Bhuj

ભાદરવાની ગરમી-ઉકળાટ વચ્ચે ગુજરાતના 47 તાલુકામાં વરસાદી ઝાપટાં, ભુજ 39.5 ડિગ્રીમાં શેકાયું

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ભાદરવી તાપનો પ્રકોપ વધ્યો છે. ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ વચ્ચે, ગીર સોમનાથના ઊનામાં 2.72 ઇંચ અને અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ સહિત રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આગામી 24 કલાકમાં વધુ વરસાદની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવાની ગરમી-ઉકળાટ વચ્ચે ગુજરાતના 47 તાલુકામાં વરસાદી ઝાપટાં, ભુજ 39.5 ડિગ્રીમાં શેકાયું

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ભાદરવા મહિનાની આકરી ગરમી અને અસહ્ય ઉકળાટનો પ્રારંભ થતાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બફારાના આ વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

ભુજમાં ગરમીનો પારા 39.5 ડિગ્રી પહોંચ્યો

રાજ્યભરમાં ભાદરવી તાપનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં બુધવારે (23મી સપ્ટેમ્બર) ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં ભુજવાસીઓ ગરમીમાં શેકાયા હતા. આ ઉપરાંત અન્ય મુખ્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો; જેમાં અમદાવાદમાં 36.2 ડિગ્રી, રાજકોટમાં 37.5, સુરતમાં 34.3, વડોદરામાં 36.4, ભાવનગરમાં 36.8, ગાંધીનગરમાં 36 અને કંડલામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ઉનામાં 2.72 અને રાજુલામાં 2.60 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદી ઝાપટાંની વાત કરીએ તો ગીર સોમનાથના ઊના તાલુકામાં સૌથી વધુ 2.72 ઈંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.24 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં વાર્ષિક સરેરાશનો 89 ટકા વરસાદ

ચાલુ મોસમ દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 810 મિ.મી. વરસાદ થયો છે, જે વાર્ષિક સરેરાશ વરસાદના 89 ટકા જેટલો થાય છે. પ્રદેશવાર સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71.25 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી ઓછો 57.60 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે.