Business Plus

જમણવાર જેવા વળતરની આશા સામે મુખવાસ જેટલું ડિવિડન્ડ

By GS Team
2 Aug 20263 mins read
TukuTouch Logo
લાભચંદ શેરોના ડિવિડન્ડના મેસેજ વાંચીને મૂંઝવણમાં મુકાયો હતો. ધનચંદે પૂછતાં જણાવ્યું કે, શેરબજારમાં રોકાણ કરેલા 20,000 રૂપિયા 2 વર્ષથી સલવાયા છે. 200 રૂપિયા ડિવિડન્ડ મળે ત્યારે ખુશી થાય, પણ રોકાણ પર વળતર ન મળતાં દુઃખ થાય છે. ડિવિડન્ડથી ચા-પાણીના પૈસા પણ માંડ નીકળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમણવાર જેવા વળતરની આશા સામે મુખવાસ જેટલું ડિવિડન્ડ
  • સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
    લાભચંદ મોબાઈલ પર એક મેસેજ જોઈને મલકાતો હતો પણ પાછો થોડીવારે દુ:ખી થતો હતો. ફરી થોડીવારે મલકાતો હતો અને પાછો તરત ને તરત ઉદાસ થઈ જતો હતો.
    ધનચંદથી પૂછ્યા વિના ન રહેવાયું: એલા, હવામાન ખાતાંએ રેડ એલર્ટ આપ્યા પછી ઘડીવાર તડકો નીકળે ને થોડીવાર ઝાપટું પડે ને ઘડીમાં પાછો ઉઘાડ નીકળી જાય એવુ મોઢું કેમ બનાવે છે?
    લાભચંદ : લ્યા, હું તો હવામાનના સમાચાર કે આગાહીઓ ક્યારેય જોતો કે સાંભળતો જ નથી. નસીબમાં લખ્યું હશે તે થશે. છત્રી લઈને નીકળશું તો પણ પલળીશું અને ઘરમાં બેઠા હશું તો કદાચ છત પણ કાણી થઈ જશે. ઈશ્વર રાખે તેમ રહેવું.
    ધનચંદ: લ્યા, તું આવી ફિલોસોફિકલ વાતો કેમ કરવા માંડયો? સોશિયલ મીડિયા પર કોઈ મોટિવેશનલ સ્પીકરને તો ફોલો નથી કરતો ને કે? કે પછી કોઈ બાબા-કથાકારને સાંભળવાની લત નથી લાગી ને?
    લાભચંદ : યાર, આ તે કથાકારની વાત કરી એના પરથી એક પ્રસંગ યાદ આવ્યો. એક પરિવાર ભોજનની આશાએ ભજનમાં ગયો, પણ ભજન પત્યા પછી આખી થાળીને બદલે ફક્ત પ્રસાદી જ મળી. તો બોલ, આ પરિવારે ભોજન ન મળવાથી દુ:ખી થવું કે પ્રસાદી મળ્યાનો આનંદ માણવો?
    ધનચંદ : મને તો પાકો વહેમ પડયો છે. આજકાલમાં તું પણ બાવો બની કથાઓ કરવા માંડીશ એવું લાગે છે.
    લાભચંદ: ભલા માણસ, આ શેરબજાર આમને આમ ચાલ્યું ને તો મારે ખરેખર મારી કરમકથા કહેવાનો જ વારો આવશે.
    જોને બજાર એક દિવસ ચઢે છે ને પછી પાછું પેલો ટ્રમ્પ કાંઈક આડુંઅવળું કરી બેસે એમાં અગાઉ ચઢ્યું હોય તેના કરતાં ચાર ગણું નીચે પડે છે.
    ધનચંદ: લ્યા, તારો વાંક નથી. આ ઘડી પહેલાં તું જે ઘડીકમાં હસતો હતો ને ઘડીકમાં ઉદાસ થઈ જતો હતો એવું તો ઘણા લોકોને ટ્રમ્પની પોસ્ટો વાંચીને થાય છે. આ કેવી પાગલ જેવી પોસ્ટ કરે છે એ જોઈ એક આંખે હસવું આવે અને દુનિયાને આ કેવો પાગલ ભટકાયો છે એ વિચારે બીજી આંખે રડવું પણ આવે છે.
    લાભચંદ: અરે યાર, એ મોઢું ટ્રમ્પને યાદ કરીને નહીં, મારા ડિવિડન્ડના મેસેજીસ વાંચીને થાય છે. અત્યારે ડિવિડિન્ડની સીઝન છે. કોઈ કંપનીનો ડિવિડન્ડનો મેસેજ વાંચીને હરખ થાય. પછી યાદ આવે કે જે કંપનીએ ૨૦૦ રુપિયા ડિવિડન્ડ આપ્યું તેમાં ૨૦ હજાર રુપિયા બે વર્ષથી સલવાઈ ગયા છે એ વાંચીને પાછું દુ:ખ થાય. એ મેં તને ભજનવાળી વાર્તા કરી એ એના માટે જ કરી.
    જે કંપનીમાં છ મહિનામાં ડબલ પૈસા થઈ જશે એવી આશા કરી રોકાણ કરી બેઠા છીએ તેનો શેર ઊંચકાતો જ નથી અને ઉપરથી પાછું આ ચણામમરા જેવું ડિવિડન્ડ આવ્યા કરે છે. આ ડિવિડન્ડનું ટોટલ માર્યા કરીએ તો પણ દસ વર્ષેય મૂડી નહીં નીકળે. એમ હતું કે શેરબજારની આવક પર ઘર ચલાવીશું, પણ આ ડિવિડન્ડની આવક પર તો એક મહિનાના ચા-પાણીના નીકળે તો પણ ભયોભયો. જમણવાર જેવા વળતરની આશા સામે મુખવાસ જેટલું ડિવિડન્ડ આવે છે. આમાં પેટ ક્યાંથી ભરાય?
    ધનચંદ : બોસ, આમ પરચૂરણ ડિવિડન્ડ જ કમાવાનાં હતાં તો પછી બેન્ક ડિપોઝિટ શું ખોટી હતી?
    જવાબમાં લાભચંદે ભેકડો તાણ્યો…
    સ્માઈલ ટિપ
    જૂની કહેવત: ભાગતા ભૂતની લંગોટી ભલી.
    નવી કહેવત: ડૂબતા શેરનું ડિવિડન્ડ ભલું.