Get The App

શેરબજારને નિયંત્રિત કરતાં સેબીના અધિકારીઓ પર કોઈ નિયંત્રણ નથીઃ પ્રત્યુષ સિંહા કમિટી

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
શેરબજારને નિયંત્રિત કરતાં સેબીના અધિકારીઓ પર કોઈ નિયંત્રણ નથીઃ પ્રત્યુષ સિંહા કમિટી 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- સેબીના ટોચના અધિકારીઓને ઇન્સાઈડર ગણવામાં આવતા જ ન હોવાથી ઇન્સાઈડર ટ્રેડિંગના જોેખમ વધી જાય છે  

કંપનીઓ અને કંપનીઓના શેર્સમાં થતાં સોદાઓને લગતી સંપૂર્ણ ખાનગી માહિતીનો ખજાનો ધરાવતા સેબીના ટોચના અધિકારીઓ પર કોઈ જ કાયદાકીય નિયંત્રણ ન હોવાનું અને સોળ વર્ષથી તેમની મનમાની ચાલતી આવી હોવાનો હોબાળો થયો છે. સેબના ચેરમેન અને હોલ ટાઈમ મેમ્બર્સ પર નીતિ સંહિતાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક હોવાથી તેને કાનૂની રૂપે અમલમાં મૂકી શકાય તેવો હતો જ નહિ, આ કોડ ઓફ એથિક્સ ગઝેટમાં નોટિફાઈ પણ કરવામાં આવ્યો નહોતો. તેનું ઉલ્લંઘન થાય ત્યારે કોઈ દંડ કે શિસ્તસભર એક્શનની જોગવાઈ નહોતી. સેબી બજારના અન્ય ખેલાડીઓ એટલે કે બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ, લિસ્ટેડ કંપનીઓ, રોકાણકારો પર કડક નિયમોને લાદીને તેમને દંડ કરી રહી હતી. પરંતુ તેના ખુદ પર કોઈ જ નિયંત્રણ નહોતું.

ભારત સરકાર દ્વારા રચાયેલી પ્રત્યુષ સિંહા હાઇ-લેવલ કમિટીએ સેબીના ચેરમેન અને હોલ ટાઈમ મેમ્બર માટે લાગુ પડતા હિતોના સંઘર્ષ અને નીતિ સંહિતાની સમીક્ષા કરીને આપેલા અહેવાલમાં આ ટીપ્પણી કરી છે. પ્રત્યુષ સિંહા સમિતિએ ૧૬ વર્ષથી ચાલતી આવી રહેલી ગંભીર ખામીઓને બહાર લાવી દીધી છે, તેથી સેબીની પારદશતા, નૈતિકતા અને રોકાણકારની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.

પ્રત્યુષ સિંહા સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શેરબજારના ખેલાડીઓ સામે નૈતિકતાનો દંડો પછાડતા આવેલા સેબીના અધિકારીઓની નીતિમત્તા માટેના ૨૦૦૮ થી ૨૦૨૪ના ગાળાના નિયમો સાવ જ નબળા અને પોકળ હતા. તેનો કાનૂની અમલ પણ શક્ય નહોતો. તેને કાયદાનું પીઠબળ પણ નહોતું.

સેબીના ટોચના અધિકારીઓ માટે બજારથી દૂર રહેવાની પ્રક્રિયા ખૂબ જ નબળી અને અસ્પષ્ટ હતી. તેમ જ લેખિત સ્વરૂપમાં પણ તે માહિતી ઉપલબ્ધ નહોતી. જીઈમ્ૈંની નૈતિક વ્યવસ્થામાંની આ મોટામાં મોટી ખામી હતી. ત્યારબાદ ૨૦૧૮ની સાલમાં નિયમોનું સ્વૈચ્છિક પાલન કરવાની એક આંટીઘૂંટી ભરેલી પ્રથા અમલમાં આવી હતી. પરંતુ આ નિર્ણયને ક્યારેય લેખિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો જ નથી. તેથી આ નિયમ તેમને માટે કાયદેસર બંધનકર્તા જ બન્યો નથી. તેમના વહેવારોનું ઓડિટ કરવાની, તેમની કામગીરીનું નિયમન કરવાની કે પછી તેમને દંડ કરવાની કોઈ જ જોગવાઈ નથી. બીજા શબ્દોમાં કહીએ તો સેબીના ચેરમેન અને સંપૂર્ણ સમયના સભ્યો માટે તેનું પાલન કરવું સ્વૈચ્છિક રાખવામાં આવ્યું છે. આ બાબત નૈતિક રીતે ખોટી અને ખરાબ ગણી શકાય છે.

પ્રત્યુષ સિંહા સમિતિની ભલામણો સંપૂર્ણ સુધારા માટેનો માર્ગ ખોલી નાખે તેવી છે. પ્રત્યુષ સિંહા સમિતિએ સૂચવ્યું છે કે એકસરખા અને કાનૂની રીતે અમલમાં મુકાય તેવા નિયમો હોવા જરૂરી છે. સેબીની ટોચના અધિકારીઓને પણ ઇન્સાઈડર ગણીને નિયમો તૈયાર કરવા જોઈએ. સેબીના અધિકારીઓ માટે નિયમનું પાલન કરવું સ્વૈચ્છિક રાખવામાં આવે છે તે ઉચિત નથી. તેમને માટે તે કાયદેસર બંધનકર્તા અને દંડને પાત્ર બનાવવા જરૂરી છે.