બાળકોની રમત બાબતે બોલાચાલી થતાં યુવક પર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરચલીયાપરામાં જૂની અદાવતમાં લોહીયાળ જંગ
ચાર મહિના પહેલા થયેલી બોલાચાલીની દાઝ રાખી શખ્સોએ યુવકને ઘરમાં ઘૂસીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
ભાવનગર - ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરચલીયાપરા, શિવનગર ખાતે જૂની અદાવતના કારણે એક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. બાળકોની રમત બાબતે થયેલી તકરારની દાઝ રાખી ચાર શખ્સો દ્વારા એક યુવક પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ચોપડે નોંધ થઈ છે.
મળતી માહિતી મુજબ, કરચલિયાપરમાં રહેતા બિપીનભાઈ ઉર્ફે હિપ્પો ચંદુભાઈ પરમાર ગત તા. ૦૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે મેલડીમાંના મંદિર પાસેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો. આજથી આશરે ચાર મહિના પહેલાં બાળકોના રમવા બાબતે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને આકાશ જીવાભાઈ વાઘેલાએ પોતાની પાસે રહેલી છરી વડે બિપીનભાઈ ઉર્ફે હિપ્પોના ડાબા હાથ પર તથા વાંસાના ભાગે ઘા ઝીંક્યા હતા. જ્યારે બીજા રાકેશ ઉર્ફે વાંકો ડોકાળો વાઘેલાએ લોખંડના પાઈપથી બિપીનભાઈ ઉર્ફે હિપ્પોના માથામાં ફટકો મારતા તેઓ લોહીલુહાણ થઈને નીચે પડી ગયા હતા.અન્ય શખ્સોની સંડોવણી અને ધમકી હુમલા દરમિયાન અન્ય જીવા વાઘેલા અને જિજ્ઞાાશાબેન આકાશભાઈ વાઘેલા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને બિપીનભાઈ ઉર્ફે હિપ્પોને ઢીકાપાટુંનો મુંઢ માર માર્યો હતો. હુમલાખોરો જતા-જતા આજ તો તું બચી ગયો છે, હવે જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપીને નાસી છૂટયા હતા.ઘટના બાદ દેકારો થતાં બિપીનભાઈ ઉર્ફે હિપ્પોના પત્ની અને બાજુમાં રહેતા મિત્ર જીતેશભાઈ ત્યાં દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવતા બિપીનભાઈ ઉર્ફે હિપ્પોને વધુ સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત અને માથાના ભાગે ફેક્ચર હોવાનું સામે આવ્યું છે. આ મામેરે પોલીસે આકાશ વાઘેલા, રાકેશ વાઘેલા, જીવાભાઈ વાઘેલા અને જિજ્ઞાાશાબેન વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




