ધંધુકાના મલતાન તળાવ પાસે બમ્પ પર બાઇક ધીમી પાડવા જેવી બાબતે યુવક પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પિતા-પુત્ર સામે ધંધુકા પોલીસમાં ગુનો નોંધાયો
બોલાચાલી બાદ સમજાવવા ગયેલા પશુપાલક પર પાઇપ અને લાકડી વડે હુમલો કરી લોહીલુહાણ કરાયા
ભાવનગર - ધંધુકાના મલતાન તળાવની પાળ પાસે બમ્પ આવતા મોટરસાયકલ ધીમી પાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૃપ ધારણ કર્યું છે. આ મામલે પૂછપરછ કરવા ગયેલા પશુપાલક પર બે શખસોએ પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ધંધુકાના મલતાન તળાવની પાળ પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ભાનુભાઇ ઉર્ફે લાલાભાઇ સાટીયાનો ૧૭ વર્ષીય પુત્ર સ્મિત બજારમાંથી વસ્તુ લઇને પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન લાલગીરી ગોસ્વામીના ઘર પાસે બમ્પ આવતા તેણે બાઇક ધીમી પાડી હતી. આ બાબતે ઘર બહાર બેસેલા સભ્યોએ તેની સાથે અણછાજતી બોલાચાલી કરી હતી.આ અંગે ભાનુભાઇ ઉર્ફે લાલાભાઇ લાલગીરીના ઘરે વાતચીત કરવા જતાં, ખીજાયેલા વિજયગીરી લાલગીરી ગોસ્વામી અને દશરથગીરી લાલગીરી ગોસ્વામીએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ વિજયગીરીએ લોખંડની પાઇપ માથામાં મારી લોહીલુહાણ કર્યા હતા, જ્યારે દશરથગીરીએ લાકડીથી હુમલો કરી મુઢ ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો અને ભાનુભાઇ ઉર્ફે લાલાભાઇની પત્નીએ વચ્ચે પડી તેમને વધુ મારથી બચાવ્યા હતા.ઇજાગ્રસ્ત ભાનુભાઇ ઉર્ફે લાલાભાઇને સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ધંધુકા પોલીસ મથકે વિજયગીરી અને દશરથગીરી ગોસ્વામી સામે બી.એન.એસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




