મોંઘવારીનો માર છે ખાનાથી પાયખાના સુધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
નોરતામાં ગરબા ગાઈને ગામ ગજાવતા કાકાના અર્ધાંગિની નહીં પણ સંપૂર્ણાંગિની (હો) બાળાકાકી નવરાત્રિ પૂરી થયા પછી માતાજીના નહીં પણ મોંઘવારીના ગરબા લલકારવા માંડયાઃ
હું તો જાઉં હારી હારી
કેવી છે આ મોંઘવારી
ચડતા ભાવ કરે છે ધાવ કારી
હું તો જાઉં હારી હારી
કેવી છે આ મોંઘવારી
બારી બારી સબકી બારી
અબકી બારી જનતા કી બારી
હું તો જાઉં હારી હારી
કેવી છે આ મોંઘવારી
કાકીએ હજી તો ગીત પૂરૃં કર્યું ત્યાં તો પથુકાકાએ રંગમાં આવી વધુ ચાર લાઈના જોડી દીધીઃ
આર્થિક વિકાસની આ આકડાવારી
ખાઈ ખાઈ પેટ થાય ભારી ભારી
હું તો જોઈને જાઊં હારી હારી
બાઈ કેવી છે આ મોંઘવારી
આ ગાણું સાંભળીને મેં કાકાના સૂરમાં સૂર પૂરાવતા કહ્યું કે કાકા ખાંડ, તેલ, અનાજ, કરિયાણું, દહી-દૂધ સહિત સહુ ચીજ થઈ છે મોંઘી, બસ એક જનતાને કરી નાખી સોંઘી… કહેવત છે ને દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ… પણ આ કમરતોડ મોંઘવારીમાં પણ પ્રગતિના આંકડાથી થોડું પેટ ભરાવાનું છે? ચૂંટણીમાં મતોના ઢગલા થાય માટે સરકાર રાહતની રેવડીનો વરસાદ વરસાવવા માટે ખજાના મૂકી દેૈ ખુલ્લા અને ચૂંટણી જીતીને પછી કરે હલ્લાગુલ્લા… પીસાતી પ્રજા જ્યારે દેખાડે રોષ ત્યારે ગાદીધારીઓ ખોટા વાયદા-વચનની ખેરાત કરે ખુલ્લમ ખુલ્લા…
કાકા બોલ્યા કે ખાણીપીણીની બધી જ ચીજ મોંઘી થતી જાય છે એમાં ખાવું શું એવો જ સવાલ સહુના મનમાં સળવળે છે. મને તો થાય છે કે ઘરમાં મોંઘવારિયા મહાદેવની મૂર્તિની પૂજા કરીને ઉપવાસ-એકટાણા શરૂ કરૃં. આમ કરવાથી એટલું અનાજ-કરિયાણું તો બચેને? આમાં બીજા પણ થાય ફાયદા, તબિયત પણ રહે ટનાટન અને પૈસા પણ બચે જતા ધનાધન…'
કાકા… કાકા… કાકા… આકળા થઈ ગયેલા કાકાને અધવચ્ચે રોકીને મેં કહ્યું કે ખાવાપીવાની ચીજો મોંઘી થઈ છે એનાં જ મરશિયા ક્યાં ગાવ છો? હવે જો જો તો ખરા? મુંબઈમાં જાવાનું પણ મોંઘુુ પડશે જાવાનું…'
કાકાએ પૂછયું જાવાનું એટલે ક્યાં જાવાનું? બહારગામ જાવાનું ટ્રેનમાં જાવાનું, બસમાં જાવાનું… એ બધું તો ક્યારનું મોંઘુ થઈ ગયું છે. હજી બીજું શું મોંઘુ થવાનું બાકી રહ્યુું છે?'
મેં કાકાને હજાર વોલ્ટનો આંચકો આપતા કહ્યું કે 'મુંબઈમાં 'મહા અણધડપાલિકા' પાયખાને જાવાનું પણ મોંઘુ કરી નાખવાની છે.'
મારી વાત સાંભળતા પથુકાકા ઊંડો નિસાસો નાખી બોલ્યા 'હે ભગવાન… ખાવાનું પણ મોંઘુ અને જાવાનું પણ મોંઘુ? આ શું માંડયું છે સત્તાધીશોએ? માણસે બન્ને મોઢે મોંઘવારીનો ડામ સહન કરવાનો?'
મેં માથું ધુણાવીને હા પાડતા કહ્યું કે મુંબઈની મહાઅણઘડ પાલિકા સાર્વજનિક શૌચાલયોના દર વધારવાની છે. અત્યાર સુધી સાર્વજનિક શૌચાલયોમાં એકી કરણના એટલે કે પેશાબ કરવાના પૈસા નહોતા લેવાતા, તેને બદલે પુરૂષોએ એક રૂપિયો ચૂકવીને પ્રવાહી યોગદાન આપવું પડશે. જ્યારે સ્ત્રીઓનું સ્થાન પુરૂષોથી ઊંચુ છે એ દેખાડવા માટે સ્ત્રીઓ પાસેથી યુરિનલના બે રૂપિયા લેવામાં આવે છે તેને બદલે દરવધારા પછી પાંચ રૂપિયા લેવામાં આવશે બોલો! ઉતરાણમાં વર્ષમાં એક જ વાર ખરીદી પાછળ પૈસા ખર્ચવા પડ છે જ્યારે 'મૂતરાણ' પાછળ રોજેરોજ પૈસા ખર્ચવા પડશે. શૌચાલય માટે અત્યારે પાંચ રૂપિયા વસૂલ કરવામાં આવે છે તેને બદલે હવેથી રોકડા આઠ રૂપિયા ચૂકવવા પડશે. જો સાર્વજનિક સ્નાનગૃહમાં નાહવું હશે તો અત્યારે ૧૦ રૂપિયા પડે છે તેને બદલે ૧૫ રૂપિયા ગણી આપવા પડશે. આ સત્તાધીશો જનતાને સ્વખર્ચે નવડાવવા જ બેઠા છેને? શું ક્યો છો કાકા?'
પથુકાકા શાયરાના અંદાજમાં બોલ્યા 'આવી બેફામ મોંઘવારીમ ાં કેવું તૂટી જવું પડયું… નહીં તો જીવનનો માર્ગ છે ખાનાથી પાયખાના સુધી'….
મેં સવાલ કર્યો કે મેં સાંભળ્યું છે કે મુંબઈને પગલે દેશમાં બીજા ગામો અને શહેરોમાં પણ સાર્વજનિક શૌચાલયોના દર વધવાના છે. આ પાયખાના ખર્ચનો વિરોધ કેવી રીતે કરાય?'
પથુકાકા બે ઘડી વિચારીને પછી બોલ્યા કે 'ગાંધીબાપુએ અંગ્રેજોને જાકારો આપતા 'ભારત છોડો'નો નારો લગાવી આંદોલન છેડેલું યાદ છે ને? આ મુંબઈમાંથી આંદોલનની આહલેક જગાવવામાં આવી હતી. એટલે હવે મુંબઈમાં પબ્લિક ટોલેટનો યુઝ કરતા હોય એ લોકોએ નારો લગાવવાનો કે ''પાયખાના છોડો…'' પછી જ્યાં જયાં મફતમાં ''શંકા-નિવારણ'' કરવા મળે ત્યાં પહોંચી જવાનું. આપણે ગામડે રહેતા ત્યારે લોટા લઈને ગામની બાહર જ જતા હતાને? આ ગીત ગાવાનું કોઈ 'લોટા' દે મેરે બીતે હુએ દિન… અન લોટા લઈન ે જાવાનું'…
મેં પણ એ ઓપન-એરમાં પર્ફોમ કરવાનો અનુભવ લીધો છે હો? આ… હા… હા… વો ભી કયા દિન થે… આજે મોબાઈલ ફોનનું સીમકાર્ડ મફતમાં મળી જાય તો કેવો આનંદ થાય? બસ એમાંથી ચાર ગણો આનંદ અમે ચાર-પાંચ બાળ ગોઠિયાઓ લોટા કે ડબલા લઈ લઈને વગર સીમકાર્ડે સીમમાં જતા ત્યારે થતો. ખુલ્લી હવામાં, હરિયાળી વચ્ચે ટેસથી બેસવાનું અને ભેટવાનું (અંગ્રેજીમાં એને શું કહે છે?) ટાઈમની કોઈ લિમિટ નહીં, કોઈને એક પાઈ પણ પરખાવવાની નહીં અને પ્રાતઃવિધિ પતાવી હળવા ફૂલ થઈને હાલતાં હાલતાં ઘરે આવવાનું. વળતી વખતે કોઈ વાર એક પૈસાની ખારી શિંગ લઈએ ત્યારે ચારેય ગોઠિયાના મુઠ્ઠા ભરાઈ જાય એટલી શિંગ આવે. પછી શિંગ ખાતા ખાતાં ઘરે પહોંચીએ. કેવી સોંઘવારી હતી? જાવાનું મફત અને ખાવાનું સસ્તુ… આજે એ બાળપણ યાદ નથી આવ તું અમસ્તું અમસ્તું… આજે તો ખાવાનું પણ મોંઘુ અને જાવાનું પણ મોંઘુ…'
પથુકાકા બોલ્યા કે' શરૂઆતમાં વાત થઈ એમ અત્યારે તો ખાના અને પાયખાના બધાના દર વધતા જ જાય છે, તને નથી લાગતું કે લોકોએ કોઈક આંદોલન ઉપાડવું જોઈએ?'
મેં કહ્યું પથુકાકા તમારા એકદમ ખાતર નાખેલા ફળદ્રુપ ભેજામાં કંઈ જાતનું આંદોલન શરૂ કરવું જોઈએ. એનો ફણગો ફૂટયો હોય તો કહી દો, અને સાથે કોઈ નામ પણ આપો એ આંદોલનને આપણે બધાં લાગી પડીએ.
પથુકાકા થોડીવાર માટે ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. પછી અચાનક મારી પીઠ ઉપર ધબ્બો મારીને બોલ્યા કે યાદ આવ્યું… આ નવતર આંદોલનન નામ આપવાનું ઃ બેઠું આંદોલન…'
નવાઈ પામીને મેં પૂછયુું કે 'બેઠું આંદોલન એટલે શું? જરા રૂપરેખા તો સ્પષ્ટ કરો?'
પથુકાકા નાક ઉપર આંગળી મૂકી સીસકારો કરતા ધીમેકથી બોલ્યા કે આ આંદોલન શરૂ કરતા પહેલાં જનતા જાજરૂ પાર્ટી જેવું કોઈ નામ આપીને જેને સાર્વજનિક પાયખાનામાં વધારે દર આપવાનું પોષાતું ન હોય એ બધાને ભેગા કરવાના. પછી શું કરવાનું ખબર છે? ચોક્કસ વારે, ચોક્કસ તારીખે અને ચોક્કસ ટાઈમે અગાઉથી નક્કી કર્યા મુજબ જુદા જુદા સાર્વજનિક શૌચાલયોમાં ચૂપચાપ જવાનું અને એકવાર અંદર ડબલું ભરીને બેઠાં પછી નીકળવાનું જ નહીં. બહાર પૈસા ઉઘરાવવા બેસતો રખેવાળ જાજરૂના દરવાજા બહારથી ઠોકી ઠોકીને થાકે છતાંય નહીં નીકળવાનું. બસ અંદરથી એક જ જવાબ આપવાનો કે પાયખાનાના દર ઘટાડો નહીંતર અમારા આ બેઠાં આંદોલનનો અંત નહીં આવે. પછી એકીસાથે (કે બેકી સાથે) સૂત્રોચ્ચાર કરવાનો કે ડબલું ભર્યું કે ના હઠવું ના હઠવું…
મ ેં કાકાને દાદ આપતા કહ્યું કે 'તમે તો ડગલું ભર્યું કે ના હઠવુું ન ા હઠવું… એ પંક્તિ પરથી બેઠા આંદોલનનું કમાલ સ્લોગન બનાવી દીધું કે ડબલું ભર્યું કે ના હઠવું ન ા હઠવું… બસ આને હાજર સો હથિયારને બદલે શું કહેવાય ખબર છે? હાજત સો હથિયાર…
અંત-વાણી
જે સત્તાધીશો જોગવાઈ ન કરે
ફ્રી બેકીકરણ અને એકીકરણની
એવાં પાસેથી શું અપેક્ષા
રાખીએ નેકીકરણની.




