Boj Viana ni Moj

સાવન કો આને દો સાવન મેં ખાને દો

By GS Team
1 Sep 20264 mins read
TukuTouch Logo
શ્રાવણના બીજા સોમવારે અક્ષય અંતાણી પથુકાકાના ઘરે ગયા. ત્યાં કાકા "પવન મુક્તાસન" કરતા ગાતા હતા. કાકી ફરાળી થાળી લઈ આવ્યા, અને કાકા-કાકીએ શ્રાવણમાં ફરાળ ખાવાની મોજ અને વજન વધવાની વાત કરી. સૌરાષ્ટ્રમાં એક રિક્ષાવાળાએ 'એકટાણાવાળા' શબ્દનો અર્થ પોલીસ દ્વારા લાંચ લેવાની યુક્તિ તરીકે સમજાવ્યો. અક્ષયે કહ્યું કે વજન ઘટાડવું હોય તો ભાજપના નેતાઓ પાસેથી શીખો.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવન કો આને  દો સાવન મેં ખાને દો
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

શ્રાવણ મહિનાના બીજા સોમવારની બપોરે જમીને આંટો મારવા માટે પથુકાકાના ઘરે ગયો. ઘરમાં દાખલ થયો ત્યાં કાકાનો ગાવાનો અવાજ કાને પડયો: સાવન કા મહિના પવન કરે શોર… જીયારારે ઝુમે ઐસે જૈસે બનમાં નાચે મોર…
બેડરૂમમાં જઈને જોયું તો કાકા ગાતાં ગાતાં યોગાસન કરતા હતા. મેં પૂછયું કાકા 'આ વળી કયું આસન કરો છો?' કાકા હસીને બોલ્યા આને એર-ફ્રી આસન એટલે પવન મુક્તાસન કહેવાય. શ્રાવણમાં બટેટાની વેફર, બટેટાનું ફરાળી શાક અને ભરપેટ ફરાળ ઝાપટીએ એટલ ે પેટમાં પવન ભરાય. એટલે પછી મારે વિલનના રાગમાં મિલનનું આ ગીત ગાઈને પવન મુક્તાસન કરવું પડે: સાવન કા મહિના પવન કરે શોર, જીયારારે ઝુમે ઐસે, ખાને મે રખ્ખે જોર…
કાકાનો ઘોઘરો સાદ સાંભળીને (હો) બાળાકાકી થાળ ભરીને ફરાળી ભોજન લઈને આવ્યા અને બે હાથે ઝાપટતા બોલ્યા: શ્રાવણમાં પેટ ભરીને ખાવાનું ફરાળી ખાણું અને પછી મન ભરીને ગાવાનું મહાદેવનું ગાણું, વર્ષે એક જ વાર આવે છે આ ટાણું પછી ફરાળ જોઈ શું કામ કરવાનું મોઢું કટાણું…
કાકીનું આ જોડકણું સાંભળીને પથુકાકાએ હસીને ટકોર કરી કે આ જો તારી ફરાળભક્ષી કાકી? સેંથકનું ફરાળ ખાય પછી પેટમાં ગેસ થાય એટલે પછી વારેઘડીએ ફ્રિઝમાંથી સોડા કીઢી કાઢીને પીતી જાય. તારી કાકીની દેશભક્તિને અને શ્રાવણ મહિનામાં ગેસ-ભક્તિને ખરેખર સલામ કરવી પડે હો?'
મેં કાકાને ટોક્યા કે ઉપવાસ અને એકટાણાના નામ કાકી એકલાં જ નહીં, તમેય ઊભે ગળે ફરાળ આરોગો છો એટલે કાકીની એકલાની નહીં તમારી પણ ગેસ-ભક્તિના મેં દર્શન કર્યા છે હો?'
પથુકાકા બોલ્યા 'ગાડીમાં સી.એન.જી. ભરાવવા માટે પેટ્રોલ પમ્પ પર જવું પડે છે જ્યારે અમારા બેઉના પેટમાં આપોઆપ સીએનજી એટલે દબાણ સાથે કુદરતી વાયુ (કોમ્પ્રેસ્ડનેચરલ ગેસ) ભરાઈ જાય છે બોલ?'
મેં કહ્યું 'તમારી અને કાકીની જેમ કેટલાય ભક્તો શ્રાવણ મહિનામાં અકરાંતિયાની જેમ ફરાળ આરોગે અને પછી હેરાન થાય (ગેસના) આ-રોગે.'
પથુકાકા માથું ખંજવાળીને બોલ્યા કે કવિએ આવું કાંઈક લખ્યું છે ને કે વજન કરે એ હારે મનવા ભોજન કરે એ જીતે…' મેં કાકાને અધવચ્ચે ટપારતા કહ્યું કે સાઈ કવિ મકરંદ દવેએ ભોજન કરે એ જીતે એમ નથી લખ્યું પણ ભજન કરે એ જીતે એવું લખ્યું છે, સમજાયું? ભજનને બદલે ભોજન કરી કરી જે સજ્જન વજન વધારે એ હારે કારણ ગમે એ જાતનું વજન કોઈને ન તારે. ઘણાંને તનનું વજન હોય, કોઈને અહમનું વજન હોય… બસ અહમનું વજન બાદ કરો એટલે થઈ જાય અહમ-દા-બાદ પછી થઈ જાવ હળવા ફૂલ અને કૂલ કૂલ…
મારી વાત સાંભળી પથુકાકા (હો) બાળાકાકીની સામે જોઈને રાજકપૂરની 'તીસરી કસમ 'નું ગીત જરાક ફેરવીને ગાવા માંડયા: વજનવા ''બૈરી'' હો ગઈ હમાર, ચીઠ્ઠિયાં હો તો હર કોઈ બાંટે, 'ભાર'ના બાંટે કોઈ, ''કમરવા'' બૈરી હો ગઈ હમાર…'
(હો) બાળાકાકી કાંઈ ગાજ્યા થોડા જ જાય? એમણે કાકાનું નિશાન સાધી તીર છોડતાં કહ્યું કે તારા કાકા મારૃં પિયરનું નામ ભારતી છે એ ફેરવીને ભારથી કહીને કે વિવિધ-ભારથી કહીને ચીડવે છે પણ પોતાનું શરીર અરીસામાં કેમ નથી જોતાં? તારા કાકા શ્રાવણ શરૂ થાય એની રાહ જોતા ટાંપીને જ બેઠા હોય છે. દર શ્રાવણ માસ પછી એમનું વ જન વધી જાય છે. એમનો તો એક જ શ્રાવણ-મંત્ર છેઃ
સાવન કો આને દો…
સાવન મેં ખાને દો…
કાકીએ મ્હેણું માર્યું એટલે કાકાને હાડોહાડ લાગી આવ્યું હોય એમ મને પૂછ્યું કે 'શ્રાવણ જાય પછી વનજ ઉતારવા માટે શું કરૃં કહે તો ખરો?' મેં જવાબ આપ્યો કે 'કોનું વજન કેમ અને ક્યારે ઉતારવું એ ભાજપના મોભીઓ સારી રીતે જાણે છે. જરાક કોઈ નેતાનું વજન વધતું લાગે કે તરત જ કદ પ્રમાણે વેતરીને વજન ઉતારી નાખે છે. એટલે જ પક્ષનું નામ ભારતીય જનતા પાર્ટી છે વ-જનતા પાર્ટી નહીં, સમજી ગયાને?'
મનેતોશ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના પ્રવાસે ગયો હતો ત્યારેનો કિસ્સો યાદ આવ્યો. નાના ગામના સ્ટેશને ઉતરીને ગામમાં પહોંચવા રિક્ષા ગોતવા માંડયો. એક રિક્ષાવાળો આવ્યો એણે તા રિક્ષામાં સામાન્ય રીતે ત્રણ જણ બેસે એને બદલે છ જણને દાબી દાબીને ભર્યા. સ્ટેશનના મેઈન ગેટમાંથી રિક્ષા બહાર નીકળી ત્યાં ટ્રાફિક પોલીસ ઊભો હતો. પોલીસે જોરથી રાડ પાડી કે એકટાણાવાળા? રિક્ષાચાલકે માથું ધુણાવી જવાબ આપ્યો કે હા એકટાણાવાળા, પછી રિક્ષા મારી મૂકી. મને ભારે અચરજ થયું એટલે રિક્ષાવાળાને પૂછ્યું 'આ તીર્થધામના પોલીસ પણ શ્રાવણમાં કોણ એકટાણા કરે છે અને કોણ ઉપવાસ કરે છે એની ફિકર કરે છે?'
સવાલ સાંભળી રિક્ષાવાળો ખડખડાટ હસીને બોલ્યો કે પોલીસવાળો શ્રાવણ-મહિનાના ઉપવાસ એકટાણાની વાત નથી કરતો. આ તો છ-છ પેસેન્જરને બેસાડીને સ્ટેશનની બહાર નીકળીએ ત્યારે પોલીસ કોડવર્ડમાં પૂછે કે એકટણાવાળા? એનો શું અર્થ થાય ખબર છે? સવારે આવતી ટ્રેનોના જ પેસેન્જરોનું ભાડું લઈને ગામમાં પહોંચાડતા હોય એ બધા એકટાણાવાળા. સવાર, બપોર અને સાંજની ટ્રેનોના પેસેન્જરોના ભાડાં લઈ જતા હોય એ રિક્ષાવાળા બે ટાણાવાળા કે ત્રણ ટાણાવાળા તરીકે ઓળખાય. એટલે એકટાણા, બેટાણા અને ત્રણ ટાણાવાળા રિક્ષાવાળાના નંબર પોલીસવાળો નાનકડી ડાયરીમાં છૂપી રીતે નોંધી લે અને પછી એ પ્રમાણેની લાંચ વસૂલ કરે, સમજી ગયાને? એકટાણાવાળા કોને કહેવાય?'
રિક્ષાવાળાની વાત સાંભળી મનમાં થયું કે હે દ્વારકાધીશ વોટ ઈઝ ધીસ… કહે છે ને કે દાને દાને પે લીખ્ખા હૈ (પૈસા) ખાનેવાલે કા નામ…
અંત-વાણી
કરે ઉપવાસ અને એકટાણા
એમાં ફરાળ કરે ચારટાણા
પછી ગાય ભાર-વધારાના ગાણા.
** ** **
દેખાડો કરવા ભૂખ વેઠવા કરતાં
જે ભૂખ્યાને જમાડે
એને મારો વ્હાલો ઠાકર
પ્રેમથી દર્શન પમાડે.
** ** **
બધીએ મજાઓ હતી રાતે રાત
ને સંતાપ એનો સવારે સવારે
મરીઝ સાહેબના આ શેરની
પેરડી શ્રાવણમાં લખાઈ:
બધીએ મજાઓ હતી ખાતે ખાતે
ને સંતાપ એનો ફરાળે ફરાળે.
** ** **
એફડીએ કમિશનર તુકારામ
મુંઢેએ ભેળસેળ કરવાવાળાની
ઊંઘ હરામ કરી નાખી છે.એટલે
ભીંત પર સૂત્ર લખાય છે:
મુંઢે મિલાવટ ઢૂંઢે.