત્વનો ચુકાદો આવેલ છે. જેની વિગતો આજે આપણે ટૂંકમાં જોઇશું.
    કેસનું નામ : મેસર્સ એસઆરઓ ઇન્ડિયા વિરુદ્ધ પંજાબ રાજ્ય તથા અન્ય. કેસ નંબર CWP-૧૧૪૯૪-૨૦૨૬ (O&M), પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશની તારીખ : ૭.૦૭.૨૦૨૬. આ કેસમાં અધિકારી દ્વારા વેપારીને નમુના ડીઆરસી- વન-એમાં આપવામાં આવેલ તારીખ ૨.૨.૨૦૨૫ની કારણદર્શક સુચનાને કોર્ટમાં પડકારવામાં આવેલ હતી. વેપારી પક્ષે એવી રજૂઆત કરવામાં આવી કે સંબંધિત અધિકારીની કક્ષાએ કોઈ નોટીસ આપતા પહેલા માઈન્ડ એપ્લાય થયેલ હોય એવું જણાતું નથી અને માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ જણાય છે જે કાયદામાં ટકી શકે નહીં.
    વેપારીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે કારણદર્શક સૂચના સાથે કેટલીક અન્ય વિગતો પોર્ટલ ઉપર અપલોડ થયેલ છે જે એ.આઈ.ના આધારે બનાવવામાં આવેલ હોય તેમ જણાય છે.
    વધુમાં આદેશ કઈ રીતે પસાર કરવો અથવા કઈ રીતે વધુ સારો બનાવવો તેના સંદર્ભો પણ તેમાં જણાવેલ છે અને તે પોર્ટલ ઉપર નોટીસ સાથે અપલોડ થયેલ છે.
    એ.આઈ. દ્વારા નોટિસ અને આદેશ સારો બનાવવા માટે સૂચવવામાં આવેલ કેટલીક વિગતો પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી 'જેમાં ખરીદનાર જવાબદાર નથી તેવી બાબતો, માત્ર માલની મુવમેન્ટ અને વ્હીકલ વાઇસ એનાલિસિસ તેમજ રિઝનિંગ અને હકીકતો' તથા સૂચનો કરવામાં આવેલ હતા.
    સરકાર પક્ષે કોર્ટ સમક્ષ એવો બચાવ કરવામાં આવ્યો કે સંબંધિત અધિકારી દ્વારા આટફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા સંદર્ભો ભૂલથી અને શરતચૂકથી પોર્ટલ ઉપર અપલોડ થઈ ગયેલ છે. જોકે નામદાર કોર્ટે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા કારણો માનવાને યોગ્ય જણાતા નથી. ખરેખર તો કાયદો એવી અપેક્ષા રાખે છે કે સંબંધિત અધિકારી કારણદર્શક સૂચના ઈશ્યુ કરતાં પહેલાં પોતે કેસની હકીકતો ચકાસીને તેમજ માઈન્ડ એપ્લાય કરે. જીએસટી કાયદામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે નોટિસ તૈયાર કરવી અને ઇશ્યૂ કરવી કે કેમ તે માટે અધિકારી સારું તેવી કોઈ પરવાનગી દર્શાવવામાં આવેલ નથી.
    પ્રાથમિક રીતે અમોને ખાતરી થયેલ છે કે આ કેસમાં તારીખ ૨.૨.૨૦૨૫ની કારણદર્શક સૂચના એઆઈ ટૂલ યુઝ કરીને ઈશ્યુ કરવામાં આવેલ છે. તેથી આવી કાર્યવાહી કાયદામાં ટકી શકતી ન હોઈ તે નોટિસ રદ કરવામાં આવે છે. જોકે, ડિપાર્ટમેન્ટ પાસે પુન: માઈન્ડ એપ્લાય કરીને જીએસટી કાયદાની જોગવાઈઓ મુજબ કાયદેસર કાર્યવાહી કરવા મુક્ત રહેશે.
    કેસ ૨ : અન્ય સમાન ચુકાદો : થોડા સમય પહેલાં દિલ્હી હાઇકોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા ૦૨ ઘીબ, ૨૦૨૫ના રોજ ય્જી્ની જીભશને લગતી એક રીટ પિટિશનની સુનાવણી દરમિયાન (જે ડિસમિસ કરી) જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગને જણાવવામાં આવેલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સૂચવવામાં આવેલ કોર્ટના ચુકાદા ગેરસમજણ ઉપસ્થિત કરી શકે છે તે ગેરમાર્ગે દોરનાર હોઈ શકે છે અથવા ખોટા હોઈ શકે છે. તેથી કારણદર્શક સૂચના આપવા માટે અથવા તો આદેશો કરવાના સમયે સાઇટેશનના આધારે 'કેસ લો'નો પૂરતો અભ્યાસ કરીને જ નિર્ણય લેવો.
    નામદાર દિલ્હી હાઈકોર્ટે કારણદર્શક સૂચનાના અનુસંધાને જણાવેલ કે હજી આ રીટ પિટિશન પ્રિમેચ્યોર કહેવાય અને વેપારીએ અધિકારી સમક્ષ તમામ પ્રક્રિયા અનુસાર ભાગ લઈને તેમજ કારણદર્શક સૂચનાનો જવાબ કરવાનો રહે. જો કે કોર્ટે એવું પણ જણાવેલ કે આ નોટિસ ઈશ્યુ કરવામાં AIનો જે ઉપયોગ કરવામાં આવેલ છે તે વધુ પડતો છે અને તેમાં જે ચુકાદા ટાંકવામાં આવેલ છે તેમાં ઘણી ક્ષતિઓ જણાય છે. નામદાર કોર્ટે વધુમાં જણાવેલ કે આજની તારીખે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચોકસાઈ અને ભરોસો હજી ઓછો જણાય છે. કોર્ટના મતે માણસના બુદ્ધિ ચાતુર્ય અથવા તો એડજુડીકેશનની પ્રક્રિયામાં માનવીનં સ્થાન લઈ શકે તેમ નથી.
    આમ, એવું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રાથમિક સમજ માટે અથવા તો પ્રાથમિક સંશોધન માટે કરી શકાય તેનાથી વધારે નહીં. AI પાસેથી આપણે કયા સંદર્ભે પ્રશ્ન પૂછીએ છે તે પણ અગત્યનું છે.
    જો આપણો પ્રશ્ન યોગ્ય નહીં હોય તો એનો પ્રત્યુતર પણ યોગ્ય આવવાનો નથી. ઉપરાંત માનવીની દ્રષ્ટિએ અનુભવના જે રિસ્ક પેરામીટરનું જજમેન્ટ લેવાનું હોય કે પછી એક બાબતને બીજી બાબત સાથે સાંકળવાની હોય તે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી સારી રીતે કરી શકતું નથી.
    સમાચાર : તાજેતરમાં કેનેડાની એક 'લો સોસાયટી ઓફ એનટોરીઓ (ટ્રિબ્યુનલ)'માં એક વકીલ દ્વારા એ.આઈ. આધારિત ક્ષતિ-યુક્ત અને ખરેખર અસ્તિત્વ ન ધરાવતા ચુકાદા રજૂ કરવામાં આવતા તેમને છ મહિના માટે પ્રેક્ટિસથી દૂર રાખવાનો અને તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો સીમા ચિન્હ રૂપ હુકમ થયેલ છે.
    ઉપરાંત તેઓને દસ હજાર ડોલરનો દંડ પણ કરેલ છે. આ વકીલ ટ્રિબ્યુનલ સમક્ષ એક અવસાન પામેલ વ્યક્તિની મિલકતને લગતા કેસમાં હાજર થયેલ હતા. ટ્રિબ્યુનલના આ આદેશમાં AIના દુરુપયોગના જોખમો જણાવાવમાં આવેલ છે.
    કેસ૩ : તાજેતરમાં જીએસટી રજીસ્ટ્રેશનને લગતો ગૌહાટી હાઇકોર્ટનો એક મહત્વનો ચુકાદો આવેલ છે જેની વિગતો પણ આજે આપણે ટૂંકમાં જોઇશું.
    કેસનું નામ : મેસર્સ શાર્ક પ્રોજેક્ટ્સ લિમિટેડ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા તથા ૪ અન્ય, કેસ નંબર ઉઁ(ભ)/૪૨૬૯/૨૦૨૨ આદેશની તારીખ : ૧૭.૦૭.૨૦૨૬. કેસની સુનાવણીના દિવસે પીટીશનર તરફથી કોર્ટમાં કોઈ હાજર રહેલ નહીં. મુખ્યત્વે આ રીટ પીટીશન સંબંધિત અધિકારી દ્વારા વેપારીને તારીખ ૮.૩.૨૦૨૨ના રોજ આપવામાં આવેલ કારણદર્શક સૂચનાના અનુસંધાને ફાઈલ કરવામાં આવેલ હતી. આ કારણદર્શક સૂચનામાં અધિકારીએ વેપારી તરફથી જીએસટી કાયદા અને નિયમોનું પાલન નહીં કરવાના કારણોસર વેપારીનો નોંધણી દાખલો રદ કેમ ન કરવો તે માટે કારણ દર્શાવવા જણાવેલ હતું.
    આ કેસમાં અગાઉ કો-ઓર્ડીનેટ બેન્ચ દ્વારા વેપારી સામે કોઈ આકરા પગલા ન લેવાનો આદેશ કરેલ હતો જેની આ કોર્ટે નોંધ લીધેલ હતી. નામદાર કોર્ટે સરકાર પક્ષે હાજર રહેલ સિનિયર કાઉન્સિલની દલીલો અને રજૂઆત સાંભળી તેમજ તારીખ ૮. ૩.૨૦૨૨ ની નોંધણી દાખલો રદ કરવા માટેની કારણ દર્શક સૂચનાને ધ્યાનથી વાંચી હતી.
    કોર્ટે નોંધ્યું કે આ નોટિસ અસ્પષ્ટ અને અધૂરી જણાય છે અને તેમાં જીએસટી કાયદા અને નિયમોના અનુસંધાને વેપારીની ક્ષતિ અંગે તેમ જ કાયદા અને નિયમોના ભંગ અંગે કોઈ વિશેષ વિગતો જણાવવામાં આવેલ હોય તેવું લાગતું નથી. જીએસટીના અધિકારી દ્વારા ઈશ્યુ થયેલ તારીખ ૮.૩.૨૦૨૨ની નોટિસ કાયદાકીય રીતે ટકી શકતી ન હોઈ તેને સેટ અસાઈડ કરીને રદ કરવામાં આવે છે.
    તદનુસાર રીટ પીટીશનની કાર્યવાહી અહી પૂર્ણ કરવામાં આવે છે. જીએસટીના અધિકારીઓ વેપારીના પક્ષે થયેલ ક્ષતિ બદલ જીએસટી કાયદા અને નિયમો હેઠળ પગલાં લેવા મુક્ત રહેશે.