Boj Viana ni Moj

ભલે નેતાઓ શેકે રોટલી પણ પ્રજાના હાથમાં એમની ચોટલી

By GS Team
13 Oct 20265 mins read
TukuTouch Logo
પથુકાકાના ઘરે, અક્ષય અંતાણીએ રોટલી અને વોટલીની રમુજી વાત સાંભળી. બાળાકાકીએ બનાવેલું તીખું બટેટાનું શાક અને 8-9 રોટલી ખાધા પછી કાકાને પેટમાં ગેસ ભરાયો. તેમણે સોડા પીને વધુ ઓડકાર ખાધા. રાજકારણમાં 'રોટલી'ની જેમ 'વોટલી' શેકાતી હોવાની વાત કરી. કાકાએ ઝારખંડમાં 100 રોટલી ખાનાર 'પેટુ'ની અને 1857ના બળવાની રોટલીની વાતો પણ યાદ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભલે નેતાઓ શેકે રોટલી પણ પ્રજાના હાથમાં એમની ચોટલી
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

રાજકારણમાં સહુ શેકે પોતપોતાની રોટલી, પણ એને કોણ સમજાવે કે જનતાના હાથમાં છે તમારી ચોટલી. ચૂંટણી ટાણે વોટ મેળવવા ઉમેદવારો ભલે ખુલ્લી મૂકે પૈસાની પોટલી, પણ સમજદાર જનતા બરાબર જાણે છે કે પૈસાની પોટલી ખુલ્લી મૂકી ચૂંટણી જીત્યા પછી એ જ જીતેલાઓ આમ-જનતાને આમ (કેરી)ની જેમ ચૂસીને પછી ફગાવી દેશે સમજીને ગોટલી. એટલે ટૂંકમાં વોટના ખેલમાં સહુ પોતપોતાની રીતે રોટલી શેકે એટલે રોટલીને બદલે શું કહેવાય ખબર છે? વોટલી…
રોટલી અને વોટલીની આ મનોમન તુકબંધી કરતો કરતો બપોરે પથુકાકાના ઘરે પહોંચ્યો. કાકા તો હિંચકા પર બેઠાં બેઠાં પેટ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં જોર જોરથી ઓડકાર ખાતા હતા. મેં પૂછ્યું 'કાકા શું થાય છે? આમ અચાનક મોટા નેતાની જેમ વાયુ-પ્રવચન કેમ આપવા માંડયા? પ્રાણવાયુને બદલે મોઢેથી ઓડકાર ખાઈને ''ઘાણવાયુ'' કેમ છોડવા માંડયા?'
પથુકાકા બોલ્યા કે 'કોઈ ઓમકારનો નાદ ગજાવે તો કોઈ મારી જેમ ઓડકારનો નાદ ગજાવે. એમાં એવું થયું કે તારી આ કાઠિયાવાડી (હો) બાળાકાકીએ એવું ટેસ્ટી અને તીખ્ખું તમતમતું બટેટાનું વડી નાખેલું શાક બનાવ્યું કે રોજ છ રોટલી ખાતો હોઉં છું એને બદલે આઠ-નવ રોટલી ઝાપટી ગયો. એમાં આ પેટમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ભરાઈ ગયો અને પેટ ચડયું છે. મને લાગે છે કે મને આ વડી નડી અને ભારે પડી. એટલે પછી ઓડકાર ખાઈને દેૈશ ભક્તિને બદલે ગેસ-ભક્તિ ન દેખાડું તો બીજું શું કરૃં?'
'મેં હળવાશથી કહ્યું કે કાકા વડી તમને એકલાને જ નડી, પણ ઓલી પશ્ચિમ બંગાળની વડી આખા રાજ્યને કેટકેટલા વર્ષ નડીં?' પથુકાકા ઔર એક ઓડકાર ખાઈને બોલ્યા કે 'એ વડી ખરેખરી નડી એની ના નહીં, પણ આપણાં 'વડા'એ પૂરેપૂરી તાકાત અજમાવતા ઈવડી ઈ વડી કેવી ગાદી પરથી ઊથલી પડી? વડાની સામે પડી વડી ઈ હરકત નડી.'
મેં કહ્યું 'કાકા કોઈ અકરાંતિયાની જેમ ધાન ખાય આરાંતિયાની જેમ ધન ખાય ઈ વહેલા મોડું નડે તો ખરૃંને? એટલે જ તો અવારનવાર ઝડપાતા ખાઈકીબાજોને જોઈને કહેતા રહું છું કે ખાઈકી ખાણાંની હોય કે પછી નાણાંની, અતિરેકથી નોૌબત આવે ગમગીન ગાણાંની…
પથુકાકા સોડા પીન ે મોઢેથી વધુ એક વિસ્ફોટક ઓડકાર ખાતા બોલ્યા કે 'અરે મને આઠ-નવ રોટલી ખાઈને આટલું વસમું લાગ્યું તો ઝારખંડમાં રોટલી ખાવાની હરિફાઈમાં એક પરમ પરાક્રમી ''પેટુ'' એક્સો રોટલી અને શાક ઝાપટી જીતી ગયો એનાં પેટમાં ગેસ થવાથી પેલા ગેસના ફુગ્ગાની જેમ ઉડી ન જાય માટે એનો એક પગ પલંગ સાથે દોરીથી બાંધવો પડયો હશે, ખરૃં કે નહીં? '
મેં કાકાને મોબાઈલમાં અજબની રીલ દેખાડી. એક ફાંદાળો માણસ પોતાની ફાંદ ઉપર લોટના ગોયણા મૂકીને પછી વેલણથી ટેસથી રોટલી વણતો જોવા મળ્યો હતો. આ જોઈને કાકા હસીને બોલ્યા કે મારે આ રીલ સરકારને ફોરવર્ડ કરીને એક મેસેજ મોકલવો છે કેઃ
પેટની અંદર જાય રોટી
પેટની બાહર થાય રોટી
કોઈને કરવા ન પડે આવાં ખેલ
માટે ઝટ પૂરી પાડો રોજી-રોટી.
સ્ત્રી ભલે રસોડાની રાણી કહેવાતી હોય પણ દુનિયામાં ટોચના રસોઈયાઓ મોટે ભાગે પુરૂષો જ હોય છે. એટલે એને રસોડાના રાણા (કે મ-રાણા) કહેવા પડે. તમે જોજો રોજ સવારમાં મેલ કૂકડા કેવી બાંગ પોકારે છે? કૂક… રે…કૂક અને ટીવીના રસોઈના શોમાં મેલ કૂક જાતજાતની નવી નવી વાનગીઓ કૂક કરીને શીખવતા હોય છેને? પ્રેશર કૂકર શબ્દનો અર્થ શું છે ખબર છે? મારી જેવાં આજીવન વાંઢાઓએ પ્રેશર વચ્ચે જેવું કૂકિંગ કરવું પડતું હોય છે. એટલે મારી જમાતના વાંઢા-જનક સ્થિતિમાં રહેતા હોય ઈ બધા પ્રેશર કૂકર જ કહેવાય.
આજનો જમાનો કાંધોતર દીકરાનો નહીં પણ રાંધોતર ધણીનો છે, જે રાંધી જાણે રોટલીનો લોટ બાંધી જાણે. આ બધું હું શીખી ગયો, પણ એક રોટલી વણતા ન આવડે. મારી વણેલી રોટલી જુઓ તો તમને આકાર અને નિરાકારનો ભેદ સમજાઈ જાય.
વર્ષો પહેલાં અમે અને પથુકાકાનું ફેમિલી રાજકોટના મનહર પ્લોટમ ાં રહેતા ત્યારે રાતના સમ યે દાતણ વેંચવાવાળાની બૂમ સંભળાય એ… ટાઢીસૂકી રોટલી આપજો ને દાતણ લેજો… દાતણ લેજો…
પથુકાકાના ધરપમપત્ની અને મગજના ગરમપત્ની (હો) બાળાકાકી પહેલેથી દાંત તોડી નાખે એવી ચવડ રોટલી બનાવે. પછી એ વાસી રોટલી દાતણવાળી બાઈને આપે. ત્યારે એ બાઈ કાયમ દાઢમાંથી કાકીને કહે કે 'કાકી માઠું ન લગાડતા પણ તમારી આવી ચવડ રોટલી ખાધા પછી પણ કાકાના દાંત અમારા આ અસલ બાવળના દાતણથી જ ટકી રહ્યા છે હો?'
પથુકાકામાં પહેલેથી જ વાઈડાઈ બહુ અને અટકચાળા કરી પોતાના બેટર-હાફ કાકીને માટે કહે પણ ખરા કે આ કાકી જેવાં હાફ જ બેટર… આખેઆખા તો ઊંધા પાડી દે. એકવાર (હો) બાળાકાકીનો બર્થ-ડે હતો. ઉજવણીની પાર્ટીમાં કાકાને કોણ જાણે શું સૂઝ્યું કે એમણે કાકીની રોટલીનું ટચૂકડું રોટી કાવ્ય હિંમત કરી પેશ કર્યું. કાવ્ય આખું તો યાદ નથી પણ ''બેટર-હાફ'' યાદ રહ્યું એ કંઈક આ પ્રમાણેનું હતું.
તાણી તૂટે નહીં એવી
રબ્બરસમ છે રોટલી
શું કરીએ? રોટલી વણનારીના
હાથમાં જ છે અમારી ચોટલી
હવે તો શેરીના શ્વાન પણ
સાભાર પરત કરે છે
થોડું હસીને, થોડું ભસીને
તમારા કાકીની રોટલી.
પથુકાકાએ ૧૮૫૭ના બળવાને યાદ કરી કહ્યું ક 'તમને ખબર છે? ૧૮૫૭ના બળવા વખતે ક્રાંતિ કારીઓ ગુપ્ત સાંકેતિક સંદેશાની આપલે માટે રોટલીનો ઉપયોગ કરતા? કદાચ એટલે જ આ તમારી એકની એક કાકી કાયમ બળેલી રોટલી ખવડાવે છે. હું જો વિરોધ કરૃં તો શું કહે છે ખબર છે? કહે છે કે બળવાની સ્મૃતિ કાયમ રહે માટે રોટલીમાં બળવાની વાસ તો આવવા દો?'
વર્ષો પહેલાં ધોરાજીમાં મારા એક વોરાજી દોસ્ત રહેતા, એમણે સરસ વાત કરેલી. દાઉદી વોહરા કોમ્યુનિટીમાં એમના રિવાજ પ્રમાણે લગ્ન થાય ત્યારે વરરાજા અને નવવધૂએ ભેગા મળીને રોટલી વણવાની હોય. આનો મર્મ એ છે સંસારમાં હળી મળીને અને એકબીજાને મદદરૂપ બનીને સંસારી જીવન આગળ વધારશે. આ રીતે બંને મળીને જે રોટલી વણે એને નામ પણ કેવું સરસ અપાયું છે? 'મોહબ્બત કી રોટી.'
કાકાએ આ વાત સાંભળીને છણકો કરીને કહ્યું 'વાહ, મોહોબ્બત કી રોટી એ તો બહુ સારી વાત કહેવાય બાકી મારા ઘરે તો કાકીની રોટલી ખાધા પછી કાયમ રોટી રમખાણ થાય છે…'
મને વિચાર આવ્યો કે મારી જેમ વાંઢાજનક સ્થિતિમાં રહેતા હોય અને સરખી રોટલી વણતા આવડતી ન હોય એને કેવી તકલીફ પડતી હશે? મેં કાકાને આ સવાલ કર્યો ત્યારે તેમણે મને ધબ્બા મારી કહ્યું કે તું કંઈ દુનિયામાં વસે છે? હવે તો રોટલી વણવાના અને શેકવાના મશીન આવી ગયા છે. મશીન ખરીદવું ન હોય તો માર્કેટમાં પાપડની જેમ રોટલી પણ તૈયાર મળે છે. પહેલાં કહેવાતું કે રોટી-બેટીનો વ્યવહાર છે, પણ તમારા ભાગ્યમાં ભલે બેટી ન હોય પણ રેડિમેડ રોટીનો વ્યવહાર શરૂ થઈ ગયો છે.
અંત-વાણી
માના હાથની રોટલી કેવી મીઠી લાગે? એટલે જ કચ્છીમાં રોટલી માટે કેવો મીઠો શબ્દ છે માની. આના પરથી તીન-લાઈના કહેવી પડેઃ
માની વાત માની
ફાસ્ટ-ફૂડને બદલે ખાવ
માની મીઠી માની.