Business Plus

ઇસબગુલમાં GST નિયમનું ગુજરાત રાજસ્થાનનું અલગ અલગ અર્થઘટન થતાં વેપાર ઠપ

By GS Team
2 Aug 20263 mins read
TukuTouch Logo
ચોમાસાની ગતિથી ખરીફ વાવેતરને ટેકો મળતા ઉત્પાદન લક્ષ્યાંક પૂર્ણ થવાની આશા છે. કપાસ અને મગફળીનું વાવેતર વધ્યું છે. ઇસબગુલમાં ગુજરાત અને રાજસ્થાનના GST નિયમોના અલગ અર્થઘટનને કારણે ઊંઝાના વેપારીઓએ વેપાર બંધ રાખ્યો છે. ફ્રેશ માલ પર 0% અને પ્રોસેસ્ડ માલ પર 5% ટેક્સનો વિવાદ ચાલી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇસબગુલમાં GST નિયમનું ગુજરાત રાજસ્થાનનું અલગ અલગ અર્થઘટન થતાં વેપાર ઠપ
  • કોમોડિટી કરંટ

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાએ ગતિ પકડતાં ખરીફ વાવેતરને સપોર્ટ મળતાં સરકારી લક્ષ્યાંક પ્રમાણે ખરીફ પાકોનું ઉત્પાદન થવાની સંભાવના વધી છે. તેલીબીયાંમાં, કપાસ, મગફળી, સોયાબીન જેવી ચીજોનું વાવેતરને વધુ એક તક સાંપડી છે. રાજ્ય સરકારની કપાસમાં પ્રતિ એકરે ચૌદ હજારની જાહેર કરેલી સબસીડીને પગલે કપાસના વાવેતરમાં વધારો થવાની વકી છે. જો કે કપાસમાં નીચા ભાવો અને મજુરી ખર્ચ વધુ રહેવાને કારણે ખેડૂત વર્ગ કપાસથી નારાજ હોવાનું પણ ચર્ચામાં છે. મગફળીમાં પણ આ વખતે વીસેક લાખ હેકટર વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થશે તેવી સ્થિતિ છે. મગફળીમાં ઉંચા ભાવોની સાથે સાથે સરકારી ખરીદી પણ ૧૮ લાખ ટન ઉપરાંતની થતાં તેમાં ખેડૂતોનો રસ વધી રહ્યો છે. આગામી દોઢથી બે માસમાં નવો પાક બજારમાં આવશે તેવું જણાઈ રહ્યું છે.
તાજેતરમાં ઇસબગુલમાં GST ને પ્રશ્ને ગુજરાત તથા રાજસ્થાનમાં નિયમોનું અલગ અલગ અર્થઘટન થવાને ફરીથી સમગ્ર મામલો વિવાદાસ્પદ બનતાં ઊઝાના વેપારીઓએ ઇસબગુલનો વેપાર હાલ પુરતો બંધ રાખીને સરકારી સ્પષ્ટીકરણની રાહ જોવાનું નક્કી કરેલ છે. આ સંદર્ભે વેપારી વર્ગમાં થતી ચર્ચા મુજબ ઇસબગુલના ફ્રેશ માલો ઉપર ઝીરો ટકા ટેક્ષ અને પ્રોસેસ કરેલા માલો ઉપર પાંચ ટકા ટેક્ષ લાગે તેવો નિયમ હતો. જેમાં થોડાક મહિના અગાઉ ગુજરાતમાં GST વિભાગે સ્પષ્ટીકરણ કરી ખેડૂતોના માલોને ફ્રેશ તરીકે ગણીને ઝીરો ટકા ટેક્ષથી વેપારો શરૂ કર્યા હતા. પરંતુ રાજસ્થાન GST વિભાગે ઇસબગુલના ફ્રેશ તથા પ્રોસેસવાળા માલો સંદર્ભે ગુજરાત કરતાં અલગ અર્થઘટન કર્યું હોવાનું બહાર આવતાં ઊઝાના વેપારીઓ ચોકી ઉઠયા હતા. અને આ મામલે કોઈ ચોક્કસ નિરાકરણ સ્પષ્ટતા આપે નહિ ત્યાં સુધી વેપારો બંધ રાખતાં સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો છે. જો કે આ અગાઉ ઇસબગુલનો વેપાર પાંચ ટકા ટેક્ષ સાથે થતો હતો. જેમાં કરોડોના માલોના વેપાર થયેલા છે. કેટલાય વેપારીઓ પાસે ટેક્ષ ભરીને માલોની ખરીદ કરી છે. હવે ટેક્ષ નીકળી જતાં અગાઉ ખરીદી વખતે ભરેલા ટેક્ષની લાખોની રકમું શું થશે તે બાબતે અનેક પ્રશ્નો છે. તેમ છતાં થોડાક મહિના અગાઉ ેપારીઓે ઝીરો ટકા ટેક્ષથી વેપારો શરૂ કરતાં ગાડી પાટા ઉપર ચડી હતી. પરંતુ રાજસ્થાન GST વિભાગ દ્વારા ઇસબગુલના ફ્રેશ માલો સંદર્ભે કરેલા અર્થઘટનમાં ગુજરાત કરતાં અલગ સ્પષ્ટતા બહાર આવતાં આંતરરાજ્ય વેપારોમાં મતભેદો થયા છે. જો કે ગુજરાતના ઇસબગુલ વેપારીઓના જુથે ફરીથી રાજ્ય તથા કેન્દ્ર સરકાર સમક્ષ આ બાબતે સ્પષ્ટીકરણ કરવા રજૂઆત કરી મામલો GST કાઉન્સીલ સુધી જાય તેવી સંકેતો છે. GST કાઉન્સીલની આગામી બે-ત્રણ માસમાં બેઠક થાય ત્યાર પછી સમગ્ર મામલાનો ઉકેલ આવે તેવું જણાઈ રહ્યું છે. ઇસબગુલમાં માલોનાં ટેક્ષ સંદર્ભે બંને રાજ્યોના GST વિભાગનું અલગ અલગ રૂલીંગ બહાર આવતાં વેપારી વર્ગ અસમંજસ સ્થિતિમાં આવી ગયો છે.
ઇસબગુલના આ વર્ષે ૨૩થી ૨૪ લાખના સરેરાશ ઉત્પાદન સામે ૬૦ ટકા ઉપરાંત માલોના વેપારો થયા હોવાની ચર્ચા છે. જો કે અમેરિકા, યુરોપના દેશોમાં ઇસબગુલની મોટેભાગે નિકાસ થાય છે. તેમાં ખાડી યુદ્ધને કારણે ઇસબગુલની નિકાસ થોડી ઘણી ઓછી થઇ રહી છે. જેમાં કન્ટેનરોની અછત તેમજ પોર્ટ ઉપરના શિપીંગ ભાડામાં પણ ત્રણથી ચાર ઘણો વધારો મુખ્ય જવાબદાર હોવાનું ચર્ચામાં છે. સાથે સાથે પોર્ટ ઉપર કન્ટેનરો લાંબા સમય સુધી ઘણીવાર પડી રહેવાને કારણે વેપારની સમગ્ર સાયકલ ખોરવાઈ જતાં આર્થિક નુકશાન પણ પડી રહ્યું હોવાની વ્યાપક રાવ પ્રવર્તી રહી છે. ઇસબગુલનો માલ ખેડૂત વર્ગ વેચાણ અર્થે બજારમાં લાવે તો તેને ફ્રેશ ગણવો અને વેપારી વર્ગ ગોડાઉનમાંથી વેચાણ અર્થે બજારમાં લાવે તો ફ્રેશ ગણવો કે નહિ તે બાબતે મડાંગાંઠ ઉભી થતાં સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે. જો કે GST નિયમોનું અર્થઘટન સમગ્ર દેશમાં એકસરખું હોય તેવી વ્યાપક ચર્ચા વેપારી વર્ગમાં છે.